________________
૪૭.
દાદા ગુરુદેવ ચરિત્ર પરસ્પરની વૈમનસ્ય ભાવનાઓ સમાપ્ત થઈ ગઈ અને ભ્રાતૃભાવની વૃદ્ધિ થઈ.
| સંવત ૧૩૮૯માં સૂરિજી દેવરાજપુરમાં પધાર્યા. ચાતુર્માસ પણ ત્યાં જ વ્યતીત થયું. તે પછી ગુરુદેવ જ્ઞાનબળથી પોતાનો સ્વર્ગવાસ સમીપ જાણીને દેવરાજપુરમાં સ્થિર રહેવાનો નિર્ણય કર્યો. જ્યારે નિર્વાણનો સમય અતિ નિકટ આવ્યો ત્યારે ગુરુદેવે તરુણપ્રભાચાર્ય તથા લબ્લિનિધાન ઉપાધ્યાયને કહ્યું કે મારાં પદને યોગ્ય પંદર વર્ષની ઉંમરવાળા મારા શિષ્ય પદ્મ મૂર્તિ બધી જ વાતે યોગ્ય છે એટલે તેમને જ ગચ્છનાયક પદ આપજો. અને તેમને ગચ્છસંચાલન સંબંધિત બીજી પણ અનેક શિક્ષાઓ આપી. પછી ફાગણ વદ - ૫ (પાંચમ) ના દિવસે શ્રી સંઘ સમક્ષ ક્ષમાયાચના કરી પોતે જ અનશનવ્રત ગ્રહણ કરી પંચપરમેષ્ઠિના ધ્યાનમાં લીન થઈ ગયાં.
ફાગણ વદ અમાવસ્યાની રાત્રિના બે પ્રહર વ્યતીત થયા પછી ગુરુદેવ સ્વર્ગે સિધાવ્યા. - દાદાસાહેબ શ્રી જિનકુશલસૂરિજીએ જીવિત અવસ્થામાં જે રીતે પાંડિત્યપૂર્ણ પ્રભાવશાળી પરિચય આપ્યો હતો અને પ્રાણીમાત્રનું કલ્યાણ કરવા જે રીતે તત્પર રહેતા હતા તે જ રીતે સ્વર્ગગમન પશ્ચાત પણ ભક્તોની મનોકામના પૂર્ણ કરવામાં સાક્ષાત્ કલ્પવૃક્ષ સમાન છે. તેમનું શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરનાર ભક્તજનોને આજે પણ પ્રત્યક્ષરૂપે દર્શન આપી તેમના દુઃખો તથા મુશ્કેલીઓ દૂર કરે છે.