Book Title: Bhavya Bhasha Matrubhasha
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 116
________________ તારી અંતિમ ક્ષણોમાં તારો ગૌરવવંતો સુવર્ણકાળ સ્મૃતિપટ પર અવતરતા તારી સાથે હું પણ તરફડું છું. એક નવું પુસ્તક લખું છું ત્યારે મને ખબર નથી પડતી કે, હું તે પુસ્તક દ્વારા તને નિર્યામણાં કરાવું છું, કે દાઝયા પર તને ડામ દઉં છું ? તારું આયુષ્ય થોડું લંબાય તે માટે તને આ પુસ્તક દ્વારા થોડો ઑક્સિજન પૂરો પાડું છું, કે, બચેલું આયુષ્ય પણ ક્ષણમાં સમેટાઇ જાય તેવો વજ્રાઘાત તને હું આપું છું ? નવું પુસ્તક લખું છું ત્યારે મને જણાય છે કે, નિબિડ ઘોર જંગલમાં હું એક સુવાસિત પુષ્પનો છોડ ઉગાડું છું, જેના પુષ્પને કોઇ સૂંઘવાનું નથી. નવું પુસ્તક લખું છું ત્યારે હું પ્રતીત કરું છું કે, અગાધ ખારા મહાસાગરની વચ્ચે હું એક લોટો મીઠું પાણી ઢોળું છું, જે કોઇ પીવાનું નથી. હું નવું પુસ્તક લખું છું ત્યારે મને મહેસૂસ થાય છે કે, આ તો તારી ઠાઠડી ઉપર એક રેશમની રસ્સી બાંધી રહ્યો છું. હું નવું એક પુસ્તક લખું છું ત્યારે હું અનુભવું છું કે, આ તો મા ગુર્જરીની નનામીને હું એક કાંધ આપી રહ્યો છું. ના... મા! .... ની ..... મારા મરતા પહેલાં તો તારું મોત નહિ જ થવા દઉં.... અંગ્રેજી માધ્યમની એ ધારદાર કટારી હાથમાં લઇને પ્રહાર કરી રહેલા તે ઘાતકી હત્યારાઓને તો હું કાંઇ કરી શકું તેમ નથી. નમાલો છું અને હવે નમાયો બનવાનો છું. તેમને તારા નાજુક દેહ પર કારમા પ્રહાર કરતાં રોકી શકું તેમ પણ નથી... વધુ ને વધુ તીક્ષ્ણ બનતી તે કટારીની ધારને બુઠ્ઠી બનાવવાનું પણ મારું કોઇ સામર્થ્ય નથી.... તે કટારી તારા અંગને અડે નહિ તેવું કોઇ પોલાદી બખતર પણ મારી પાસે નથી – કે, તને સાચવીને હું તે પહેરાવી દઉં. મારી પાસે એવી કોઇ લાઇફ-સેવિંગ-ડ્રગ પણ નથી કે, આ જીવલેણ પ્રહારો પડવા છતાં તું જીવંત રહી શકે. ભવ્ય ભાષા : માતૃભાષા ૧૦૭

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122