________________
નમિરાજર્ષિ અને શકેંદ્રનો સંવાદ
પુત્રાદિકથી વિશેષ દુઃખનો સમૂહ પામ્યા નહોતા છતાં એકત્વના સ્વરૂપને પરિપૂર્ણ પિછાનવામાં રાજેશ્વરે કિંચિત વિભ્રમ કર્યો નથી. શકેંદ્ર પ્રથમ નમિરાજર્ષિ જ્યાં નિવૃત્તિમાં વિરાજ્યા છે, ત્યાં વિપ્રરૂપે આવીને પરીક્ષા નિદાને પોતાનું વ્યાખ્યાન શરૂ કરે છે – - વિપ્ર :- હે રાજા! મિથિલા નગરીને વિષે આજે પ્રબલ કોલાહલ વ્યાપી રહ્યો છે. હૃદયને અને મનને ઉગકારી વિલાપના શબ્દોથી રાજમંદિર અને સામાન્ય ઘર છવાઈ ગયાં છે. માત્ર તારી દીક્ષા એ જ એ સઘળાનાં દુઃખનો હેતુ છે. પરના આત્માને જે દુ:ખ આપણાથી ઉત્પન્ન થાય તે દુઃખ સંસાર-પરિભ્રમણનું કારણ ગણીને તું ત્યાં જા. ભોળો ન થા. ' નમિરાજ :- (ગૌરવ ભરેલાં વચનોથી) હે વિપ્ર! તું જે કહે છે તે માત્ર અજ્ઞાનરૂપ છે. મિથિલા નગરીમાં એક બગીચો હતો, તેની મધ્યમાં એક વૃક્ષ હતું, શીતળ છાયાથી કરીને તે રમણીય હતું, પત્ર, પુષ્પ અને ફળથી તે સહિત હતું, નાના પ્રકારનાં પક્ષીઓને તે લાભદાયક હતું, વાયુના હલાવવા થકી તે વૃક્ષમાં રહેનારાં પંખીઓ દુઃખાર્ત ને શરણરહિત થયાથી આક્રંદ કરે છે. વૃક્ષને પોતાને માટે થઈને જ તે વિલાપ કરતાં નથી; પોતાનું સુખ ગયું એ માટે થઈને તેઓ શોકાર્ત છે. - વિપ્ર - પણ આ જો! અગ્નિ ને વાયુના મિશ્રણથી તારું નગર, તારાં અંતઃપુર, અને મંદિરો બળે છે, માટે ત્યાં જા અને તે અગ્નિને શાંત કર.
નમિરાજ - હે વિપ્ર! મિથિલા નગરીના, તે અંતઃપુરના અને તે મંદિરોના દાઝવાથી મારું કિંઈ પણ દાઝતું નથી; જેમ સુખોત્પત્તિ છે તેમ હું વર્તુ છું. એ મંદિરાદિકમાં મારું અલ્પ માત્ર પણ નથી. મેં પુત્ર, સ્ત્રી આદિકના વ્યવહારને છાંડ્યો છે. મને એમાંનું કંઈ પ્રિય નથી અને અપ્રિય પણ નથી. - વિપ્ર :- પણ હે રાજા! તારી નગરીને સઘન કિલ્લો કરાવીને, પોળ, કોઠા, અને કમાડ, ભોગળ કરાવીને અને શતઘી ખાઈ કરાવીને ત્યાર પછી જજે.
નમિરાજ :- (હેતુ કારણ પ્રે૧) હે વિપ્ર! હું શુદ્ધ શ્રદ્ધારૂપી નગરી કરીને, સંવરરૂપી ભોગળ કરીને, ક્ષમારૂપી શુભ ગઢ કરીશ; શુભ મનોયોગરૂપ કોઠા કરીશ, વચનયોગરૂપ ખાઈ કરીશ, કાયાયોગરૂપ શતઘી કરીશ, પરાક્રમરૂપી ઘનુષ્ય કરીશ; ઈર્યાસમિતિરૂપ પણછ કરીશ, ઘીરજરૂપ કમાન સાહવાની મૂઠી કરીશ; સત્યરૂપ ચાપવડે કરીને ઘનુષ્યને બાંધીશ; તારૂપ બાણ કરીશ; કર્મરૂપી વૈરીની સેનાને ભેદીશ; લૌકિક સંગ્રામની મને રુચિ નથી. હું માત્ર તેવા ભાવસંગ્રામને ચાહું છું.
વિપ્ર - (હેતુ કારણ પ્રે.) હે રાજા! શિખરબંઘ ઊંચા આવાસ કરાવીને, મણિકંચનમય ગવાક્ષાદિ મુકાવીને, તળાવમાં ક્રીડા કરવાના મનોહર મહાલય કરાવીને પછી જજે. ' નમિરાજ :- (હેતુ કારણ પ્રે) તેં જે જે પ્રકારના આવાસ ગણાવ્યા છે તે પ્રકારના આવાસ મને અસ્થિર અને અશાશ્વત જણાય છે, માર્ગના ઘરરૂપ જણાય છે. તે માટે જ્યાં સ્વઘામ છે, જ્યાં શાશ્વતતા છે, અને જ્યાં સ્થિરતા છે ત્યાં હું નિવાસ કરવા ચાહું છું. - વિપ્ર :- (હેતુ કારણ પ્રે) હે ક્ષત્રિય શિરોમણિ! અનેક પ્રકારના તસ્કરના ઉપદ્રવને ટાળીને, નગરીનું એ દ્વારે કલ્યાણ કરીને તું જજે.
૧. હેતુ અને કારણથી પ્રેરાયેલા.