________________
“નિગ્રંથ ઐતિહાસિક લેખ-સમુચ્ચય” ખંડ ૧-૨ આ પ્રકારનો, શ્રી મધુસૂદન ઢાંકીના વિદ્વત્તાપૂર્ણ ગુજરાતી સંશોધન-લેખોનો સંગ્રહ છે. શ્રી મધુસૂદનભાઈ તેમાંના કોઈ કોઈ લેખમાં સહ-લેખક તરીકે રહ્યા છે. આ લેખ-સમુચ્ચયના પ્રથમ ખંડના ૧-૩૪ સંશોધનલેખોમાં જૈન શાસ્ત્રો અને સાહિત્યના વિષયનું વિશ્લેષણ કર્યું છે અને દ્વિતીય ખંડમાં પુરાતત્ત્વ વિષયના ૧૨૨ સંશોધન-લેખો સમાવ્યા છે.
શ્રી મધુસૂદનભાઈ ભારતીય પુરાતત્ત્વ-ક્ષેત્રના અને કલા-ઇતિહાસ વિષયના એક પ્રતિષ્ઠિત વિદ્વાન છે. તેઓએ ઘણાં વર્ષો સુધી “અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇંડિયન સ્ટડીઝ”, વારાણસી અને ગુરગાંવમાં આ ક્ષેત્રના નિર્દેશક તરીકે સેવાઓ આપી છે. તેઓનું નામ આ ક્ષેત્રમાં પ્રથમ પંક્તિમાં જાણીતું છે, અને જૈન-પુરાતત્ત્વના વિશિષ્ટ ક્ષેત્રમાં તો તેઓ આજે સૌથી આગળ પડતા ઉચ્ચ કોટિના સંશોધક-વિદ્વાન ગણાય છે. પુરાતત્ત્વના વિષયના વિદ્વાન અને શાસ્ત્ર-ગ્રંથો કે સાહિત્ય-કૃતિઓના વિદ્વાન; આ બંને પ્રકારના વિદ્વાનોનાં સંશોધનો પરસ્પર પૂરક છતાં સાધારણ રીતે આ બન્નેમાં ક્ષેત્રોની સંશોધન-પ્રક્રિયા કાંઈક ભિન્ન હોય છે. શ્રી મધુસૂદનભાઈને આવાં ભિન્ન ક્ષેત્રમાં પણ સંશોધન-ક્ષમ્ય બૌદ્ધિક કુશાગ્રતા વરી ચૂકી છે. અમદાવાદના “લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર”-માં ૧૯૭૩થી કલા અને સ્થાપત્યના પ્રાધ્યાપક તરીકેની સેવાઓ તેમ જ ગુજરાતના શત્રુંજય-તીર્થ અને અન્ય ગિરિવરો પરનાં જિન-મંદિરોના ઇતિહાસ સંબંધી હાથ ધરેલી યોજનાઓ દરમિયાન, શ્રી મધુસૂદનભાઈએ આ બંને ક્ષેત્રોને આવરી લેતા કેટલાક વિષયોનાં સંશોધનો પણ પ્રસિદ્ધ કર્યાં છે.
આ લેખ-સમુચ્ચયમાં શ્રી મધુસૂદનભાઈએ “નિગ્રંથ' શબ્દ—સામાન્ય રીતે પ્રચલિત જૈન''શબ્દના અર્થમાં યોજ્યો છે. વળી, તેમણે સર્વ ગ્રંથોની અને વ્યક્તિઓની સમયમર્યાદા સ્પષ્ટ આંકડા આપીને વ્યક્ત કરી છે, છતાં તેઓ નિશ્ચિત માને છે કે તે તે ગ્રંથોમાં વણાયેલા વિવિધ સ્તરો તો દેશ, કાળ અને ભાષાની દૃષ્ટિએ જુદા તારવવા પડે. તે ઉપરાંત, “મેળલદેવી” (મીનળદેવી), જૂનાખાં” (જૂનાગઢ), “વાલીનાહ” (વલભીનાથ) જેવાં કેટલાંક અજ્ઞાત અભિધાનો વિશેનાં એમનાં વિશદ વિવેચનો તો ઇતિહાસનું એક નવું પ્રકરણ સર્જે છે. તેમના સંશોધન લેખોમાં સમતોલપણું જળવાયું છે, અને દરેક સંશોધનલેખનું લગભગ એકએક પાનું આવશ્યક ઐતિહાસિક સામગ્રીથી ખીચોખીચ ભરેલું છે. શ્રી મધુસૂદનભાઈના આ બધા સંશોધન-લેખો ભારતીય સાહિત્યના ઇતિહાસમાં એક અગત્યનું પ્રદાન કરે છે.
પ્રસ્તુત લેખ-સમુચ્ચયના અનુશીલનથી દરેક વિદ્વાને આવા સંશોધક-વિદ્વાન્ની વિદ્વત્તાનો પ્રત્યક્ષ પરિચય થશે, અને મને ખાતરી છે કે, ઇતિહાસના સંશોધક-વિદ્વાનોને આ લેખ-સમુચ્ચયના સંશોધન લેખોમાંથી આવશ્યક સામગ્રી મળી રહેશે.
ઇન્સ્ટિટ્યૂટ ફ્યૂર ઇંડોલોજી
(વેસ્ટફેલીશે વિલહેલ્મ્સ-ઉનિવર્સિટેટ), મ્યુન્સ્ટર (જર્મની)
તા. ૧૦ સપ્ટેમ્બર, ૨૦૦૦.
Jain Education International
(૨૪)
For Private & Personal Use Only
બંસીધર ભટ્ટ
www.jainelibrary.org