________________
મંત્ર માનવતાનો 98
કડવું સત્ય
અમેરિકાના વિખ્યાત વિજ્ઞાની, સંશોધક અને લેખક બેન્જામિન ફ્રેન્કલિન સાબુ અને મીણબત્તી બનાવનાર પિતાના સત્તર સંતાનોમાંનું દસમું સંતાન હતા. લેખક, મુદ્રક અને પ્રકાશક બેન્જામિન ફ્રેન્કલિન એ દિવસોમાં ભેજાબાજ પણ માથાફરેલ ગણાતા હતા. સામી વ્યક્તિને દલીલો કરીને પરાજિત કરવાની એમને આદત હતી અને કોઈ એમની વિરુદ્ધ બોલે. તે સહેજે સાંખી શકતા નહીં.
એક વાર ‘સોસાયટી ઑફ ફ્રેન્ડ્ઝ' નામના એક ધાર્મિક સંપ્રદાયના વડીલે સર્વત્ર છવાઈ જવાની આદત ધરાવનારા બેન્જામિન ફ્રેંકલિનને બોલાવીને ખખડાવી નાખ્યા. એમણે કહ્યું, 'તું તારા મનમાં સમજે છે શું ? તારાથી જે વિરુદ્ધ હોય, તેના પર તારો મત લાદવાનો પ્રયાસ કરે છે ? તારા મિત્રો તારાથી એટલા બધા ખફા થઈ ગયા છે કે તું જે કંઈ બોલે છે, તેની તેઓ સહેજે પરવા જ નથી કરતા. તારી હાજરી કરતાં ગેરહાજરીથી વધુ ખુશ રહે છે. તારું વર્તન બધા સાથે એ જાતનું છે કે ‘જાણે તું સર્વજ્ઞ છે’ અને એટલે કોઈ તને કશી બાબતમાં વાત કરતા નથી કે એમનો વિચાર જણાવતા નથી. જો તને કંઈ કહેવાનો પ્રયત્ન કરે તો એમનું આવી બન્યું જ સમજો ! હકીકતમાં સમુદ્રના પાણીના એક બુંદ જેટલી તારી જાણકારી છે અને મારે કહેવું જોઈએ કે જો આવું જ વર્તન ચાલુ રાખીશ, તો તું કશું વધારે જાણી શકવાનો નથી.'
બેન્જામિન ફ્રેંન્કલિન નો સ્તબ્ધ થઈ ગયા. એમના જેવી સફળ વ્યક્તિને કોઈ આવો ઠપકો આપે, તેવું સ્વપ્ને પણ વિચારી શકતા ન હતા. પરંતુ એ વૃદ્ધે કહેલું કડવું સત્ય બેન્જામિન ફ્રેંન્કલિને હસતે મુખે સ્વીકારી લીધું અને એમનો એ ઠપકો એમને માટે આત્મચિંતનનો માર્ગ બન્યો. એમણે વિચાર્યું કે એમનો ઉઠત અને દુરાગ્રહી સ્વભાવ એમણે બદલવો જ પડશે, નહીં તો એમનો આ માર્ગ એમને નિષ્ફળતા જ અપાવશે અને સમાજમાંથી એ ફેંકાઈ જશે. એ દિવસે બેન્જામિન ફ્રેન્કલિને પોતાના વ્યક્તિત્વમાં પરિવર્તન લાવવા માટે કમર કસી.