Book Title: Dharmabinduprakaranam
Author(s): Haribhadrasuri, Jambuvijay, Dharmachandvijay, Pundrikvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
सवृत्तिके धर्मबिन्दौ
પ્રસ્તાવના
તેના ઉપર શાંત ચિત્તથી મનન કરે તો તે સુત્રનું રહસ્ય આપો-આપ સમજાઈ જાય. પ્રથમ વિવેચન વાંચ્યા પહેલાં જે સૂત્રનો અર્થ વિચારી તે પર મનન કરવામાં આવે તો પોતાના બુદ્ધિબળ પ્રમાણે જ્ઞાનના ક્ષયોપશમ પ્રમાણે ઘણો પ્રકાશ મળશે. આ રીતે મનન કર્યા પછી વિવેચન વાંચવું. અંતે પોતે વિચારેલા અર્થમાં અને વિવેચનમાં કેટલું સામ્ય છે અથવા કેટલું અંતર છે તે તપાસવું. અને વિવેચનમાં વિશેષ શું આપેલું છે તે સમજવા પ્રયત્ન કરવો. આ રીતે જો આ ગ્રંથ વાંચવામાં આવે તો ઘણા થોડા સમયમાં તે મનુષ્યની વિચાર કરવાની શક્તિ સારી રીતે ખીલે. અને ગ્રન્થનું સ્વરૂપ પણ યથાર્થ સમજવામાં આવે. અને આવી રીતે સમજપૂર્વક મેળવેલું જ્ઞાન કાર્યરૂપે પરિણમે અર્થાત્ તે વાંચીને તે પ્રમાણે વર્તન થાય. જો આમ થાય તો પછી આ પુસ્તકના ઉપકારની કેટલી મહત્તા!
આટલું ઉપોદ્ઘાતરૂપે જણાવેલ, હવે આ ગ્રંથના આઠ પ્રકરણમાં શી-શી બાબતો આવેલી છે તેનું ટુંકુ સ્વરૂપ અત્રે આપવા ઇચ્છા છે. પ્રથમ પ્રકરણનું નામ ગૃહસ્થધર્મવિધિ છે. આ પ્રકરણનો પ્રારંભ ધર્મની વ્યાખ્યા આપીને કરવામાં આવ્યો છે. મૈત્રી, પ્રમોદ, કારૂણ્ય અને માધ્યસ્થ આ ચાર ભાવના સહિત જે સદનુષ્ઠાન કરવામાં આવે તે ધર્મ છે. ચાર ભાવનાઓ એ ધર્મના બીજ સ્વરૂપે છે. જેનામાં ચાર ભાવનાઓ નથી તે ખરી રીતે ધર્મની પ્રાપ્તી માટે અનધિકારી છે, એમ કહીએ તો તેમાં ખોટું નથી.
તે પછી ધર્મના બે વિભાગ પાડવામાં આવ્યા છે. (૧) ગૃહસ્થધર્મ અને (૨) યતિધર્મ. ગૃહસ્થ ધર્મના પણ બે વિભાગ પાડવામાં આવ્યા છે. (૧) સામાન્ય ગૃહસ્થધર્મ અને (૨) વિશેષ ગૃહસ્થધર્મ. આ વિભાગમાંથી આ પ્રથમ પ્રકરણમાં સામાન્ય ગૃહસ્વધર્મનું વર્ણન કરવામાં આવ્યું છે.
શ્રાવકે ન્યાયથી જ ધન પેદા કરવું એ સંબંધમાં ઘણી સારી દલીલોથી જ વિષયને બહુ સારી રીતે પ્રતિપાદન કરવામાં આવેલ છે. તે પછી લગ્ન સંબંધ કેવા કુટુંબ જોડે બાંધવો અને સ્ત્રીઓ પોતાનો ધર્મ કેવી રીતે પાળે તેને માટે ચાર સાધનો બતાવવામાં આવ્યાં છે. અંતરંગ છ શત્રુઓનો વિનાશ કરવા મથવું જોઇએ. તે છ અંતરંગ શત્રુઓનું વર્ણન અને તેમને જીતવાના ઉપાયો સંબંધી પુષ્કળ લખવામાં આવ્યું છે. કેવા ઘરમાં રહેવું, ભોજન કેમ કરવું, શરીર કેમ સાચવવું, ઉચિત પહેરવેશ રાખવો, શક્તિના પ્રમાણમાં વ્યય કરવો, કોઇને ઉદ્વેગ થાય તેવી પ્રવૃત્તિ કરવી નહીં, પોતાના હાથ નીચેના મનુષ્યોનું પાલન-પોષણ કરવું, માતા-પિતાની ભક્તિ કરવી, આ રીતે પાંત્રીસ માગનુસારી-અર્થાત્ સત્ય માર્ગને અનુસરવા, અધિકારી બનાવનારા-ગુણોનું વર્ણન આપી, દરરોજ ધર્મશ્રવણ કરવાની આવશ્યકતા બતાવી, આ પ્રકરણ સમાપ્ત કરવામાં આવ્યું છે.
બીજા પ્રકરણનું નામ દેશનાવિધિ છે અને તેના પ્રારંભમાં ઉપદેશકમાં કયા ગુણોની આવશ્યકતા છે, અને ઉપદેશકે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ વિચારી કેવા અધિકારી પાસે કેવી રીતે બોધ આપવો તેનું ઘણું સુંદર અને બોધક વર્ણન કર્યું છે. જે બાબતમાં પોતે ઉપદેશ આપતો હોય તે ગુણ તો ઉપદેશકમાં હોવો જ જોઇએ, અર્થાત્ ઉપદેશક નું ઉપદેશ પ્રમાણે વર્તન હોવું જોઈએ તે સંબંધમાં બહુ ભાર મુકવામાં આવ્યો છે. પ્રસંગોપાત જ્ઞાનાચાર, દર્શનાચાર,
Jain Education International
Far Private Personal use only
www.janelibrary.org