________________
૨૯
સામ્યશતક બ્લોક-૨૯
यावज्जागर्ति संमोहहेतुः संसारवासना ।
निर्ममत्वकृते तावत् कुतस्त्या जन्मिनां रुचिः ।। અર્થ - જ્યાં સુધી જીવોને મોહના હેતુભૂત સંસારની વાસનાઓ જાગે છે, ત્યાં સુધી નિર્મમત્વની રુચિ ક્યાંથી થાય? ભાવાર્થ – જ્યાં નામમાત્ર સુખ છે તથા ક્લેશની પરંપરા છે એવો સંસારપથ મોહાસક્તિનો માર્ગ છે અને જ્યાં નામમાત્ર દુઃખ છે તથા શાશ્વત સુખ છે એવો મોક્ષપથ નિર્મમત્વનો માર્ગ છે. પરંતુ મોહવશ જીવ તે જાણી-સમજી શકતો નથી. તે મૂઢ બની, સંસારસુખ પાછળ દોડે છે અને દુઃખી થાય છે. તે દુઃખમાં સબડતો હોવા છતાં તેને સુખનું કારણ તો સંસારવાસના જ લાગે છે અને તેથી તે એના માટે ફાંફા મારે છે તથા સાચા સુખ માટે પ્રયત્ન જ કરતો નથી. આમ, તેને સસુખનું ભાન ન હોવાથી એની પ્રાપ્તિ માટેની ઇચ્છા તેને જાગતી નથી અને નિર્મમત્વ તરફ તેની રુચિ વળતી નથી.