________________
સમુદ્રપાલીય
૧૩૩
અધ્યયન : એકવીસમું સમુદ્રપાલીય સમુદ્રપાલનું જીવન
વાવેલું અફળ જતું જ નથી. આજે નહિ તો કાળે કરીને પણ તે બીજ ફળવાનું જ છે. શુભ વાવી શુભ પામી શુદ્ધ થવું એ આપણા જીવનનો હેતુ છે. સમુદ્રપાલે પૂર્વે વાવ્યું હતું. અને શુભ વાવી શુભસ્થાનમાં યોજાઈ, મનગમતાં સાધનો પામ્યા. અને તેને ભોગવ્યાં પણ ખરાં ને તજ્યાં પણ ખરાં. પરંતુ તેનો હેતુ તો કંઈક જુદો જ હતો. અને તે હેતુ પાર પાડવા માટે જ જાણે ફાંસીને લાકડે જતા ચોરને નિમિત્તરૂપ જોયો ન હોય તેમ તેને જોતાં જ તેની દૃષ્ટિનાં પડળો ખૂલ્યાં. માત્ર વસ્તુ પર જ નહિ પરંતુ વસ્તુના પરિણામ તરફ તેની દૃષ્ટિ ગઈ. વાવેલું ઉદય આવ્યું. સંસ્કાર સ્ફુર્યા, પવિત્ર થવાની પ્રેરણા જાગી અને એ સમર્થ આત્માઓએ પોતાની સાધના પૂરી કરી. ભગવાન બોલ્યા :
૧. ચંપા (નામની) નગરીમાં પાલિત નામે એક સાર્થવાહ રહેતો હતો. તે જ્ઞાતિનો વણિક અને મહાપ્રભુ ભગવાન મહાવીરનો શ્રાવક શિષ્ય હતો. ૨. તે શ્રાવક નિગ્રંથ પ્રવચનો (શાસ્રો)માં બહુ કુશળ પંડિત હતો. એકદા વહાણ રસ્તે પિણ્ડ નામના નગરમાં તે વ્યાપાર માટે આવી રહ્યો હતો. નોંધ : આ પિત્તુણ્ડ નગરમાં ઘણાં વર્ષો સુધી તે રહ્યો હતો, ત્યાં તેના વેપારની સારી જમાવટ થઈ હતી અને ત્યાં એક વણિકની સ્વરૂપવતી કન્યાને પરણ્યો હતો. આ સંપૂર્ણ કથાનો સંબંધ અન્ય ગ્રંથોમાં સવિસ્તર છે. જિજ્ઞાસુએ તે જોઈ લેવો. અહીં ખાસ આવશ્યક નોંધ જ છે.
૩. પિણ્ડ નગરમાં વ્યાપારી તરીકે રહેતા તેની સાથે કોઈ બીજા વણિકે પોતાની પુત્રી પરણાવી હતી. એમ ઘણો વખત જતાં તે બાઈ ગર્ભવતી થઈ. એ ગર્ભવતી પત્ની સાથે લઈ હવે તે (ઘણો વખત થઈ જવાથી) પોતાના દેશ તરફ આવવા નીકળ્યો.
૪. તે પંથે ચાલતાં પાલિતની સ્ત્રીએ સમુદ્રમાં જ પુત્રને પ્રસવ કર્યો. તે બાલક સમુદ્રમાં જન્મવાથી તેનું નામ સમુદ્રપાલ રાખવામાં આવ્યું.
૫. તે વણિક શ્રાવક વગેરે બધી કુશળતાથી ચંપાનગરીમાં પોતાને ઘેર પહોંચ્યાં, અને તેને ઘેર તે બાળક સુખપૂર્વક ઉછરવા લાગ્યો.