________________
છઠું અધ્યયન કર્મસિદ્ધાન્ત
ભારતીય તત્ત્વચિન્તનમાં કર્મસિદ્ધાન્તનું અત્યન્ત મહત્ત્વપૂર્ણ સ્થાન છે. ચાર્વાકોને બાદ કરતાં ભારતના બધી શ્રેણીઓના વિચારકો કર્મસિદ્ધાન્તના પ્રભાવથી પ્રભાવિત છે. ભારતીય દર્શન, ધર્મ, સાહિત્ય, કલા, વિજ્ઞાન આદિ ઉપર કર્મસિદ્ધાન્તનો પ્રભાવ સ્પષ્ટ જણાય છે. સુખ-દુ:ખ અને સાંસારિક વૈવિધ્યનું કારણ શોધતાં શોધતાં ભારતીય વિચારકોએ કર્મના અભુત સિદ્ધાન્તને શોધી કાઢ્યો. ભારતની જનતાની એ સર્વસામાન્ય ધારણા છે કે પ્રાણીઓને મળતું સુખ કે દુઃખ તેમણે પોતે જ કરેલાં કર્મોના ફળ સિવાય બીજું કંઈ નથી. જીવ અનાદિકાળથી કર્મવશ વિવિધ ભવોમાં ભ્રમણ કરી રહ્યો છે. જન્મ અને મૃત્યુની જડ કર્મ છે. જન્મ અને મરણ જ સૌથી મોટું દુઃખ છે. જીવ પોતાનાં શુભ અને અશુભ કર્મોની સાથે પરભવમાં જાય છે. જે જેવું કરે છે તે તેવું ભોગવે છે. વાવે તેવું લણે અને કરે તેવું પામેનો આ જ તાત્પર્યાર્થ છે. એક પ્રાણી બીજા પ્રાણીએ કરેલા કર્મના ફળનું અધિકારી બનતું નથી. પ્રત્યેક પ્રાણીનું કર્મ સ્વસમ્બદ્ધ હોય છે, પરસમ્બદ્ધ હોતું નથી. કર્મસિદ્ધાન્તની સ્થાપનામાં જો કે ભારતની બધી દાર્શનિક અને નૈતિક ચિન્તનધારાઓએ પોતાનો ફાળો આપ્યો છે તેમ છતાં પણ જૈન પરંપરામાં એનું જે સુવિકસિત રૂપ જોવા મળે છે તે અન્યત્ર જોવા મળતું નથી. જૈન આચાર્યોએ જે રીતે કર્મસિદ્ધાન્તનું સુવ્યવસ્થિત, સુસંબદ્ધ અને સર્વાગપૂર્ણ નિરૂપણ કર્યું છે તે રીતનું તેવું નિરૂપણ અન્યત્ર દુર્લભ જ નહિ પણ અપ્રાપ્ય છે. કર્મસિદ્ધાન્ત જૈન વિચારધારા અને જૈન આચારપરંપરાનું એક અવિચ્છેદ્ય અંગ છે. જૈન દર્શન અને જૈન આચારની સમસ્ત મહત્ત્વપૂર્ણ માન્યતાઓ અને ધારણાઓ કર્મસિદ્ધાન્ત ઉપર અવલંબિત છે.
કર્મસિદ્ધાન્તના આધારભૂત વિચારો નીચે પ્રમાણે છે:
(૧) પ્રત્યેક ક્રિયાનું કોઈને કોઈ ફળ અવશ્ય હોય છે. બીજા શબ્દોમાં, કોઈ પણ ક્રિયા ફળરહિત હોતી નથી, નિષ્ફળ હોતી નથી. આને કાર્યકારણભાવ અથવા કર્મફલભાવ કહે છે.
(૨) જો કોઈ ક્રિયાનું ફળ પ્રાણીને વર્તમાન જીવનમાં પ્રાપ્ત ન થાય તો તેના માટે ભવિષ્યકાલીન જીવન (પુનર્જન્મ) અનિવાર્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org