Book Title: Agam 24 Chhed 01 Nishith Sutra Sthanakvasi
Author(s): Lilambai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૭૨
શ્રી નિશીથ સૂત્ર
ગોચરીમાં ગૃહસ્થ દ્વારા પૃથ્વીકાય, અપ્લાય, અગ્નિકાય, વાયુકાય તથા પ્રત્યેક વનસ્પતિકાયની વિરાધના થઈ જાય તો લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે, અનંતકાયની વિરાધના થઈ જાય તો ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે.
સાધુ દ્વારા પૃથ્વી આદિ કોઈપણ જીવની વિરાધના થાય તો પ્રસ્તુત સૂત્રથી લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે અને અનંતકાયની વિરાધના થાય તો ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે, તેમ ભાષ્યમાં બતાવ્યું છે. સચિત્ત વૃક્ષ પર ચડવું:
९ जे भिक्खू सचित्त- रुक्खं दुरूहइ, दुरूहंतं वा साइज्जइ ।
ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી સચિત્ત વૃક્ષ પર ચડે કે ચડનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં સચિત્ત વૃક્ષ પર ચડવાનું પ્રાયશ્ચિત્ત કથન છે.
સચિત્ત વૃક્ષના પ્રકાર :– સચિત્ત વૃક્ષના ત્રણ પ્રકાર છે. (૧) સંખ્યાત જીવ યુક્ત તાડ વગેરે વૃક્ષ. (૨) અસંખ્યાત જીવ યુક્ત આમ્ર વગેરે વૃક્ષ અને (૩) અનંત જીવ યુક્ત થોર વગેરે. આ સૂત્રથી સંખ્યાત અને અસંખ્યાત જીવવાળા વૃક્ષ પર ચડવાનું લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે તેમ સમજવું. અનંત જીવ યુક્ત વૃક્ષો પર ચડવાનું ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત ભાષ્યમાં કહ્યું છે. અનંતકાયિક થોર આકડા વગેરે વૃક્ષ નાના હોય છે તેના ઉપર ચડવાનો સંભવ નથી પણ તેનો સહારો લે તો ઉપરોક્ત પ્રાયશ્ચિત્ત આવે છે તેમ સમજવું. આચારાંગ શ્રુ. ૨, અ.૩, ઉ.૩, સૂત્ર ૧૨માં વૃક્ષ પર ચઢવાનો નિષેધ છે, તેનું અહીં પ્રાયશ્ચિત્ત સૂત્ર છે. પાંચમા ઉદ્દેશકમાં સચિત્ત વૃક્ષની સમીપે ઊભા રહેવા, બેસવા, સ્વાધ્યાય કરવા આદિનું પણ પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
ક્યારેક અતિવૃષ્ટિના કારણે પૂર આવે, શ્વાપદ કે ચોરાદિના ભયથી કે અન્ય કોઈ પરિસ્થિતિના કારણે વૃક્ષ પર સાધુને ચડવું પડે, તો આ સૂત્રગત પ્રાયશ્ચિત્ત આવે છે. અકારણ કે વારંવાર ચડવાનો પ્રસંગ આવે તો પ્રાયશ્ચિત્તમાં વૃદ્ધિ થતી જાય છે.
વૃક્ષ ઉપર ચડવાથી :- (૧) વનસ્પતિકાયની વિરાધના થાય અને તે વૃક્ષને આશ્રિત ત્રસ જીવોની વિરાધના થાય. (૨) ચડતાં-ચડતાં ક્યારેક હાથ-પગ છોલાઈ જાય. (૩) નીચે પડે તો અન્ય જીવની વિરાધના થાય. (૪) નીચે પડે અને હાથ-પગમાં વાગે તો આત્મ વિરાધના થાય. (૫) સાધુને વૃક્ષ ઉપર ચડતા જોઈ કોઈને શંકા થાય. (૬) ધર્મ તથા શાસનની નિંદા થાય, માટે સાધુએ વૃક્ષ પર ચડવું ન જોઈએ. ગૃહસ્થના પાત્રમાં આહાર ઃ
१० जे भिक्खू गिहिमत्ते भुंजइ, भुंजंतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ગૃહસ્થના પાત્રમાં આહાર કરે કે આહાર કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
વિવેચનઃ
સાધુનો આચાર છે કે ગૃહસ્થ જે અશનાદિ આપે તે પોતાના પાત્રમાં ગ્રહણ કરી, પોતાના સ્થાને