________________
ગૃહસ્થો માટે સામાયિક અને પૂજા બારમાસી ધર્મ છે. વ્યાખ્યાનશ્રવણ રોજ મળતું નથી પણ સામાયિક અને પૂજા તો રોજ કરી શકાય છે. તેમાં ય પૂજાને તો દેશ અને કાળનું બંધન નડે છે. દેરાસરમાં જ પૂજા થઈ શકે, દુકાનમાં શી રીતે થાય ? સૂર્યાસ્ત પહેલાં જ પૂજા થઈ શકે, રાત્રે શી રીતે થાય? પણ સામાયિકને દેશ કે કાળ, કોઈનું બંધન નથી. ઘરે, દુકાને, ઉપાશ્રયે, ગમે તે સ્થાને સામાયિક થઈ શકે છે. વળી દિવસે કે રાત્રે, ગમે તે સમયે પણ સામાયિક થઈ શકે છે. આ અપેક્ષાએ વિચારીએ તો પૂજા કરતાં પણ સામાયિક કરવું વધારે સરળ, સારું અને અનુકૂળતાભર્યું છે.
શાસ્ત્રોમાં કહ્યું છે કે એક માણસ રોજ લાખ - લાખ ખાંડી સોનાનું દાન કરે અને બીજી વ્યક્તિ માત્ર એક સામાયિક કરે તો તે સુવર્ણના દાન કરતાં સામાયિકનું ફળ વધી જાય ! રોજ આટલું બધું સુવર્ણદાન કરવું સામાન્ય માણસ માટે અઘરું છે, જ્યારે રોજ સામાયિક કરવું તો બધા માટે સરળ છે. આ વાત જાણ્યા પછી કયો ડાહ્યો માણસ હવે સામાયિક કર્યા વિના રહી શકે?
સામાયિકની પ્રત્યેક મિનિટે લગભગ પોણા બે કરોડ પલ્યોપમથી વધારે દેવલોકના સુખોની પ્રાપ્તિ કરાવનાર પુણ્યકર્મ પ્રાપ્ત થાય છે. એક સામાયિક કરવાથી ૯૨, ૫૯, ૨૫, ૯૨૫ પલ્યોપમના દેવલોકના સુખની પ્રાપ્તિ થાય છે.
ચાર પેઢીના ચાર માનવો પોતાની સમગ્ર જીંદગી દરમિયાન રોજ ૧૦ - ૧૨ કલાક ધંધા પાછળ મહેનત કરે તો કેટલું કમાય? તેના કરતાં ય વધારે સંપત્તિવાળા રત્નોની મોજડી અને અલંકારો માત્ર ૪૮ મિનિટનું ૧ સામાયિક કરવાથી પ્રાપ્ત થતાં દેવલોકમાં મળે છે. ઓછામાં ઓછી મહેનતે વધુમાં વધુ ફળ મેળવવાનો પ્રયત્ન કરે તે વાણીયો કહેવાય. માત્ર ૪૮ મિનિટના સામાયિકમાં જ્યારે ચાર પેઢીના ચાર યુવાનોની સમગ્ર જીવનકાળની મહેનતના ફળ કરતાં વધારે ફળ મળે છે ત્યારે કયો વણિક રોજ વધુને વધુ સામાયિક કરવા તૈયાર ન થાય?
કોઈ વ્યક્તિ કરોડો ભવોમાં અનેક તપશ્ચર્યા કરીને જેટલા કર્મોને ખપાવી શકે, તેટલા કર્મો સામાયિક કરનારો મનુષ્ય સામાયિકની અડધી ક્ષણમાં ખપાવી શકે છે. અનંતાનંત કર્મોનો કચ્ચરઘાણ બોલાવતાં આ મહામૂલા સામાયિકને કરવાનું કયો મોક્ષપ્રેમી આત્મા ન ઈચ્છે?
રોજ લાખો સોનામહોરોનું દાન કરનારો શેઠ રોજ સામાયિક કરનારી ડોસીની નિંદા કરવાથી હાથી બન્યો. જ્યારે દાન નહિ કરવા છતાં રોજ સામાયિક કરનારી ડોસી સામાયિકના પ્રભાવે રાજકુમારી બની ! હાથીને તેણે પ્રતિબોધ પમાડ્યો. હાથીના ભવમાં પણ સામાયિક કરાવીને તેને આઠમા દેવલોકનો દેવ બનાવ્યો ! અહો !
૧૦૬ - વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨