________________
Vol. XI, 1997 ગુજરાતના પ્રસિદ્ધ હસ્તલિખિત....
107 લઘુ-ચિત્રો રૂપે મળે છે. ચિત્રોની આ શૈલીને ગુજરાતની શૈલી કે મારુ-ગુર્જર શૈલી પણ કહે છે. પાટણના સંઘવી-પાડાના ભંડારમાં કેટલીક તાડપત્ર પરની સચિત્ર હસ્તપ્રતો સુરક્ષિત છે. એમાં શ્વેતાંબર જૈન સંપ્રદાયના ગ્રંથ “નિશીથચૂર્ણિ”ની ઈ. સ. ની ૧૨મી સદીની પ્રત ગુજરાતી સચિત્ર તાડપત્રનો સહુથી જૂનો નમૂનો છે. આ પ્રત ભૃગુકચ્છ (ભરૂચ)માં લખાયેલી છે. એમાં એક પત્ર ઉપર વર્તુળાકારમાં હાથીસવારનું ચિત્ર આલેખાયેલું છે. ચિત્રમાં માળા ધારણ કરતી સ્ત્રીઓના આલેખન છે, જે ઘણું કરીને અપ્સરાઓ હોવાનું જણાય છે. આ સંગ્રહમાંની “કલ્પસૂત્ર”ની એક ૧૩મી સદીની હસ્તપ્રતમાં જૈન સાધ્વીઓ અને શ્રાવિકાઓનાં ચિત્રો આલેખેલાં છે. ૧૩મી સદીની “કથારત્નસાગર”ની હસ્તપ્રતમાં પાર્શ્વનાથ અને શ્રાવક-શ્રાવિકાનાં સુંદર ચિત્રો મળે છે.
આવી જ એક બીજી આ જ સમયની “કલ્પસૂત્ર”ની હસ્તપ્રતમાં જૈન પરંપરામાં વત્તેઓછે અંશે પૂજાતા બ્રહ્મશાંતિ યક્ષ અને લક્ષ્મીદેવીનાં આકર્ષક ચિત્રો મળે છે. આ ઉપરાંત “ઋષભદેવચરિત”ની આશરે ૧૩મી સદીની હસ્તપ્રતમાં ઋષભદેવ અને જૈન યક્ષિણી ચક્રેશ્વરીનાં સુંદર ચિત્રો દોરેલાં છે. “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતની પ્રતના છેલ્લા ત્રણ પત્રો ઉપર હેમચન્દ્રસૂરિ, રાજા કુમારપાલ અને શ્રાવિકા શ્રીદેવીનાં મનોરમ ચિત્રો આલેખાયાં છે.
પાટણના વખતજીની શેરીના ભંડારમાંની એક પ્રતમાં ચાર સુંદર ચિત્રો અંકિત કરેલાં છે, જેમાં હેમચન્દ્રાચાર્યને વ્યાકરણનો ગ્રંથ લખવા માટે વિનંતી કરતો રાજા સિદ્ધરાજ, વ્યાકરણ ગ્રંથને અંબાડી ઉપર મૂકીને ફરતી યાત્રા પાર્શ્વનાથનું મંદિર અને વ્યાકરણ ગ્રંથની નકલ મેળવવા આનંદપ્રભ ઉપાધ્યાયને વિનંતી કરતા કર્મણ મંત્રી વગેરે પ્રસંગોના આબેહૂબ ચિત્રો આલેખેલાં છે. આ ચિત્રોમાં કલાકારની પ્રતિભા તથા કૌશલ્યના દર્શન થાય છે.
પાટણના હેમચન્દ્રાચાર્ય જ્ઞાનમંદિરમાં કલ્પસૂત્રની ૧૫મી સદીની બે હસ્તપ્રતો છે, એમાંની એક પ્રતમાં લક્ષ્મીદેવી અને ચંદ્રદેવનાં ચિત્રો મળે છે.
કાપડ પર ચિત્રાંકનો કરવાની જૈન પરંપરા ઈ. સ. ની ૧૪મી સદી જેટલી પુરાણી છે. એમાં યંત્રો, વિશ્વરચના (cosmology) યાત્રાસ્થળો અને માંગલિક ચિહ્નો જેવા વિષયોને રજૂ કરતાં કાપડ પરનાં ચિત્રો ભારત અને વિદેશોનાં સંગ્રહાલયોમાં સચવાયેલાં છે. વૈષ્ણવોની જેમ જૈનોમાં પણ કાપડ ઉપર ધાર્મિક ચિત્રો આલેખવાની પ્રથા છે. એને પટ કહેવામાં આવે છે. વીંટો વાળીને આવા પટ મંદિરમાં કે ખાનગી ગૃહોમાં સાચવી રાખવામાં આવતા.
આ પ્રકારના સૌથી પ્રાચીન ચિત્રનો નમૂનો પાટણના સંઘના ભંડારમાં સચવાયેલી “ધર્મવિધિપ્રકરણ”ની ૧૪મી સદીની હસ્તપ્રતમાં મળે છે. એમાં સરસ્વતીની સાદી આકૃતિ ચિત્રિત કરેલી છે. સંઘવી પાડાના ભંડારમાંનો ૧૫મી સદીનો કાપડ પર ચીતરેલો પંચતીથી પટ ખૂબ પ્રસિદ્ધ છે. આ પટ ચાંપાનેરમાં તૈયાર થયેલો છે. એમાં સાત ચિત્રોનું આલેખન કરેલું છે. મંદિરના ગર્ભગૃહમાં સર્પછત્ર ધારણ કરતા તીર્થંકર પાર્શ્વનાથની પ્રતિમા, ગિરનાર પર્વતનું દશ્ય, સમેતશિખર અને પાવાગઢ ઉપરના મહાવીર સ્વામીના મંદિરનાં ચિત્રો મનોહર લાગે છે.