Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 278
________________ ૨૧૪] શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ) ભવિતવ્યતા હોય, તો જ તે વૃક્ષપણે પરિણત થાય છે. ઘણીવાર બે ગોઠલીનું એક સાથે વાવેતર થાય, સમાન રીતે તેનું ખાતર, પાણી વગેરેથી પોષણ થાય, તેમ છતાં બંને ગોઠલી સમાન રૂપે વિકસિત થતી નથી. બંને વૃક્ષો પર સમાન ફળ આવતા નથી. જે ગોઠલીની જેવી ભવિતવ્યતા હોય, તે જ પ્રમાણે તેની વૃદ્ધિ થાય છે. આ રીતે પ્રત્યેક પદાર્થની પરિણતિ તેની નિયતિ કે ભવિતવ્યતાને આધીન હોય છે. જગસ્વભાવની કેટલીક પ્રવૃત્તિઓ નિયતિની પ્રધાનતાએ નિષ્પન્ન થાય છે. તેમાં પણ વરસાદ, સુકાળ, દુષ્કાળ, ભૂકંપ વગેરે પ્રાકૃતિક પરિવર્તનમાં નિયતિની પ્રધાનતા દેખાય છે. પૂર્વકત કર્મ– પૂર્વ ભવોમાં કે વર્તમાન ક્ષણની પૂર્વે જીવે બાંધેલા કર્મો પૂર્વકૃત કર્મ કહેવાય છે. જીવ દ્વારા કરાયેલા કર્મો સત્તામાં હોય છે અને તે–તે કર્મોના ઉદય પ્રમાણે તેની પર્યાયોમાં–અવસ્થામાં પરિવર્તન થયા કરે છે. આંબાની ગોઠલી સજીવ છે. તે જીવ આઠ કર્મયુક્ત છે. તેના ગતિ-જાતિ આદિ નામ-ગોત્ર કર્મ પ્રમાણે તે ગોઠલીનું પરિણમન થાય, તે ગોઠલી પ્રત્યેક વનસ્પતિ નામ કર્મના ઉદયે વૃક્ષરૂપે પરિણત થાય, તેના નામકર્મ પ્રમાણે તે ફળના વર્ણાદિ પ્રાપ્ત થાય છે. તેના આયુષ્યકર્મની સ્થિતિ પ્રમાણે તેની સ્થિતિ રહે છે. તેની સ્થિતિ પૂર્ણ થતાં તે જીવ ત્યાંથી અન્યત્ર ચાલ્યો જાય છે. આ રીતે પ્રત્યેક જીવ પોત-પોતાના કર્મને આધીન છે. પોતાના કર્મ પ્રમાણે જ તેને પોતાનું શરીર, બાહ્ય સંયોગો, અનુકૂળતા, પ્રતિકૂળતા, શાતા-અશાતા આદિ પ્રાપ્ત થાય છે. એક જ આમ્રવૃક્ષના ફળાદિમાં વર્ણાદિની ભિન્નતા દેખાય છે, તે પણ તે–તે જીવના કર્માધીન છે. કર્મના સિદ્ધાંત અનુસાર જીવ પોતાના પુરુષાર્થથી પૂર્વકૃત કર્મોમાં ઉદ્વર્તન–અપવર્તન, સંક્રમણ આદિ ફેરફાર કરી શકે છે. તેમ છતાં જીવોની પર્યાયો અને અવસ્થાઓમાં કર્મોનું પ્રભુત્વ હોય છે. પુરુષાર્થ કાર્યસિદ્ધિ માટે થતો શ્રમ, મહેનત કે પ્રયત્નને પુરુષાર્થ કહે છે. સંસારના પ્રત્યેક વ્યવહારો પુરુષાર્થથી સિદ્ધ થતાં જોઈ શકાય છે. કાલ, સ્વભાવ, નિયતિ કે પૂર્વકૃત કર્મનો સુયોગ થવા છતાં જીવ વર્તમાનમાં યોગ્ય પુરુષાર્થ ન કરે, તો પૂર્વોક્ત ચારે સમવાય સફળતા પ્રાપ્ત કરાવી શકતા નથી. ગોઠલીમાં વૃક્ષ થવાની યોગ્યતા છે, ખેડૂત ખાતર, પાણી વગેરે નાંખે છે, ગોઠલીનો જીવ આત્મ પુરુષાર્થથી પોતાને યોગ્ય આહારના પગલોને ખેંચી તેને પોતાના પુરુષાર્થથી શરીર રૂપે પરિણત કરે, ત્યારે તેનો ક્રમશઃ વિકાસ થાય છે. જો ગોઠલીનો જીવ તથા પ્રકારનો પુરુષાર્થ ન કરે, તો તેનો વિકાસ થતો નથી. આ રીતે ગોઠલી તેના સમયે, સ્વભાવ અનુસાર, તેની નિયતિ કે ભવિતવ્યતા પ્રમાણે, પૂર્વકૃત કર્મોના યોગે અને વર્તમાનના વિવિધ પુરુષાર્થના સંયોગે આમ્રવૃક્ષ રૂપે પરિણત થઈને ફલિત થાય છે. આ રીતે કાર્યસિદ્ધિમાં કાલ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત કર્મ અને પુરુષાર્થ, આ પાંચ સમવાયમાંથી એક પણ સમવાયનો નિષેધ કે ઉપેક્ષા કરી શકાય તેમ નથી અને એક પણ સમવાયનો એકાંતે સ્વીકાર કરી શકાય તેમ નથી. ક્યારેક કોઈ એકની પ્રધાનતા અને અન્યની ગૌણતા સંભવે છે, પરંતુ પાંચ સમવાય પ્રધાન અને ગૌણ ભાવે કારણરૂપ બને છે. એક સાધક સર્વ કર્મક્ષય કરી મોક્ષગતિને પ્રાપ્ત કરે છે, તેમાં પાંચ સમવાય કઈ રીતે કાર્યશીલ બને છે તે જોઈએ.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282 283 284 285 286