________________
પ્રકરણ ૪
પર્યાયનું વાસ્તવિક સ્વરૂપ
જ્યાં સુધી આપણે પર્યાયનું લક્ષણ નહીં સમજીએ, ત્યાં સુધી આપણે પર્યાયને ઓળખી શકીશું નહીં. દ્રષ્ટિના વિષયમાં જે પર્યાયને સામેલ કરવાની નથી, એ પર્યાયનો સમ્યક્ અર્થ આપણે સમજવો ખૂબ જ આવશ્યક છે.
પર્યાયાર્થિકનયનો વિષય જે-જે વસ્તુ બને છે, તે બધાનું નામ પર્યાય છે; કારણ કે જે વસ્તુ પર્યાયાર્થિંકનયનો વિષય છે, તે બધાની પર્યાય સંજ્ઞા છે અને જે વસ્તુ દ્રવ્યાર્થિકનયનો વિષય છે, તે બધાની દ્રવ્ય સંજ્ઞા છે.
જેને આપણે દ્રષ્ટિનો વિષય કહીએ છીએ અને તેને પર્યાયથી પણ ભિન્ન કહીએ છીએ; તે પર્યાયનો અર્થ છે કે જે પર્યાયાર્થિકનયનો વિષય છે, તે પર્યાય છે, ભલે તે દ્રવ્ય હો, ગુણ હો કે પર્યાય હો.
છઠ્ઠી ગાથામાં પ્રમત્ત-અપ્રમત્ત દશાઓથી અને સાતમી ગાથામાં ગુણભેદથી ભિન્નતાની વાત કહી છે.
આ બન્ને ગાથાઓમાં પર્યાયથી ભિન્નતાની જ વાત છે; કારણ કે પ્રમત્ત અને અપ્રમત્ત દશાઓ તો પર્યાયો છે જ, સાથે ગુણભેદ પણ પર્યાય જ છે, કારણ કે તે પણ પર્યાયાર્થિક નયનો વિષય છે.