________________
૫૭
બહુશ્રુતપૂજ્ય શાસ્ત્રાનુકૂલવર્તન થવાથી આત્માની પણ ઉન્નતિ કરે છે.
૧૬. જેમ કમ્બોજ દેશના ઘોડાઓમાં આકીર્ણ (બધી જાતની ચાલમાં ચાલાક અને ગુણી)ઘોડો વેગથી ઉત્તમ હોય છે. અને તેથી જ ઉત્તમ કહેવાય છે. તે જ પ્રકારે બહુશ્રુત જ્ઞાની પણ ઉત્તમ ગણાય છે.
૧૭. જેમ આકીર્ણ (જાતના ઉત્તમ) અશ્વ પર આરૂઢ થયેલો દઢ પરાક્રમી શૂર બંને રીતે નંદિના અવાજે કરીને શોભે છે તેમ બહુશ્રુત (જ્ઞાની) બંને પ્રકારે (આંતરિક તથા બાહ્ય વિજયથી શોભે છે.)
૧૮. જેમ હાથણીથી ઘેરાયેલો સાઠ વરસનો પીઢ હાથી બળવાન અને કોઈથી પરાભવ ન પામે તેવો હોય છે તે જ રીતે બહુશ્રુત જ્ઞાની પરિપક્વ-સ્થિર બુદ્ધિ અને અન્યથી વાદ કે વિચારમાં ન હણાય તેવો તેમ જ નિરાસક્ત હોય છે.
૧૯. જેમ તીક્ષ્ણ શિંગડાવાળો અને જેની ખાંધ ભરેલી છે એવો ટોળાનો નાયક સાંઢ જેમ શોભે છે તેમ (સાધુ સમૂહમાં) બહુશ્રુત જ્ઞાની શોભે છે.
૨૦. જેમ અતિ ઉગ્ર તથા તીક્ષ્ણ દાઢવાળો પશુઓમાં શ્રેષ્ઠ સિંહ સામાન્ય રીતે પરાભવ પામતો નથી તેમ બહુશ્રુત જ્ઞાની કોઈથી પરાભવ પામતો નથી.
૨૧. જેમ શંખ, ચક્ર અને ગદાને ધારણ કરનાર વાસુદેવ સદાય અપ્રતિહત (અખંડ) બળવાળા રહે છે તેમ બહુશ્રુત જ્ઞાની પણ (અહિંસા, સંયમ ને તપથી)બલિષ્ઠ રહે છે.
નોંધ : વાસુદેવ એકલે હાથે દશ લાખ યોદ્ધાઓને હરાવી શકે છે અને પંચજન્ય શંખ, સુદર્શન ચક્ર અને કોમોદકી ગદા એ તેમનાં શસ્ત્રો છે.
૨૨. જેમ ચતુરત્ન (ઘોડા, હાથી, રથ અને સુભટો એ ચાર સેના વડે શત્રુનો અંત કરનાર) મહાન ઋદ્ધિવાળો, (ચૌદ રત્નનો અધિપતિ, ચક્રવર્તી શોભે છે તે જ પ્રકારે ચૌદ વિદ્યારૂપ લબ્ધી વડે) બહુશ્રુત (ચાર ગતિનો અંત કરનાર) જ્ઞાની શોભે છે. (રાજાઓમાં ચક્રવર્તી ઉત્તમ છે.)
નોંધ : ચક્રરત્ન, છત્ર, અસિ, દંડ, ચર્મ, મણિ કાંગણી સેનાપતિ, ગાથાપતિ, વાર્ધિક, પુરોહિત, સ્ત્રીરત્ન, અશ્વ અને ગજરત્ન. એ ચક્રવર્તીનાં ૧૪ રત્નો છે.
૨૩. જેમ હજાર નયનવાળો હાથમાં વજ ધારણ કરનાર તથા પુર નામના દૈત્યનો નાશ કરનાર દેવોનો અધિપતિ ઇંદ્ર શોભે છે તેમ બહુશ્રુત જ્ઞાનરૂપ સહસ્ત્ર નયનવાળો અને ક્ષમારૂપ વજથી મોહરૂપ દેત્યને મારનાર જ્ઞાની શોભે છે.