________________
ગુજરાતના પ્રસિદ્ધ હસ્તલિખિત ગ્રંથભંડારો
ભારતી શેલત; આર. ટી. સાવલિયા ગુજરાતની ભૂમિ ભૂતકાળનો ભવ્ય સાંસ્કૃતિક અને વિદ્યાકીય વારસો ધરાવે છે. એની વિદ્યાપ્રવૃત્તિના ઘડતરમાં પ્રાચીન હસ્તલિખિત ગ્રંથભંડારોનું બહુમૂલ્ય પ્રદાન છે.
આ હસ્તલિખિત ગ્રંથભંડારો એટલે પ્રાચીન કાળનાં પુસ્તકાલયો. એમાં તાડપત્ર, કાપડ અને કાગળ પર લખાયેલા વિવિધ વિષયોને લગતા હસ્તલિખિત અને સચિત્ર ગ્રંથોનો સંગ્રહ કરેલો હોય છે.
ગુજરાતમાં આવા જ્ઞાનભંડારોની સંસ્થા ઘણી પ્રાચીન છે. ઈ. સ. ની પમી સદીની આસપાસ સૌરાષ્ટ્રનું વલભી એક વિદ્યાધામ તરીકે આખા ભારતમાં વિખ્યાત હતું. તમામ જૈન આગમ ગ્રંથો, જે અગાઉના કાળમાં મુખપાઠથી ચાલતા હતા, તે આચાર્ય શ્રી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના અધ્યક્ષપણા હેઠળ પુસ્તકો રૂપે વલભીમાં લખવામાં આવ્યા. ભારતીય વિદ્યાપ્રવૃત્તિના ઇતિહાસમાં આ ઘણો મહત્ત્વનો બનાવ છે. આ રીતે લખાયેલાં પુસ્તકોની અનેક નકલો થઈ હશે અને તે જુદા જુદા ગ્રંથભંડારોમાં રાખવામાં આવી હશે. પ્રાચીન કાળમાં ગુજરાતમાં બૌદ્ધો, જૈનો અને બ્રાહ્મણોની સાહિત્યપ્રવૃત્તિ સારા પ્રમાણમાં ચાલતી હતી. આથી કોઈ પ્રકારનાં પુસ્તકાલયોનું અસ્તિત્વ તો ત્યાં હોવું જ જોઈએ. પરંતુ ચૌલુક્ય વંશના બે ગુર્જર રાજાઓ સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના સમય પહેલાંના ગુજરાતના જ્ઞાનભંડારો વિશે કોઈ વિશ્વાસપાત્ર માહિતી ઉપલબ્ધ નથી. રાજા સિદ્ધરાજની વિનંતીથી હેમચન્દ્રાચાર્યે ગુજરાતનું પ્રધાન વ્યાકરણ રચ્યું અને ત્યારથી ગુજરાતની સાહિત્યપ્રવૃત્તિનો મધ્યાનકાળ શરૂ થયો. વિજેતા સિદ્ધરાજે ત્રણસો લહિયાઓ પાસે સતત ત્રણ વર્ષ સુધી વિવિધ લેખનકાર્ય કરાવી રાજકીય પુસ્તકાલયો સ્થાપ્યાં અને સિદ્ધહેમ વ્યાકરણની સેંકડો પ્રતો લખાવી વિદેશનાં પુસ્તકાલયોમાં ભેટ મોકલી. સિદ્ધરાજ પછી રાજા કુમારપાળે પણ એકવીસ જેટલા જ્ઞાનભંડારો સ્થાપ્યા હતા અને રાજકીય પુસ્તકાલય માટે જૈન આગમ ગ્રંથો તથા આચાર્ય હેમચંદ્રના ગ્રંથોની સુવર્ણાક્ષરવાળી ૨૧ પ્રતિઓ લખાવી હતી. ધોળકાના રાજા વિરધવલના સુપ્રસિદ્ધ મંત્રી વસ્તુપાળે કરોડો રૂપિયાના ખર્ચે ત્રણ જ્ઞાનભંડારો સ્થાપ્યાની હકીકત પ્રાચીન ગ્રંથોમાંથી મળી રહે છે. આ પ્રાચીન જ્ઞાનભંડારોમાંની એક માત્ર તાડપત્રીય હસ્તપ્રત હાલ ઉપલબ્ધ છે અને તે ઉદયપ્રભસૂરિએ રચેલી “ધર્માલ્યુદય” કાવ્યની. માંડવ ગઢના મંત્રી પેથડ શાહે ભરૂચ વગેરે સાત નગરોમાં ભંડાર સ્થાપ્યા હતા. આ ઉપરાંત કેટલાક ધનાઢ્ય ગૃહસ્થોએ પણ જ્ઞાન-સંગ્રહો લખાવ્યા હતા.'
જાહેર માલિકોના આવા હસ્તલિખિત ગ્રંથભંડારો રાખવાની પ્રથા જૈન સમાજમાં વિશેષ અંશે પ્રચલિત હતી. ગુજરાત અને રાજસ્થાનમાં જૈન ધર્મનો વિશેષ પ્રસાર હોઈ ગ્રંથ-ભંડારોની સંસ્થા અહીં ખાસ ધ્યાન ખેંચે છે. આ ગ્રંથભંડારોમાં માત્ર જૈન ધર્મને લગતા જ ગ્રંથો નથી, શાસ્ત્ર