________________
મોક્ષમાળા
શિક્ષાપાઠ ૪૬. કપિલમુનિ-ભાગ ૧
કૌશાંબી નામની એક નગરી હતી. ત્યાંના રાજદરબારમાં રાજ્યનાં આભૂષણરૂપ કાશ્યપ નામનો એક શાસ્ત્રી રહેતો હતો. એની સ્ત્રીનું નામ શ્રીદેવી હતું. તેના ઉદરથી કપિલ નામનો એક પુત્ર જન્મ્યો હતો. તે પંદર વર્ષનો થયો ત્યારે તેના પિતા પરઘામ ગયા. કપિલ લાડપાલમાં ઊછરેલો હોવાથી વિશેષ વિદ્વત્તા પામ્યો નહોતો, તેથી તેના પિતાની જગો કોઈ બીજા વિદ્વાનને મળી. કાશ્યપશાસ્ત્રી જે પૂંજી કમાઈ ગયા હતા તે કમાવામાં અશક્ત એવા કપિલે ખાઈને પૂરી કરી. શ્રીદેવી એક દિવસ ઘરના બારણામાં ઊભી હતી, ત્યાં બે ચાર નોકરો સહિત પોતાના પતિની શાસ્ત્રીય પદવી પામેલો વિદ્વાન જતો તેના જોવામાં આવ્યો. ઘણા માનથી જતા આ શાસ્ત્રીને જોઈને શ્રીદેવીને પોતાની પૂર્વસ્થિતિનું સ્મરણ થઈ આવ્યું. જ્યારે મારા પતિ આ પદવી પર હતા ત્યારે હું કેવું સુખ ભોગવતી હતી! એ મારું સુખ તો ગયું પરંતુ મારો પુત્ર પણ પૂરું ભણ્યોયે નહીં. એમ વિચારમાં ડોલતાં ડોલતાં એની આંખમાંથી દડદડ આંસુ ખરવા મંડ્યાં. એવામાં ફરતો ફરતો કપિલ ત્યાં આવી પહોંચ્યો. શ્રીદેવીને રડતી જોઈ તેનું કારણ પૂછ્યું. કપિલના બહુ આગ્રહથી શ્રીદેવીએ જે હતું તે કહી બતાવ્યું. પછી કપિલ બોલ્યો : “જો મા! હું બુદ્ધિશાળી છું, પરંતુ મારી બુદ્ધિનો ઉપયોગ જોઈએ તેવો થઈ શક્યો નથી. એટલે વિદ્યા વગર હું એ પદવી પામ્યો નહીં. તું કહે ત્યાં જઈને હવે હું મારાથી બનતી વિદ્યા સાધ્ય કરું.” શ્રીદેવીએ ખેદ સાથે કહ્યું: “એ તારાથી બની શકે નહીં, નહીં તો આર્યાવર્તની મર્યાદા પર આવેલી શ્રાવસ્તી નગરીમાં ઇંદ્રદત્ત નામનો તારા પિતાનો મિત્ર રહે છે, તે અનેક વિદ્યાર્થીઓને વિદ્યાદાન દે છે; જો તારાથી ત્યાં જવાય તો ઘારેલી સિદ્ધિ થાય ખરી.” એક બે દિવસ રોકાઈ સજ્જ થઈ, અસ્તુ કહી કપિલજી પંથે પળ્યા.
અવથ વીતતાં કપિલ શ્રાવસ્તીએ શાસ્ત્રીજીને ઘેર આવી પહોંચ્યા. પ્રણામ કરીને પોતાનો ઇતિહાસ કહી બતાવ્યો. શાસ્ત્રીજીએ મિત્રપુત્રને વિદ્યાદાન દેવાને માટે બહુ આનંદ દેખાડ્યો. પણ કપિલ આગળ કંઈ પૂંજી નહોતી કે તેમાંથી ખાય, અને અભ્યાસ કરી શકે; એથી કરીને તેને નગરમાં યાચવા જવું પડતું હતું. યાચતાં યાચતાં બપોર થઈ જતા હતા, પછી રસોઈ કરે, અને જમે
ત્યાં સાંજનો થોડો ભાગ રહેતો હતો; એટલે કંઈ અભ્યાસ કરી શકતો નહોતો. પંડિતે તેનું કારણ પૂછ્યું ત્યારે કપિલે તે કહી બતાવ્યું. પંડિત તેને એક ગૃહસ્થ પાસે તેડી ગયા અને હંમેશાં ભોજન મળે એવી ગોઠવણ એક વિઘવા બ્રાહ્મણીને ત્યાં તે ગૃહસ્થ કપિલની અનુકંપા ખાતર કરી દીઘી, જેથી કપિલને તે એક ચિંતા ઓછી થઈ.
( શિક્ષાપાઠ ૪૭. કપિલમુનિ-ભાગ ૨ એ નાની ચિંતા ઓછી થઈ, ત્યાં બીજી મોટી જંજાળ ઊભી થઈ. ભદ્રિક કપિલ હવે યુવાન થયો હતો; અને જેને ત્યાં તે જમવા જતો હતો તે વિધવા બાઈ પણ યુવાન હતી. તેની સાથે તેના ઘરમાં બીજું કોઈ માણસ નહોતું. હંમેશનો પરસ્પરની વાતચીતનો સંબંધ વધ્યો; વધીને
૫૪