Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
થઈને નિગ્રંથ ધર્મમાં જ વિચરણ કરે છે, તે પ્રબુદ્ધ મુનિ શીલ અને ગુણોથી યુક્ત થઈને આ લોકમાં પણ પૂજા-પ્રશંસાને પ્રાપ્ત કરે છે.
વિવેચન :
૧૭૦
પ્રસ્તુત ગાથાઓમાં આર્દ્રકમુનિ અને શાક્ય ભિક્ષુઓનો વાર્તાલાપ છે.
આજીવિકાનુયાયીઓને પરાજિત કરીને આર્દકમુનિ આગળ વધી રહ્યા હતા ત્યારે તેમને બૌદ્ધ મતવાદી ભિક્ષુઓનો સમાગમ થયો. તેમણે આર્દ્રકમુનિને પોતાના સંપ્રદાયમાં લેવા માટે પ્રયત્નો શરૂ કર્યા.
હે આર્દ્રક ! આપે આજીવિક મતાનુયાયીઓએ આપેલા વણિકના દષ્ટાંતનું ખંડન કર્યું તે શ્રેષ્ઠ કાર્ય થયું, કારણ કે આંતરિક અનુષ્ઠાન જ બંધ અને મોક્ષનું કારણ છે, અમે પણ તે જ સિદ્ધાંતનો સ્વીકાર કરીએ છીએ.
અમારા મતાનુસાર કોઈ મનુષ્ય ઉપદ્રવ આદિથી પીડિત થઈને અનાર્ય દેશમાં પહોંચી જાય તે અનાર્ય પુરુષો બીજા મનુષ્યોને મારીને તેનું માંસ ખાય છે, તેથી આર્ય મનુષ્ય ભયથી કોઈ ખોળના ઢગલા ઉપર પોતાના વસ્ત્રો ઢાંકીને કોઈ જગ્યાએ છુપાઈ જાય, મ્લેચ્છ—અનાર્ય પુરુષો તેને શોધતાં-શોધતાં ખોળના ઢગલાને મનુષ્ય સમજીને તેને શૂળીથી વીંધે, અગ્નિમાં પકવે, તે જ રીતે વસ્ત્રથી ઢાંકેલાં તુંબડાંને બાળક સમજીને કોઈ મારી નાંખે, તો તે અનાર્ય પુરુષને મનુષ્યવધનું જ પાપ લાગે છે કારણ કે તેનો ભાવ મનુષ્યવધનો જ હોય છે. દ્રવ્યથી પ્રાણીની ઘાત ન થવા છતાં તેનું ચિત્ત હિંસક ભાવોથી મલિન હોવાથી તે જીવને પ્રાણીઘાતનો દોષ લાગે છે અને કોઈ મ્લેચ્છ પુરુષ મનુષ્યને ખોળપિંડ અને બાળકને તુંબડું સમજીને તેને મારી નાંખે તો તેને પ્રાણી હિંસાનો દોષ લાગતો નથી કારણ કે તેની પ્રવૃત્તિ મનુષ્ય કે બાળકને મારવાની ન હતી પરંતુ ખોળપિંડ કે તુંબડાને મારવાની હતી.
આ રીતે ભૂલથી કોઈ મનુષ્યનો ઘાત થઈ જાય તો તે મનુષ્ય દોષિત નથી અને તે માંસ પણ અશુદ્ધ ન હોવાથી તેનું ભોજન બુદ્ધ પુરુષોને પણ કલ્પનીય છે અને તે કર્મબંધનું કારણ નથી. બૌદ્ધ મતવાદીઓમાં શાક્ય ભિક્ષુઓનું મહત્ત્વ હોવાથી તેમના મતાનુસાર કોઈ વ્યક્તિ પ્રતિદિન બે હજાર શાક્યભિક્ષુઓને માંસનું ભોજન કરાવે તે વ્યક્તિ મહાન પુણ્ય ઉપાર્જન કરીને આરોપ્ય જાતિના સર્વોત્તમ દેવતા થાય છે.
બૌદ્ધમતવાદીઓના ઉપરોક્ત સિદ્ધાંત સંયમી પુરુષોને ગ્રહણ કરવા યોગ્ય નથી, કારણ કે સંયમી પુરુષો ત્રણ કરણ ત્રણ યોગથી અહિંસા મહાવ્રતની આરાધના કરે છે.
જે પુરુષ । અજ્ઞાની છે, મોહગ્રસ્ત છે, તેને જ ખોળપિંડમાં મનુષ્ય અને તુંબડામાં બાળકની બુદ્ધિ થાય છે. તે ઉપરાંત ભૂલથી પણ થયેલો પ્રાણીઘાત હિંસા જ છે અને તે હિંસાજન્ય ભોજનને નિર્દોષ કહેવું તે કથન આર્ય પુરુષો માટે સર્વથા અનુચિત છે. અધ્યાત્મ સાધનામાં ભાવવિશુદ્ધિનું જ મહત્ત્વ હોવા છતાં વ્યવહારશુદ્ધિ પણ અનિવાર્ય છે. વિશુદ્ધ ભાવપૂર્વક કોઈ પણ હિંસક કાર્યની સંભાવના નથી. તેમજ જો વ્યવહારશુદ્ધિની આવશ્યકતા ન જ હોય તો બૌદ્ધો પણ શિરમુંડન, ભિક્ષાવૃત્તિ વગેરે બાહ્ય ક્રિયાઓનો સ્વીકાર શા માટે કરે છે? જે મનુષ્યો મનુષ્યને ખોળપિંડ સમજીને મારી નાંખે, તેને અગ્નિમાં પકાવે, વગેરે ક્રિયાઓ તેમની ક્રૂરતાને જ પ્રગટ કરે છે. તેમાં મિથ્યાભાવોની જ પુષ્ટિ થાય છે, તેથી તેને નિર્દોષ કદાપિ કહી શકાતું નથી. તે જ રીતે પ્રતિદિન બે હજાર શાક્ય ભિક્ષુઓને માંસાદિ ભોજન કરાવવા માત્રથી ઉત્તમ દેવલોકની પ્રાપ્તિ થવી, તે કથન પણ યથોચિત નથી.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org