Book Title: Jain Kathanakoma Sadbodhna Spandano Author(s): Gunvant Barvalia Publisher: Arham Spiritual Centre View full book textPage 4
________________ પૂજ્યશ્રીની જન્મજયંતિ અને જ્ઞાનસત્ર: કાંચનમણિયોગ પ્રાણગુણીની ૮૬ મી જન્મજયંતિ સાથે ઉજવાય જ્ઞાનસત્ર, ગુણ ગજરાના શબ્દ લખવા માટે ટેકો પડે પત્ર, ગુરણીનો યશ ગવાય છે. અત્ર તત્ર અને સર્વત્ર; સાધના-સાધર્મિક ભક્તિથી ગાજે છે પ્રાણધામનું છત્ર . વરસાદની રસધારને કોણ રોકી શકે? સૂર્યના તેજને કોણ આંબી શકે? સમુદ્રના તરંગને કોણ માપી શકે? વનની વનરાઈના આનંદને કોણ લૂંટી શકે? પક્ષીના કલરવને કોણ અટકાવી શકે ? તેમ અણુએ અણુમાં વાત્સલ્ય, રગેરગમાં રત્નત્રય પામવાની તમન્ના, ટેકા લીધા વિના અંગેઅંગમાં અરિહંત પ્રભુના જાપ, શબ્દ શબ્દમાં સાધનાની સુરાવલી અને પગલે પગલે પાપને પૂર્ણ કરવાની ખેવના છે એવા પૂજ્યશ્રી પ્રાણગુરુણીના જીવનને કંડારવા સામાન્ય માનવ શું લખી શકે ? છતાં “શું બાળકો માબાપ પાસે બાળક્રીડા નવ કરે ને મુખમાંથી જેમ આવે તેમ શું નવ ઉચ્ચરે” એ યુક્તિએ કંઈક લખવા માટે કર, કલમ અને કાગળ લખવા તૈયાર થયેલ છું. લખી રહી છું ગુરુમાતાનો લેખ, નાની ઉંમરમાં લીધો છે ભેખ, બાળજીવોની કરે છે દેખરેખ, સાધનાથી તોડે છે કર્મની રેખ. રૂપિયા બનાવવા માટે બજારમાં જવું પડે, રૂપ ચમકાવવા માટે બ્યુટી પાર્લરમાં જવું પડે પણ સ્વરૂપ પામવા માટે ગુરુભગવંતો પાસે જવું પડે. ગુરુ શબ્દ બહુ જ નાનકડો છે છતાં તેની સામે કુબેરનો ભંડાર અને ચક્રવર્તીની નિધિ પણ વામણી પડે. ચંદ્રક મળવાથી સમાજસેવકને આનંદ, ફ્રન્ટ પેઈઝ પર નામ ચમકે એટલે પ્રધાનને આનંદ, ચૂંટણીમાં સારા વોટ મળી જાય તો વિજેતાને આનંદ, સ્કૂલમાં ફર્સ્ટ આવી જાય એટલે વિદ્યાર્થીને આનંદ એમ પૂ. પ્રાણગુણીની ૮૬ મી જન્મજયંતિ અને વિદ્વાનોનું જ્ઞાનસત્ર ઉજવાય તેથી પ્રાણધામમાં આનંદ આનંદ વર્તાઈ રહ્યો છે જાણે કે દિવાળી ઉજવાઈ રહી છે. ભારતની ભવ્યભૂમિ રાણપુર ગામ, પિતા જયાચંદભાઈ, માતા ગંગાબેન, ત્રણ ભાઈ અને ચાર બહેનની લાડકી માણકુંવરબેનનો જન્મ ચોવટીયા કુટુંબમાં વિ.સં. ૧૯૮૮ શ્રાવણ વદ પાંચમના થયો. ઉંમરના પાંચમે વર્ષે દીક્ષાનો અભિગ્રહ કરી વિ.સં. ૨00૪ મહાસુદ તેરસના દિવસે સાવરકુંડલામાં સૌરાષ્ટ્ર કેસરી પૂજય પ્રાણગુરુદેવ તથા શાસનદીપિકા પૂ. મોતીબાઈ મ.ના ચરણમાં દીક્ષા લીધી. દીક્ષા લઈને જીવનને ધન્યતમ બનાવવા ગુરુ આજ્ઞા અને ગુરુસેવાને અંતરપટમાં વણી લીધી. પૂજ્યશ્રીના વ્યાખ્યાનનો સ્વાદ માણે તે ધન્ય બની જાય, શાંત અને સુમધુર વાણીનો પ્રવાહ સાંભળતા સૌ કોઈને આત્મશાંતિનો અનુભવ થાય. પૂજયશ્રી પાટ પર બેસીને પ્રવચન આપતા હોય ત્યારે પૂ. પ્રાણગુરુદેવની અદેશ્ય કૃપાદૃષ્ટિ જાણે વરસતી ન હોય તેવું ભાસે. પૂજયશ્રીના પ્રવચનના નવ પુસ્તક પ્રગટ થયા છે. દરેક પુસ્તકમાં નવો નવો આધ્યાત્મિક ખજાનો મળશે. (૧) ધર્મ પ્રાણ પ્રવચન - કાંદાવાડી (૨) પ્રાણ પરિમલ - કોટ - મુંબઈ (૩) આચાર પ્રાણ પ્રકાશ - મુલુંડ (૪) પ્રાણ પ્રસાદી – ધનબાદ (૫) પ્રાણ પ્રગતિ - મદ્રાસ (૬) પ્રાણ પ્રગતિ, હિન્દીમાં – મદ્રાસ (૭) જનેતા – વિસાવદર (૮) પ્રાણ પ્રબોધ -રાજકોટ (૯) પ્રાણ પમરાટ -યોગીનગર, બોરીવલી . પૂજશ્રીના આ નવ પુસ્તક વાંચતા અનેક આત્મા તરી ગયા, ઠરી ગયા, ઉચ્ચ સ્થાને પહોંચી ગયા. અરે, સંસારને સ્વર્ગ બનાવી અંતિમ સમયે સંથારાની સીડીઓ ચડી ગયા. એટલું જ નહિ કેટલાક જીવો આપઘાત કરતા અટકી ગયા, કેટલાક જીવો તપના રાહે ચડી ગયા અને કેટલાક જીવો વ્યસનમુક્ત બની ગયા. તપસમ્રાટ પૂ. રતિગુરુદેવની આજ્ઞાથી પાંચ ચાતુર્માસ શ્રમણી વિદ્યાપીઠ ઘાટકોપર મુકામે કર્યા. વિદ્યાપીઠમાં આગમ તથા દરેક પ્રકારની ભાષાનો અભ્યાસ કરીને “વિદ્યાભાસ્કર” ની પદવી પ્રાપ્ત કરી છે. વિદ્યાપીઠમાં ૩૫ સાધ્વીજીઓ અને ૪૦ વૈરાગી બહેનોનો અભ્યાસ પણ પૂજયશ્રીના નેતૃત્વમાં થયો છે. ગુરુકૃપાથી અલ્પ સમયમાં જ ‘પ્રખર વ્યાખ્યાતા’ અને ‘શાસનરત્ના’ તરીકે પ્રાણકુંવરબાઈ મ. ખ્યાતિ પામ્યા છે. તપસમ્રાટ પૂજયશ્રી રતિલાલજી મ. સાહેબે ‘પૂજયશ્રી’ ની પદવી આપી છે.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 145