Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-s: આદ્રીય
.
૧૭૫ ]
સાંખ્ય મતાનુયાયીઓ પોતાના સિદ્ધાંતનું સ્પષ્ટીકરણ કરીને તેને જૈન સિદ્ધાંતોની સમાન હોવાનું કથન કર્યું. તેઓ પોતાનું મંતવ્ય પ્રગટ કરતા કહ્યું કે તમે જીવ, પુણ્ય, પાપ, બંધ અને મોક્ષનો સ્વીકાર કરો છો, અમે પણ તે તત્ત્વનો સ્વીકાર કરીએ છીએ. અમે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહને પાંચ યમ કહીએ છીએ. તમે તેને પંચ મહાવ્રત કહો છો. આ રીતે ઇન્દ્રિય અને મનને સંયમમાં રાખવા, તે બંનેનો સિદ્ધાંત છે. તમે અને અમે બંને સત્ય ધર્મમાં સ્થિત છીએ, ભૂત, વર્તમાન અને ભવિષ્ય, આ ત્રણે કાલમાં પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરીએ છીએ. આપણે બંને આચાર પ્રધાન શીલને ઉત્તમ માનીએ છીએ. આપણા બંનેના શાસ્ત્રમાં જ્ઞાનને મોક્ષનું કારણ કહ્યું છે, તે જ રીતે સંસારનું સ્વરૂપ પણ બંને દર્શનમાં સમાન છે. અમારા મતાનુસાર અત્યંત અસત્ વસ્તુ ઉત્પન્ન થતી નથી, પરંતુ કારણ રૂપે કથંચિત્ સત્ પદાર્થો હોય, તે જ ઉત્પન્ન થાય છે. તમે પણ દ્રવ્યની અપેક્ષાએ સંસારને નિત્ય માનો છો અમે પણ નિત્ય માનીએ છીએ. તમે પર્યાય દષ્ટિએ ઉત્પત્તિ અને નાશ માનો છો અને અમે સંસારના આર્વિભાવ અને તિરોભાવને માનીએ છીએ.
અમે અને તમે ચૈતન્ય સ્વરૂપ આત્મ તત્ત્વને સ્વીકારીએ છીએ. અમારા મતાનુસાર આત્મા ઇન્દ્રિય અને મનથી જાણી શકાતો ન હોવાથી અવ્યક્ત છે. તે સ્વતઃ હાથ, પગ આદિ અવયવોથી યુક્ત નથી, પરંતુ તે સર્વલોક વ્યાપી અને નિત્ય છે. વિવિધ ગતિમાં જન્મ-મરણ થવા છતાં આત્માનો નાશ થતો ન હોવાથી તે નિત્ય છે. તેના પ્રદેશો ખંડિત થતા ન હોવાથી અક્ષય છે. અનંતકાલ વ્યતીત થવા છતાં તેનો અંશ પણ નાશ થતો ન હોવાથી અવ્યય છે.
જેમ ચંદ્રની ગતિ અશ્વિની આદિ નક્ષત્રોની સાથે પૂર્ણ રૂપે સંબંધિત છે, તેમ આત્મા શરીર રૂપે પરિણત પંચ મહાભૂતો સાથે પૂર્ણ રૂપે સંબંધિત છે. તે નિરંશ હોવાથી એક અંશથી સંબંધિત નથી.
આ રીતે આત્માના આ વિશેષણો અમારા દર્શનની જ વિશેષતા છે. તેથી હે આદ્રક ! તમારે અમારા ધર્મનો જ સ્વીકાર કરવો જોઈએ, કારણ કે અમારો ધર્મ સર્વશ્રેષ્ઠ છે.
આદ્રકમુનિએ સાંખ્ય મતવાદીઓનું ખંડન કરતા કહ્યું કે અમારા અને તમારા બંનેના સિદ્ધાંતોમાં તુલ્યતા નથી. તમે એકાંતવાદી છો, અમે અનેકાંતવાદી છીએ. તમે આત્માને સર્વ વ્યાપક માનો છો અને અમે શરીર વ્યાપક માનીએ છીએ. તમે આત્માને કૂટસ્થ નિત્ય માનો છો. અમે આત્માને પરિણામી નિત્ય માનીએ છીએ. આ રીતે ચૈતન્ય સ્વરૂપી આત્માનો સ્વીકાર બંને દર્શનમાં હોવા છતાં બંનેના
સ્વરૂપમાં તફાવત છે. તે જ રીતે સંસારના સ્વરૂપમાં પણ તફાવત છે. તમારા મતાનુસાર સમગ્ર સંસાર પ્રકૃતિનું જ પરિણામ હોવાથી પ્રકૃતિથી અભિન્ન છે. અમારા મતાનુસાર પ્રત્યેક પદાર્થો સ્વતંત્ર છે અને પ્રત્યેક સત્ પદાર્થો ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય યુક્ત છે. તમે સત્ પદાર્થોને કેવળ ધ્રૌવ્ય સ્વરૂપ જ કહો છો.
આ રીતે બંને દર્શનોમાં આત્મ સ્વરૂપ અને સંસાર સ્વરૂપમાં બહુ મોટો તફાવત છે. તે ઉપરાંત આપના દાર્શનિક સિદ્ધાંતો અનેક રીતે ભ્રામક સિદ્ધ થાય છે. જે રીતે આકાશ દ્રવ્ય સર્વ વ્યાપક છે, તેથી તેમાં ગતિ આદિ કોઈ પણ ક્રિયા અથવા કોઈ પણ પ્રકારનું પરિવર્તન થતું નથી. તે જ રીતે આત્મા કૂટસ્થ નિત્ય અને સર્વવ્યાપક હોય, તો તેમાં પણ ગમનાગમન આદિ ક્રિયાઓ, જન્મ-મરણ, સુખ-દુઃખ, બાલ્યાવસ્થા, યુવાવસ્થા કે વૃદ્ધાવસ્થા વગેરે પરિવર્તનશીલતા પ્રતીત થાય નહીં, પરંતુ આ જગતની વિચિત્રતા, પરિવર્તનશીલતા પ્રત્યક્ષ છે. આત્માનો ગુણ ચૈતન્ય છે. તે ચૈતન્ય તત્ત્વ શરીરમાં જ પ્રતીત થાય છે. શરીરથી બહાર ચૈતન્ય તત્ત્વ ન હોવાથી તેને વિભાગમાં સુખ-દુઃખનો અનુભવ થતો નથી, તેથી તે સર્વ વ્યાપક નથી, પરંતુ શરીર માત્ર વ્યાપક છે. આત્મા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org