________________
૩૧૮
જૈન ધર્મ-દર્શન
ન
બાહ્ય પદાર્થનુ દાન ન કરવું અને આંન્તરિક ઇચ્છા (ભાવના) હોતાં બાહ્ય વસ્તુનું દાન કરવું એ ભાવનાના અસદ્ભાવ અને સદ્ભાવનું સાધારણ ફળ છે. વિશેષ પરિસ્થિતિમાં એવું પણ જોવામાં આવે છે કે આન્તરિક ઇચ્છા ન હોવા છતાં પણ બાહ્ય વસ્તુનું દાન વ્યક્તિ કરે છે અને આન્તરિક ઇચ્છા (ભાવના) હોવા છતાં પણ બાહ્ય વસ્તુનું દાન વ્યક્તિ કરી શકતી નથી. આ પરિસ્થિતિઓમાં દાનાન્તરાયકર્મના ઉદય-ક્ષય-ઉપશમનો નિર્ણય બાહ્ય પદાર્થોના દાનના આધાર ઉપર કરી શકાય નહિ. બાહ્ય પદાર્થનું દાન કરવું કે કરી શકવું અથવા ન કરવું કે ન કરી શકવું વ્યક્તિની પોતાનાથી ભિન્ન એવી અન્ય પરિસ્થિતિઓ ઉપર પણ નિર્ભર કરે છે. આ પરિસ્થિતિઓનો સંબંધ વ્યક્તિના દાનાન્તરાયકર્મ સાથે હોતો નથી. વ્યક્તિનું દાનાન્તરાયકર્મ તો તેની પોતાની ભાવના સાથે સંબંધ ધરાવે છે, બાહ્ય પદાર્થો કે બાહ્ય પરિસ્થિતિઓ સાથે સંબંધ ધરાવતું નથી. હા, બાહ્ય વસ્તુઓ અને પરિસ્થિતિઓ કર્મોના ઉદય-ક્ષય-ઉપશમમાં નિમિત્ત અવશ્ય બની શકે છે પરંતુ ઉપાદાન તો આન્તરિક જ રહે છે. દાનાન્તરાયકર્મ આદિ કર્મોનો નિર્ણય વ્યક્તિની આન્તરિક ભાવનાઓ, આકાંક્ષાઓ, ઇચ્છાઓ, શક્તિઓ, કામનાઓના આધાર પર કરવો જોઈએ, બાહ્ય પદાર્થો અને પરિસ્થિતિઓના આધાર પર નહિ.
લભ્ય વસ્તુ હાજર હોવા છતાં તેમ જ અનુકૂળ અવસ૨ હોવા છતાં પણ જે કર્મના ઉદયના કારણે તે વસ્તુને મેળવવાની ઇચ્છા જ ન જાગે તે કર્મ લાભાન્તરાયકર્મ કહેવાય છે. લાભાન્તરાયકર્મનું કામ તો લાભની યા પ્રાપ્તિની ઇચ્છાને જાગવા ન દેવી એટલું જ માત્ર છે. ઇચ્છા જાગવા છતાં પણ વસ્તુની પ્રાપ્તિ થવી કે ન થવી અન્ય પરિસ્થિતિઓ પર પણ આધાર રાખે છે. દેય વસ્તુ વિદ્યમાન હોય, દાતાની ભાવના પણ અનુકૂળ હોય, લેનાર વ્યક્તિ પણ લેવાની ઇચ્છા ધરાવતી હોય તેમ છતાં પણ અન્ય પરિસ્થિતિઓની પ્રતિકૂળતાના કારણે અભીષ્ટ વસ્તુની પ્રાપ્તિ ન થવી એ કોઈ અજુગતી વાત નથી. લાભાન્તરાયકર્મનું કાર્ય પ્રાપ્તકર્તાની આન્તરિક ઇચ્છાનો નિરોધ કરવાનું છે, અને નહિ કે પ્રાપ્ય વસ્તુની પ્રાપ્તિમાં બાધક બનવાનું. બાહ્ય વસ્તુની પ્રાપ્તિ-અપ્રાપ્તિનો પ્રત્યક્ષ સંબંધ તો કર્મ સાથે છે જ નહિ, પરોક્ષ સંબંધ પણ અનિવાર્યપણે નથી. કર્મનો ઉદય-ક્ષય-ઉપશમ થવા છતાં પણ અનિવાર્યપણે બાહ્ય વસ્તુની પ્રાપ્તિ-અપ્રાપ્તિ થતી નથી. પરિસ્થિતિઓની અનુકૂળતા-પ્રતિકૂળતા અનુસાર પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં ફેરફાર થઈ શકે છે. દાનાન્તરાયકર્મનો ઉદય ન થવા છતાં પણ દાનક્રિયામાં વિઘ્ન આવી શકે છે, દાનાન્તરાયકર્મનો ઉદય થવા છતાં પણ દાનક્રિયા થઈ શકે છે, લાભાન્તરાયકર્મનો ઉદય ન થવા છતાં પણ પ્રાપ્તિક્રિયામાં બાધા આવી શકે છે, લાભાન્તરાયકર્મનો ઉદય થવા છતાં પણ પ્રાપ્તિક્રિયા થઈ શકે છે, ઇત્યાદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org