________________
૧૫૧
કેશિગીતમય
૨૨. હે ભગવન્ ! આપની ઇચ્છા હોય (આપને યોગ્ય લાગે) તે આપ ભલે પૂછો. આ પ્રમાણે જયારે ગૌતમ મુનિએ કેશીમુનિને ઉદારતાપૂર્વક કહ્યું ત્યારે અનુજ્ઞા પામેલા કેશી ભગવાને ગૌતમ મુનિને આ પ્રમાણે કહ્યું :
૨૩. હે મુને ! ચાર મહાવ્રતરૂપ ધર્મ ભગવાન પાર્શ્વનાથે કહ્યો છે, પરંતુ ભગવાન મહાવીર તો પાંચ મહાવ્રતરૂપે ધર્મને કહે છે.
નોંધ : યામનો અર્થ અહીં મહાવ્રત લીધો છે.
૨૪. તો એક કાર્ય (મોક્ષના હેતુ)માં પહોંચવાને યોજાયેલા એ બંનેમાં આ ભિન્નભિન્ન વેશ અને જુદા જુદા આચારનું પ્રયોજન શું હશે ? હે બુદ્ધિમાન ગૌતમ ! આ એક જ માર્ગમાં બે પ્રકારના વિવિધ ધર્મ કેમ પ્રવર્તે છે ? (તેમાં શું આપને સંશય કે આશ્ચર્ય નથી થતું ?)
૨૫. આ પ્રમાણે બોલતા કેશી શ્રમણને ઉદ્દેશીને ગૌતમ મુનિએ આ પ્રમાણે કહ્યું : શુદ્ધ બુદ્ધિ વડે જ ધર્મતત્ત્વનો તથા પરમાર્થનો નિશ્ચય કરી શકાય છે.
નોંધ : જ્યાં સુધી તેવી શુદ્ધ અને ઉદાર બુદ્ધિ હોતી નથી ત્યાં સુધી સાધ્ય કરતાં સાધન તરફ જ તે વધુ ઢળે છે. એટલે મહાપુરુષોએ કાળ જોઈને જ તેવી સખત ક્રિયાઓ યોજેલી છે.
૨૬. (ચોવીસ તીર્થંકર પૈકી) પ્રથમ તીર્થકર (ઋષભ પ્રભુ)ના સમયના મનુષ્યો બુદ્ધિમાં જડ છતાં પ્રકૃતિના સરળ હતા. અને છેલ્લા તીર્થકર (ભગવાન મહાવીર)ના સમયના મનુષ્યો જડ બુદ્ધિનો દુરુપયોગ કરનારા) અને વાંકા (કુવિકલ્પ કરનારા) હતા. વચ્ચેના બાવીસ તીર્થકરોના સમયના જીવો સરળ બુદ્ધિવાળા અને પ્રાજ્ઞ હતા. તેથી જ અવસર જોઈ ભગવાન મહાવીરે કડક વિધિવિધાનો કહ્યાં છે.
૨૭. ઋષભ પ્રભુના અનુયાયીઓને ધર્મ સમજવો કઠિન પડતો. પરંતુ સમજયા પછી આચરવામાં તે સમર્થ હોઈ પાર ઉતરતા અને આ છેલ્લા (ભગવાન મહાવીર) તીર્થંકરના અનુયાયીઓને ધર્મ સમજવામાં સહેલ છે. પણ પાળવામાં કઠિન છે. તેથી જ બંનેના કાળમાં પાંચ મહાવ્રતરૂપ યતિધર્મ સમજાવ્યો છે અને વચ્ચેના બાવીસ તીર્થકરોના સમયમાં ચાર મહાવ્રતરૂપ ધર્મ સમજાવ્યો છે.
નોંધ : સમજવામાં કઠિન હોવાનું કારણ બુદ્ધિની જડતા; અને આચરવામાં કઠિન હોવાનું કારણ એ છે કે સમયના પ્રવાહમાં મનુષ્યોની શિથિલતા વધી ગઈ હતી.