________________ 55 કરતાં. તેમને કોઈપણ મોટું કાર્ય કરવું હોય દીક્ષા, પ્રતિષ્ઠા, ગ્રંથ પ્રારંભ, ગ્રંથ સમાપ્તિ આદિ તમામ કાર્યો તેઓ અટ્ટમના મંગળમાં જ કરતા. યોગાસન, કસરત અને પ્રાણાયામ રોજ 50 મિનિટ તેઓ કરતા. ગમે તેટલું કામ હોય તો પણ. એકવાર નવકારસી કરવાનું છોડી દે પણ કસરતમાં ખાડો ન પડવા દે. અને તેથી જ ગુરૂદેવની કૃપાથી 87 વર્ષની ઉંમરે પણ યુવાનને શરમાવે તેવી સ્કૂર્તિથી વિહારો ચાલીને જ કરતા. ગ્રંથના કાર્યો આખો દિવસ કરતાં તેઓ કહેતા કે ગ્રંથનું કામ ગુરૂદેવે કહ્યું છે કે દિવસે જ કરવું. તેથી ક્યારેય રાત્રિની લાઈટોમાં તેઓ ગ્રંથનું કામ કરતા નહીં. તેઓ કહેતાં કે રાત્રિ જાપ માટે છે. તેથી હંમેશા રાત્રે ત્રણેક કલાક જાપ કરતા. 15 બાંધા પારાની નવકારવાળી અને 27 નમો અરિહંતાણં પદની તેમજ અન્ય ગુરૂમંત્રોનો હંમેશા જાપ કરતા. તેમની દિવસ રાતની ત્રુટક ત્રુટક નિંદ્રાનો સમય ભેગો કરવામાં આવે તો માંડ 4 થી 5 કલાક થાય. પ.પૂ. પુણ્યવિજયજી મ.સા.ના સ્વર્ગગમન પછી મહાવીર વિદ્યાલયનું આગમ પ્રકાશનનું કામ કોણ કરે એ પ્રશ્ન હતો. તેથી તેના ટ્રસ્ટીઓ પૂજયશ્રી પાસે આવ્યા અને કહ્યું કે સંશોધનમાં મુખ્ય સંપાદક તરીકે તમારું નામ આવશે અને પંડિત માલવણીયા આદિ પંડિતોની ટીમ છે એ સહસંપાદક તરીકે કામ કરશે ત્યારે સાહેબજીની ખુમારી એવી કે તેમણે વિનયપૂર્વક કહી દીધું કે ના હું જે સંશોધન કરીશ તેમાં મારે સહસંપાદકની જરૂર નથી. હું જાતે જ કરીશ. ત્યારે પંડિતોને લાગ્યું કે આ સાધુ શું કામ કરવાના હતા ? પણ સાહેબજીએ પહેલું આચારાંગસૂત્રનું કામ કર્યું અને મહાવીર વિદ્યાલય દ્વારા પ્રકાશિત થયું. તેની નકલો પરદેશમાં પણ પહોંચી. અને એ કામની પ્રશંસા કરતા પત્રો પરદેશથી મહાવીર વિદ્યાલય પર આવ્યા ત્યારે તમામ પંડિતોને લાગ્યું કે ના એકલા સાધુ પણ આંતરરાષ્ટ્રીય કક્ષાનું કામ કરી શકે છે. કોઈપણ કામ ઉત્કૃષ્ટ કક્ષાનું નિષ્પક્ષતાથી પૂરી મહેનત કરીને કરવું એ એમનો જીવનમંત્ર હતો. જ્ઞાન સંશોધનના કાર્યમાં એ એવા તન્મય બની જતાં કે બહારગામથી કોઈ યાત્રિકો તેમના દર્શન માટે ખાસ આવતાં અને વંદન કરતા તો પણ તેઓ પોતાના કામમાંથી માથું ઉંચું કરીને પણ જોતા નહિ. તેઓ અમને કહેતા કે અત્યાર સુધી ઘણો વેલનોન થયો. હવે મારે અનનોન થયું છે. પરલોકની સાધના - કરવી છે. ધ્યાન જાપ એ એમની પ્રિય સાધના હતી. આવી જૈફ ઉંમરે પણ તેઓએ હિમાલયના બદ્રીનાથ જેવા દુર્ગમ સ્થળે ચાલીને જઈ ચાતુર્માસો કર્યા. એવા તો એ સાહસિક હતા. વોર્મો (પોલંડ)માં સર્વધર્મ પરિષદમાં તેમની ઓનરરી પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરી હતી. અને તેમાં તેમણે પોતાનો સંદેશો મોકલ્યો હતો એ સંદેશાથી એ પરિષદની કાર્યવાહીની શરૂઆત થઈ હતી. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ તેમની Phdના વિદ્યાર્થીઓના માર્ગદર્શક તરીકે નિમણૂક કરી હતી. દિલ્હીની BL ઇન્સ્ટીટ્યૂટે હેમચંદ્રાચાર્ય એવોર્ડ ખંભાત આવી તેઓને અર્પણ કર્યો હતો. સ્વામી ચિદાનંદજી કે જેઓનો ઋષિકેશમાં પરમાર્થ નિકેતન નામનો વિશાળ આશ્રમ ગંગાતટે 1000 રૂમોવાળી ધર્મશાળા સહિતનો છે. તેમણે વિશ્વનો સહુથી મોટો શબ્દકોશ (એન્સાઈક્લોપિડીયા) બનાવવાનું બીડું ઝડપ્યું છે. કરોડોના ખર્ચે તૈયાર થનાર છે. તેમાં મુખ્ય સલાહકાર તરીકે સાહેબજીની નિમણૂંક કરી છે. પાટણના હસ્તલિખિત સંપૂર્ણ જ્ઞાન ભંડારનું સ્કેનિંગ કામ માત્ર સાડા ત્રણ મહિનાની ટૂંકી અવધિમાં ગયા વર્ષે જ પૂર્ણ કરાવ્યું.