________________
૪૦
સામ્યશતક
બ્લોક-૪૦
तिरयन्नुज्वलालोकमभ्युन्नतशिराः पुरः ।
निरुणद्धि सुखाधानं मानो विषमपर्वतः ।। અર્થ – માન - અભિમાન ઊંચા શિખરવાળો વિષમ પર્વત છે. તે પોતાની આગળ રહેલા ઉજ્વળ પ્રકાશને ઢાંકીને સુખના પ્રવાહને રોકે છે. ભાવાર્થ – ઉજ્વળ જ્ઞાનપ્રકાશ વડે અજ્ઞાન-અંધકાર નાશ પામે છે. અજ્ઞાન-અંધકાર નષ્ટ થતાં સર્વ દુઃખનો અંત આવે છે અને શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે. માન એક અતિ ઊંચો, આઠ મદરૂપી આઠ મોટાં મોટાં, અસમાન શિખરવાળો પર્વત છે. આ ભયાનક પર્વત નિર્મળ, ઉજ્વળ, શુદ્ધ જ્ઞાનપ્રકાશને રોકે છે, ઢાંકી દે છે. તેના વડે આત્માની પ્રગતિમાં અવરોધ ઊભા થાય છે અને તેથી આત્મહિત હણાય છે. આત્માના ગુણોનો ઘાત થતાં દારુણ દુઃખની પરંપરા સર્જાય છે અને જીવને અવ્યાબાધ સુખની ઝલક પણ મળતી નથી.