________________
ભારતી શેલત; આર. ટી. સાવલિયા
સંસ્કૃત સાહિત્યના મહાન કવિ કાલિદાસની બે કૃતિઓ મેઘદૂત અને કુમારસંભવની સચિત્ર કાગળ પર લખાયેલી પ્રતો અહીં સચવાયેલી છે. ઈ સની ૧૭મી સદીમાં પરતરગચ્છના સાધુ ઉદ્દય હર્ષે લખેલી મેઘદૂતની પ્રતમાં કુલ પાંચ ચિત્રો છે. એમાં સરસ્વતીનું ચિત્ર, રામગિરિ આશ્રમ પર વિરહી યક્ષનું ચિત્ર, સ્વર્ગની અલકાપુરી નગરીનું ચિત્ર, વિરહિણી યક્ષિણીનું ચિત્ર અને પ્રેમીઓના મિલનનું દૃશ્ય રેખાંકિત કરાયું છે.
112
SAMBODHI
કુમારસંભવની ૧૭મી સદીના પૂર્વાર્ધની પ્રતમાં પશ્ચિમ ભારતીય ચિત્ર-શૈલીમાં સરસ્વતી અને અર્ધનારીશ્વર પાર્વતી પરમેશ્વરનાં મનોરમ આલેખનો મળે છે.
જૈન પરંપરા અનુસાર જૈન આચાર્યો અને મુનિઓને જુદાં જુદાં શહેરો કે નગરોના જૈન સંઘ પોતાને ત્યાં પર્યુષણ કરવા અને ચતુર્માસ ગાળવા નિમંત્રણ આપતા. આ નિમંત્રણપત્રો વ્યવસ્થિત રીતે તૈયાર કરવામાં આવતાં અને એમાં ચિત્રોનું આલેખન કરવામાં આવતું. ચિત્રોમાં ધાર્મિક અને નગરનો મહિમા બતાવતાં ચિત્રો આલેખાતાં. નગરજનો જૈન સાધુઓનાં દર્શન કરવા અને એમનાં વ્યાખ્યાનો સાંભળવા કેટલા ઉત્સુક છે એનું વર્ણન કરવામાં આવતું. નગરની ભૌતિક અને કુદરતી સમૃદ્ધિનું સચિત્ર વર્ણન કરાતું. આ પ્રકારના નિમંત્રણને જૈન પરિભાષામાં વિજ્ઞપ્તિપત્ર કહે છે. એમાં સાલ અને તિથિ આપેલી હોવાથી ઐતિહાસિક દૃષ્ટિએ એનું મહત્ત્વ ઘણું છે.
અમદાવાદમાં દેવશાના પાડાના ભંડારમાં “શ્રીપાલરાસ”ની એક ચિત્રિત હસ્તપ્રત છે. એમાં વેપાર માટે સુરત આવતાં વહાણોનાં ચિત્રાંકનો આબેહૂબ છે. કેટલાંક ચિત્રોમાં વૃક્ષો વનરાજિઓનાં દૃશ્યો અંકિત કરેલાં છે, જેમાં ચિત્રકારનાં પ્રકૃતિપ્રેમનું દર્શન થાય છે. કેટલાંક ચિત્રોમાં ગીત-સંગીત અને નૃત્યનું આલેખન કરેલું છે. પુરુષોના હાથમાં વીણાનું ચિત્રણ વિશિષ્ટ અને નોંધપાત્ર છે.
ગાંધીનગર જિલ્લાના પેથાપુર ગામમાં ચિત્રિત શ્રીપાલરાસની એક હસ્તપ્રત અમદાવાદના ડહેલાના ઉપાશ્રયમાં છે. આ પ્રતનાં ચિત્ર ઉત્તર ગુજરાતની વિશિષ્ટ ગ્રામીણ શૈલીમાં આલેખાયેલાં છે. પેથાપુરનાં લોકોનાં મકાનોની દીવાલો પર જે ચિત્રો જોવા મળે છે, તેવી જ શૈલીનાં ચિત્ર આ પ્રતમાં ચીતરેલાં છે. પુરુષપાત્રોનાં પાઘડી, લાંબી બાંયનાં અંગરખા, પટાદાર ધોતિયાં અને ખેસનું આલેખન આકર્ષક છે. સ્ત્રી-પાત્રો ઘેરા વાદળી રંગની ઓઢણી અને લાલ રંગનો ચણિયો ધારણ કરેલ દર્શાવાયાં છે. ચિત્રોમાં પશુપક્ષી અને વનરાજનું આલેખન મનોહર છે.
હિંદુ અને જૈન પરંપરામાં સાધુઓ અને સંસારીઓ માટે જે જ્ઞાનચોપાટ તૈયાર કરાતી, તેમાં ચિત્રોનું આલેખન કરવામાં આવતું. એમાં દેવલોકનું, સર્પોની સીડીઓનું, નવગ્રહોનું તેમ જ જીવયોનિઓનું આલેખન કરાતું. આવી એક ૧૯મી સદીની ચિત્રિત જૈન જ્ઞાનચોપાટ આ સંસ્થામાં સુરક્ષિત છે. જૈન સાધુઓ અને શ્રાવકોને આ જ્ઞાનચોપાટ બતાવી જુદી જુદી જીવયોનિઓ વિવિધ પ્રકારના દેવલોક, સ્વર્ગ અને નરક તેમ જ મોક્ષનો ખ્યાલ આપતી જ્ઞાનચોપાટ હિંદુ પરંપરામાં પણ તૈયાર કરાવવામાં આવતી, જેમાં ૮૪ કોઠાઓનું આલેખન કરાતું. આ ૮૪ કોઠાઓ ૮૪ લાખ યોનિનું પ્રતીક મનાતા.