________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
છે. જ્યાં સુધી પરદ્રવ્યોથી પોતાનું સર્વથા ભિન્નપણું ભાસે નહિ અને પોતાના ક્ષણિક પર્યાયો ઉપરથી પણ દષ્ટિ છૂટીને એકરૂપ કારણપરમાત્માનું દર્શન થાય નહિ ત્યાં સુધી જંપવું યોગ્ય નથી. એ જ પરમાનંદપ્રાપ્તિનો ઉપાય છે. ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભદેવના શબ્દોમાં આ પરમ પવિત્ર પરમાગમન ફળ વર્ણવીને આ ઉપોદઘાત પૂર્ણ કરું છું : “જે નિર્વાણસુંદરીથી ઉત્પન્ન થતા, પરમવીતરાગાત્મક, નિરાબાધ, નિરંતર અને અનંગ પરમાનંદનું દેનારું છે, જે નિરતિશય, નિત્યશુદ્ધ, નિરંજન નિજ કારણપરમાત્માની ભાવનાનું કારણ છે, જે સમસ્ત નયોના સમૂહથી શોભિત છે, જે પંચમ ગતિના હેતુભૂત છે અને જે પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર-પરિગ્રહવાળાથી રચાયેલું છે–એવા આ ભાગવત શાસ્ત્રને જેઓ નિશ્ચયનય અને વ્યવહારનયના અવિરોધથી જાણે છે, તે મહાપુરુષો-સમસ્ત અધ્યાત્મશાસ્ત્રોના હૃદયને જાણનારાઓ અને પરમાનંદરૂપ વીતરાગ સુખના અભિલાષીઓ-બાહ્ય-અત્યંતર ચોવીશ પરિગ્રહોના પ્રપંચને પરિત્યાગીને, ત્રિકાળ-
નિપાધિ સ્વરૂપમાં લીન નિજ કારણપરમાત્માના સ્વરૂપનાં શ્રદ્ધાન-જ્ઞાન-આચરણાત્મક ભેદોપચાર-કલ્પનાથી નિરપેક્ષ એવા સ્વસ્થ રત્નત્રયમાં પરાયણ વર્તતા થકા, શબ્દબ્રહ્મના ફળરૂપ શાશ્વત સુખના ભોક્તા થાય છે.”
અષાડ વદિ એકમ, વિ. સં. ૨૦૦૭
હિંમતલાલ જેઠાલાલ શાહ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com