________________
૩૨
વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર તત્ત્વાર્થાધિગમસૂત્રના ઉપલબ્ધ મુદ્રિત પ્રકાશનો
મળતી માહિતી મુજબ આ ગ્રંથનું સર્વપ્રથમ પ્રકાશન પં. સદા સુખ દ્વારા હિન્દી ભાષામાં અનુવાદ અને વ્યાખ્યા સાથે ૧૮૮૦માં મુંબઈમાં થયું હતું. આચાર્ય ઉમાસ્વાતિ કૃત સ્વોપજ્ઞ ભાષ્ય સાથે પ્રકાશન બિલ્ફિયોથિકા ઇંડિકા સીરિઝમાં ૧૯૦૩માં કલકત્તાથી થયેલ હતું. એ જ વર્ષે સર્વાર્થસિદ્ધિનું પ્રકાશન પણ કલકત્તાથી થયું. ૧૯૦૫માં મરાઠી ભાષાનુવાદ વર્ધાથી અને ૧૯૦૬માં હર્મન જૈકોબી (યાકોબી)એ જર્મન ભાષામાં લેજિગ-જર્મનીથી આનું પ્રકાશન કરેલ. તત્ત્વાર્થાધિગમસૂત્રનું અકલંક ભટ્ટ દ્વારા રચિત તત્ત્વાર્થવાર્તિક સાથે પ્રકાશન ૧૯૧૫માં વારાણસીની સનાતન જૈન ગ્રંથમાલામાં થયું હતું.
પં. સદાસુખની ભાષા, ટીકા અને અર્થપ્રકાશિકા સાથે કલકત્તામાં ૧૯૧૫માં આ રચના પ્રકાશિત થઈ. આચાર્ય વિદ્યાનંદ કૃત શ્લોકવાર્તિક સાથે મુંબઈથી ૧૯૧૮માં આ ગ્રંથ છપાયેલ. તત્ત્વાર્થસૂત્રનો સર્વપ્રથમ અંગ્રેજી ભાષામાં અનુવાદ ૧૯૨૦માં જે. એલ. જૈની દ્વારા સેક્રેડ બુક્સ ઑફ જૈન સીરિઝ, આરા દ્વારા થયો. ઉપાધ્યાય યશોવિજયજીની ટીકા સાથે ૧૯૨૪માં આ ગ્રંથ અમદાવાદથી છપાયો. તેમજ હીરાલાલ કાપડિયાએ સ્વોપજ્ઞ ભાષ્ય, દેવગુપ્તસૂરિ અને સિદ્ધસેનગણિની ટીકાઓ સાથે ૧૯૨૬માં મુંબઈમાં પ્રકાશિત કરેલ. ભાસ્કરનંદિની કન્નડ વૃત્તિ ૧૯૪૪માં મૈસૂર ઓરિયન્ટલ મેન્યુસ્ક્રિપ્ટ લાયબ્રેરીથી પ્રકાશિત કરવામાં આવેલ હતી. શ્રુતસાગરની તત્ત્વાર્થવૃત્તિ તેમજ સ્વોપજ્ઞભાષ્ય અને સર્વાર્થસિદ્ધિ પર આધારિત સર્વાધિક લોકપ્રિય પં. સુખલાલજી સંઘવીની ગુજરાતી ટીકા ૧૯૪૯માં અમદાવાદથી છપાયેલ હતી. પં. સુખલાલજીની ટીકાના હિન્દી અને અંગ્રેજી અનુવાદ પણ છપાયેલ છે.
સમગ્ર રીતે જોઈએ તો તત્ત્વાર્થસૂત્રના ૩૦૦થી વધારે પ્રકાશનો થઈ ગયા છે જેની સૂચી પ્રકાશન વર્ષના ક્રમમાં આગળ આપવામાં આવી રહી છે. તેમાં જે જે પ્રકાશનોમાં ઈસ્વીસનું દર્શાવેલ છે તેની નોંધ સર્વપ્રથમ આપવામાં ' આવી છે. ત્યાર બાદ વિક્રમ સંવત, શક સંવત અને વીર સંવત દર્શાવી હોય તેવા
પ્રકાશનોની ક્રમશઃ નોંધ છે. છેલ્લે કેટલાંક એવા પ્રકાશનો પ્રાપ્ત થાય છે કે જેમાં કોઈ પણ પ્રકારના પ્રકાશન વર્ષની નોંધ નથી તેવા અગત્યના પ્રકાશનોની સૂચી પણ છે. આથી તમામ પ્રકાશનોની સૂચીનું અવલોકન કરવું આવશ્યક છે.
સમગ્ર રીતે જોઇએ તો તત્ત્વાર્થસૂત્રના ૩૦૦થી વધારે પ્રકાશનો થઈ ગયા છે જેની સૂચી પ્રકાશન વર્ષના ક્રમમાં આગળ આપવામાં આવી રહી છે.