________________
ગુજરાતી માધ્યમની શાળાઓને અને ગુજરાતી માધ્યમ સ્વીકારનાર વિદ્યાર્થીઓને સરકાર તરફ્થી વિશેષ નક્કર પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે તો પણ ગુજરાતી ભાષાની ગરિમા ઘણી જળવાયેલી રહે.
ભાષાની સુરક્ષા અને પ્રચાર માટે સહુથી વધુ આવશ્યક છે – સરકારી પ્રોત્સાહન. જે દેશની સરકારોએ અંગ્રેજી ભાષાને ખૂબ પ્રોત્સાહન આપ્યું છે ત્યાં જ તે વધુ ફૂલી-ફાલી છે. લૅટિન ભાષા કોઈની પણ માતૃભાષા નથી. છતાં પણ પ્રાચીન રોમની આ ભાષાને અનેક દેશની સરકારો દ્વારા વિવિધ રીતે ખૂબ પ્રોત્સાહન મળે છે. તેની સામે કદાચ કોઈ ભાષા માતૃભાષાનો દરજ્જો ધરાવતી હોય પણ સરકારની મીઠી નજર તેના પ્રત્યે ન હાય તો તે કરમાવાની.
હાલના સંયોગોમાં અંગ્રેજી માધ્યમની પક્કડ છૂટે તેવી ન જ હોય તો બાળકને શાળામાં પોતાની માતૃભાષા ગુજરાતીનો વિષય ભણી શકે તેવી અનુકૂળતા આપવામાં આવે. જે શાળામાં તે વિષય ન હોય ત્યાં દાખલ કરવા વાલીઓ શાળાના સંચાલકો પર દાણ લાવી શકે. ૧ થી ૧૦ ધોરણ સુધી એક સ્વતંત્ર વિષય તરીકે પણ ગુજરાતી ભાષા શીખવવામાં આવે તો બાળકનો માતૃભાષા સાથેનો નાતો જોડાયેલો રહે.
ધોરણ ૧ થી ૫ સુધી ભણતા બાળકોને શાળાના અભ્યાસક્રમ ઉપરાંત ડ્રોઈંગ, ડાન્સિંગ, જનરલ નોલેજ, ફોનિક્સ, સંગીત વગેરે ઈતર વિષયોના વર્ગો કરાવવામાં આવે છે. તો, તેમને માતૃભાષા ગુજરાતીના વર્ગ ન કરાવી શકાય ?
ઉનાળાની લાંબી રજાઓમાં મા-બાપ બાળકોને કમ્પ્યુટર વગેરે જુદા જુદા વિષયના ઈતર કોર્સ કરાવતા હોય છે. તો, અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકો પોતાની માતૃભાષા ગુજરાતી સારી રીતે શીખી -સમજી શકે તે માટે રજાઓમાં ગુજરાતીના ખાસ વર્ગ તેને કરાવી ન શકાય ? મુંબઈના કેટલાક પરાંઓમાં ઉનાળાની રજાઓમાં આવા ગુજરાતીના વર્ગ ચાલતા હોય છે.
દર શિન-રવિ બાળકો અને મોટેરાઓ માટે ગુજરાતી ભાષાના વર્ગો ઠેર-ઠેર ચાલુ કરવામાં આવે અને તેમાં વિશાળ સંખ્યામાં પોતાની ભાષા શીખવા માટે ગુજરાતી પ્રજા તત્પરતા દાખવે તો આ પ્રયોગ દ્વારા ઘણું સારું પરિણામ આવી શકે. ભાષા બચે, સંસ્કૃતિ બચે, સંસ્કારો બચે.
‘ભવ્ય ભાષા : માતૃભાષા
609