Book Title: Mokshmargna Pagathiya Author(s): Shrimad Rajchandra, T U Mehta Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad View full book textPage 9
________________ આત્મસિદ્ધિના સોપાનો જૈનદર્શનમાં ગુણસ્થાનોની યોજના મારફત આત્માનો ક્રમે ક્રમે વિકાસ કઈ રીતે થાય છે તે આ કાવ્યમાં મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી સુંદર રીતે સમજાવવામાં આવેલ છે. આથી આ કાવ્યનું રહસ્ય સમજવા તેની પશ્ચાત્ ભૂમિકા તરીકે ગુણસ્થાનોની રચના શું છે તે સમજવાની જરૂર છે. જૈનદર્શનના પાયામાં આત્મિક વિકાસ જ રહે છે, કારણ કે દરેક પ્રકારના જીવે (આત્માએ) છેવટની મુક્તિ મેળવવાનો પ્રયાસ પોતાના જ પ્રયત્નથી અને સ્વશક્તિથી જ કરવાનો રહે છે. “ઈશ્વર નામની કોઈ બાહ્યશક્તિ આ વિશ્વનું નિયંત્રણ કરે છે અને દરેક જીવાત્માનું ભવિષ્ય તેવી કોઈ બાહ્યશક્તિના હાથમાં જ છે” તેવા કોઈ સિદ્ધાંતનો સ્વીકાર જૈનદર્શન કરતું જ નથી. તીર્થકર જેવી બાહ્યશક્તિ માર્ગદર્શન જરૂર આપી શકે પરંતુ તે માર્ગદર્શન સ્વીકારી આત્મોન્નતિ માટે પ્રયત્ન તો દરેક જીવે પોતે જ કરવો પડે છે. આથી તેવો પ્રયત્ન કરતાં કરતાં જીવ કેવી રીતે આગળ વધે છે અને તેવી પ્રગતિના પંથે તેને શું શું અનુભવોમાંથી પસાર થવાની જરૂર રહે છે તે આ કાવ્યમાં સ્વાનુભવના આધારે શ્રીમદ્જીએ બતાવેલ છે. (૧) જીવ જ્યારે તદન પ્રાથમિક અવસ્થામાં હોય છે ત્યારે તે સંસારમાં જ રચ્યોપચ્યો જ રહે છે, તેને આત્મા તરફ કે આત્મિક ઉન્નતિ તરફ કોઈપણ રુચિ થતી જ નથી. કષાયોથી ઘેરાએલ આવો જીવ વિકાસના ક્રમમાં પ્રથમ પગથિયે જ ઊભો હોય છે તેથી તેના આ સ્થાનને “મિથ્યાત્વ” ગુણસ્થાનક કહેવાય છે. (૨) પરંતુ દરેક આત્મા (જીવ) અંતર્ગત રીતે પ્રગતિલક્ષી જ હોય છે તેથી જીવનનો જેમ જેમ અનુભવ તેને થતો જાય છે તેમ તેમ તે અનુભવમાંથી બહાર નીકળી આગળ પ્રયાણ કરે છે. આ પ્રયાણની યાત્રા સુખસંશોધનની યાત્રા છે. જ્યાં સુધી તે સુખની શોધ જીવનની ભૌતિક વસ્તુઓ મારફત કરે છે ત્યાં સુધી તો તે શોધ “મિથ્યાત્વ”ની જ રહે છે. પરંતુ એક ક્ષણ વહેલી કે મોડી એવી આવે છે કે તેને જ્ઞાન થાય છે કે ભૌતિક વસ્તુઓ મારફત જે ક્ષણિક અને અસ્થાયી સુખ મળે છે તે સંતોષકારક તો નથી જ, પરંતુ વાસનાઓની વૃદ્ધિ કરનાર હોઈ દુઃખમાં પરિણમે છે. આ ક્ષણે તે સ્થાયી સુખની શોધમાં લાગે છે અને ત્યારે તેને તત્ત્વરુચિ થાય છે. જીવનનું રહસ્ય શું છે? આપણી આસપાસ આ જે અનંત ઘટમાળ ચાલી રહી છે તેનો મર્મ શું છે? તે ઘટમાળમાં મારું શું સ્થાન છે, જીવન અહેતુક છે કે સહેતુક છે? Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34