Book Title: Updeshmala Balavbodha Purvardha
Author(s): Kantilal B Shah
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
સાચી સંયમક્રિયા વિના, કેવળ સાધુવેશથી કાંઈ નીપજે નહીં એ વાત ઠસાવવા માટે કેવળ ગારુડીનો વેશ ધારણ કરવાથી ઝેરનું નિવારણ થતું નથી એ દૃષ્ટાંત ચોટદાર બન્યું છે. (ગાથા ૨૧)
સંસારમાં વિષયવાસનાને લઈને અનેક જીવોને દુઃખ પામતા જોઈ મહાત્મા જાતે જ તપ રૂપી પાંજરામાં આસનસ્થ બને છે એ વાત પાંજરે નંખાયેલો સિંહ મદની વેળા થતાં ખડ્ગ સાથે ઊભેલા સુભટોને જોઈને સ્વેચ્છાએ જ મદરહિત બની શાંત થઈ જાય છે એ દૃષ્ટાંત દ્વારા વિશદતાથી અને રસિક રીતે આલેખાઈ છે. (ગાથા ૫૯-૬૦-૬૧)
કર્મની કલુષિતતા જુદી જુદી ઉપમાઓથી દર્શાવાઈ છે. પાણી ધૂળમાં ભેળવતાં ડહોળાય એમ, લોઢાને કાટ લાગતાં કટાઈં જાય એમ, મેલથી વસ્ત્ર ખરડાય એમ આ જીવ કર્મથી કલુષિત થાય છે. (ગાથા ૨૪૯)
આ સિવાય પણ કેટલાંક માર્મિક દૃષ્ટાંતો અહીં પ્રયોજાયાં છે જેની સાથે ઉપમા-રૂપકાદિ અલંકારો પણ ગૂંથાઈ ગયા છે. કેટલાંક ઉદાહરણ જોઈએ :
જેમ વસ્ત્ર વણતાં મૂળ તાણો ઉજ્જ્વળ હોય, પણ એને વાણાનો વિરૂપ રંગ લાગતાં એની ઉજ્જ્વળ શોભા વરવી બને છે એમ સમ્યક્ત્વ મૂળ તાણા સરખું નિર્મળ છે, પણ પછી વિષય-કષાયાદિનો રંગસ્પર્શ થતાં એ જીવનવસ્ત્રને ખરાબ કરે છે. (ગાથા ૨૭૩)
વિષવેલિના વનમાં પ્રવેશનાર ત્યાંના વાયુનાં ગંધ-સ્પર્શથી જ મરે એમ માયાની વિષવેલિવાળું આ સંસારવન છે જેની ગહનતા માણસ જાણતો નથી. (ગાથા ૩૧૩)
સાધુ નારીરૂપ જોઈને એ રીતે દૃષ્ટિ વાળી લે છે, જેમ માણસ સૂર્ય સામે ગયેલી દૃષ્ટિને પાછી વાળી લે છે. (ગાથા ૩૨૮)
ગચ્છમાંથી નીકળી ગયેલા સાધુ પ્રમાદરૂપ જંગલમાં જ્યાં અનર્થ કરનારા અનેક વિષય-કષાયાદિ ચોરોનો વાસ છે ત્યાં જઈ ક્રિયારહિત બને છે. (ગાથા ૪૨૨) ચંદન-સુખડનો ભાર વહેતો ગર્દભ કેવળ ભારનો જ ભાગીદાર થાય છે, ચંદનની સુગંધને અનુભવી શકતો નથી તેમ ચારિત્રક્રિયારહિત જ્ઞાની કેવળ પોથાંમાંના જ્ઞાનનો જ ભાર વહે છે, પણ એના ફળસ્વરૂપ મોક્ષને પામી શકતો નથી. (ગાથા ૪૨૬)
જેમ કોઈ રાજા સિંહાસને બેસી પોતાની મેળે જ છત્ર-ચામર-ધ્વજાદિકનો આડંબર કરાવે, પણ પૃથ્વી, લક્ષ્મી કે હાથીઘોડાની રાજ્યરિદ્ધિ ન હોય તો કેવળ છત્ર-ચામર ધરાવવાથી લક્ષ્ય સિદ્ધ ન થાય, તેમ ક્રિયાનુષ્ઠાન વિના કેવળ વેશમાત્રથી મહાત્મા ન થવાય. (ગાથા ૪૩૬)
Jain Education International
२३
For Private & Personal Use Only
www.jainelibrary.org