________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ
અંતરમલ જાય - અજવાળું થાય
જીવન પ્રવાહિત છે. પાણીના પ્રવાહની જેમ દિવસો પસાર થઈ રહ્યા છે. સૂર્ય જાય છે ચંદ્ર ઉગે છે. ચંદ્ર જાય છે સૂર્ય ઊગે છે. તે પળોને માટીના મહેલની જેમ નહીં પણ સુવર્ણના મહેલની જેમ સાર્થક બનાવવા માટે જ્ઞાની ભગવંતોએ સ્વાધ્યાય ને અમૂલ્ય ઔષધ (તેજંતુરી) બતાવેલ છે. જે માનવજીવનની પળોને સુવર્ણમય બનાવી દે છે એટલું જ નહીં પરંતુ આત્મા પર લાગેલ અનાદિ કાલિન મેલને દૂર કરી સ્ફટીક જેવું ઉજ્જ્વલ-નિર્મળ આત્માના મૂળ સ્વરૂપને પ્રગટ કરવા સમર્થ બને છે.
પ્રાણને ટકાવવા આહાર અને પાણીની જેટલી જરૂર છે તેથી અધિક આત્મ શુદ્ધિ માટે સ્વાધ્યાયની જરૂર છે.
વૃક્ષનો વિકાસ, ફળમાં રસ-કસ, પુષ્પમાં સૌંદર્ય-સુગંધ, પાંદડામાં રંગ-રૂપ, મૂળીયાને આભારી છે તેમ આત્મ શાંતિ, આત્મ સૌંદર્ય, આત્મ ઐશ્વર્ય કેવળ-જ્યોત સ્વાધ્યાયને આભારી છે.
સોયને ખોવાઈ જવાના જેટલા ભય સ્થાનો છે તેથી પણ અધિક ભયના સ્થાનો આત્માને ખોવાઈ જવાના છે. સોયને દોરો ખોવાઈ જતાં બચાવે છે. તેમ સ્વાધ્યાય ભૌતિક સાધનોમાં લુબ્ધ થઈ સંસારવનમાં ખોવાઈ જતાં અત્માને બચાવે છે.
સ્વાધ્યાય એકાગ્રતા પેદા કરે છે. એકાગ્રતા ભૌતિક ભાવથી મનને છોડાવી શુભ ભાવમાં પ્રવૃત્ત કરાવે છે. શુભ ભાવ ધર્મ ધ્યાનમાં લઈ જાય છે. ધર્મ ધ્યાન શુક્લ ધ્યાનમાં અને શુક્લ ધ્યાન ક્ષપક શ્રેણીમાં ચડાવી અનંતકાલથી દબાયેલા કેવળજ્ઞાન રૂપી સૂર્યને પ્રગટ કરે છે તે પ્રકાશ સંપૂર્ણ લોકાલોકનું સત્યરૂપે દર્શન કરાવે છે. અને અંતે આત્મા ચાર અઘાતિ કર્મનો ક્ષય કરી અનંત અવિનાશી સુખના અનુભવરૂપ મોક્ષ રૂપ સ્થાનને પ્રાપ્ત કરે છે. આ છે સ્વાધ્યાયનો પ્રભાવ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org