________________
૩૨
દ્રષ્ટિનો વિષય
શકે છે, કૂવો હોઈ શકે છે, પરંતુ તે નદી હોઈ શકતી નથી. વહેતા પાણીનું નામ નદી છે. જે નિરંતર વહે, તેનું નામ નદી છે, જે ક્યારેક વહે, તેનું નામ નદી નથી. જે રીતે નદીનું ‘વહેવું’ તે ‘અનિત્યતા' છે, તે જ રીતે નદીનું હંમેશા ‘વહેતા રહેવું’ તે નદીની ‘નિત્યતા’ છે.
આ જ પ્રકારે જે દ્રવ્ય છે, તે પરિણમશીલ પણ છે અને અપરિણામી પણ છે. જે પરિણમન થઈ રહ્યું છે તે નિત્ય છે કે અનિત્ય? અરે ભાઈ ! તે પરિણમન અનાદિકાળથી અનંતકાળ સુધી એક સમય પણ અટકતું નથી, તેથી તે પરિણમન નિત્ય જ છે અર્થાત્ તેની અનિત્યતા પણ નિત્ય જ છે. આમ અનિત્યનો અર્થ એવો છે કે જે ‘ક્યારેક હોય’ તથા ‘કયારેક ન પણ હોય' અને નિત્યનો અર્થ એવો છે કે જે ‘સદા હોય'.
આથી હું ગંગા નદીનું ઉદાહરણ આપું છું; કારણ કે અન્ય નદીઓ તો ક્યારેક વહેવાનું બંધ કરી દે છે; પરંતુ ગંગા નદી કદી અટકતી નથી. જ્યારે વરસાદ થાય છે ત્યારે વરસાદના પાણીથી ગંગા વહે છે અને જ્યારે ગરમીમાં બરફ પીગળે છે, ત્યારે તે બરફના પાણીથી ગંગા વહે છે; આ રીતે ગંગાનો પ્રવાહ એક સમય પણ અટકતો નથી.
એ રીતે દ્રવ્યનો પ્રવાહ પણ અનાદિકાળથી લઈને અનંતકાળ સુધી એક સમય પણ અટકતો નથી; એથી તો આપણે એમ કહીએ છીએ કે ભગવાન ! આપની નિત્યતા તો નિત્ય છે જ, આપની અનિત્યતા પણ નિત્ય છે અર્થાત્ આપની નિત્યતા તો અનંત છે જ, પરંતુ આપની અનિત્યતા પણ અનંત છે.
આત્મામાં જે એક અનિત્ય નામનો ધર્મ છે, તે અનિત્ય નથી પરંતુ નિત્ય જ છે. નિત્ય ધર્મની જેમ અનિત્ય ધર્મ પણ નિત્ય જ છે. જેમ આત્મામાં જ્ઞાન, દર્શન, સુખ આદિ ગુણ નિત્ય છે, તેવી જ રીતે અનિત્ય નામનો ધર્મ પણ નિત્ય છે.