Book Title: Mantra Manavtano
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 151
________________ મંત્ર માનવતાનો 150 નિરક્ષરતાનું દારિદ્રય પોતાના ખેડૂત-માલિકનાં ઢોર ચરાવતા જૉન ડંકનને માત્ર એક જ સહારો હતો અને તે રળિયામણી પ્રકૃતિનો, એને ચોપાસથી ધિક્કાર, ફિટકાર અને અપમાન મળતાં હતાં. એની ઉંમરના ગોઠિયાઓ એને જુએ એટલે તરત જ ચીડવવા દોડી જતા. ધૂંધો, અશક્ત અને ટૂંકી દૃષ્ટિવાળો જૉન ડંકન એમની ક્રૂર મજાકનો ભોગ બનતો. વળી જૉન ડંકનનો નિર્દય માલિક આખો દિવસ વરસાદથી ભીંજાઈને ખેતરેથી આવેલા એને બહારના અંધારિયા ઓરડામાં ફાટેલા બિછાના પર સૂવાનું કહેતો. થોડા સમય બાદ જૉન ડંકને એના પિતાની માફક વણાટકામ શરૂ કર્યું, ત્યારે એને મનમાં થયું કે ગરીબી કરતાંય નિરક્ષરતા એ વધુ મોટી ગરીબાઈ છે, આથી સોળ વર્ષનો જૉન ડંકન બાર વર્ષની બાળા પાસે બેસીને મૂળાક્ષર શીખવા લાગ્યો. જ્ઞાન મળતાં એનું વિશ્વ ઊંઘી ગયું. બાળપણમાં પ્રકૃતિનો ખોળો મળ્યો હતો, એ પ્રકૃતિનો ગહન અભ્યાસ કરવાનું મન થયું. એણે વનસ્પતિશાસ્ત્ર વિશે અભ્યાસ આરંભ્યો. એને વનસ્પતિશાસ્ત્રનું એક પુસ્તક ખરીદવું હતું, પણ પૈસા ક્યાં ? આથી એણે વણાટકામ ઉપરાંત ફાજલ સમયમાં બીજું કામ કરવા માંડ્યું અને એમાંથી મળેલી પાંચ શિલિંગની રકમમાંથી વનસ્પતિશાસ્ત્રનું પુસ્તક ખરીદ્યું. ગરીબ વણકરનો કદરૂપો, નિરક્ષર છોકરો સમય જતાં વિદ્વાન વનસ્પતિશાસ્ત્રી બન્યો. એંસી વર્ષની ઉંમરે એને એક નવા છોડની જાણ થઈ. વૃદ્ધ જૉન ડંકન બાર માઈલ પગપાળા ચાલીને એ જોવા-જાણવા માટે પહોંચી ગયા. જૉન ડંકને એની જીવનકથા લખી. જીવનમાં અનુભવેલી યાતનાઓ અને પ્રકૃતિના આનંદની વાતો લખી. એની આત્મકથાએ અનેક લોકોને પ્રેરણા આપી. કેટલાકે જૉન ડંકનને આનંદભેટ રૂપે સારી એવી રકમ મોકલી. જૉન ડંકને આ રકમ અલાયદી રાખી અને પોતાના વિલમાં લખતો ગયો કે ‘ગરીબ વિદ્યાર્થીઓને પ્રાકૃતિક શાસ્ત્રોનો અભ્યાસ કરવાનું ઉત્તેજન મળે, એ માટે આમાંથી આઠ શિષ્યવૃત્તિ અને પારિતોષિકો આપશો.’

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157