________________
તમારા બે સંતાનો રાગ અને દ્વેષની સામે તો તે હાથ ધોઈને પડી છે! મિથ્યાત્વ નામના આપના મુખ્યમંત્રીની વિરુદ્ધમાં તો તે જયાં ને ત્યાં ઉશ્કેરણી કર્યા કરે છે. આપના અતિઅંગત પાપસ્થાનક રુપ અઢાર સામંત રાજાઓને તો તે અપાય તેટલી ગાળો આપે છે.
ઓ અન્નદાતા ! એક અબળા સ્ત્રી આપના સામ્રાજ્યની સામે આ રીતે માથું ઊંચકે તે શી રીતે સહન કરાય? જો આની સામે આંખ આડા કાન કરાશે તો આપનું સામ્રાજ્ય શી રીતે ચાલશે? એક દિવસ આ અબળા સ્ત્રી એકદમ સબળા બનીને આપની આજ્ઞાને ફેંકી દઈને ધર્મરાજાનું શરણું સ્વીકારી નિવૃત્તિપૂરીમાં પહોંચી જશે. શું આ વાત આપને મંજૂર છે? શું કાંઈ પગલાં ભરવાની જરુર નથી?”
અકલ્પનીય વાત સાંભળીને મોહરાજાને ખૂબ દુઃખ થયું ! પોતાની સામે એક અબળા સ્ત્રીએ બહારવટું ફૂક્યું છે અને પોતે હજુ સુધી કાંઈ કરી શક્યા નથી, નિષ્ફળ જઈ રહ્યા છે, જાણીને તેમની આંખો આંસુથી ઉભરાઈ ગઈ! ગળે ડૂમો ભરાઈ ગયો. રડમસવાણીથી તેઓ બોલ્યા, “અરે ! આ તો ઘણું ખરાબ કહેવાય. જો એક સામાન્ય સી આવું કરશે તો મારું શાસન શી ચાલશે? મારા અત્યંત દુશ્મન ધર્મરાજાના પક્ષની આ રોહિણીને વશ કરીને મને સોપે તેવી પરાક્રમી કોઈ વ્યક્તિ મારા પરિવારમાં નથી? મારી આજ્ઞાની સામે બળવો કરનારને અત્યાર સુધી તમે બધા કેવી રીતે સહન કરી શક્યા? અહીં છે કોઈ કે જે આ રોહિણીને મારા તાબામાં લઈ આવે?”
મોહરાજાની નજર સભામાં હાજર રહેલા પોતાના પરિવારના તમામ સૈન્ય તરફ ફરવા લાગી. ત્યાં એક ખૂણામાં બેઠેલી વિકથા નામની યોગિની હાથ જોડીને, ઊભી થઈને બોલી,
મહારાજાધિરાજ ! આપની સેવામાં આ દાસી હાજર છે. માત્ર આપ આજ્ઞા કરો; કામ થઈ જશે, આપે ચિંતા કરવાની કે અકળાવાની જરાય જરુર નથી. આપના નાનામાં નાના સૈનિકની પણ તાકાત અજબ ગજબની છે. શું આપ અમારા બધાના પરાક્રમો નથી જાણતા? આપના સેવકોએ તો સમકિત, વ્રત, નિયમ અને શ્રતથી પરિપૂર્ણ આત્માઓને પણ એવા પાડ્યા છે કે તેઓ કાયમ માટે આપના ચરણોના દાસ બની ગયા છે. તેથી હે નાથ ! આપ જરા ય મુંઝાશો નહિ. રોહિણી તો એક સામાન્ય સ્ત્રી છે. તેને તો હું સરળતાથી જીતી લઈશ! આપ મને અંતરના આશિષ આપો એટલે કામ પૂરું.”
અને... મોહરાજાના આશીર્વાદ લઈને તે વિકથા રોહિણીના મુખમાં પેસીને ચિત્તમાં સ્થિર થઈ ગઈ. પરિણામે રોહિણીની સ્થિરતા ચંચળતામાં ફેરવાઈ ગઈ. “
૯૯ વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨