________________
સામાયિક ભાવ ૬ ૧૯
કરવા એવી રીતે બેસે કે જેથી હોલના બારણામાંથી કોણ આવ-જા કરે છે તેના પર પણ નજર રહે અને રસોડામાં વહુ શું કરે છે તેના પર પણ નજર રહે. આ રીતે સામાયિક નહીં કરવાનું કારણ કે તમારું ધ્યાન મંત્ર-જાપ, સ્વાધ્યાય કે તમારા આત્મા પર નથી પણ હોલમાં આવતા-જતા લોકો પર અને રસોડામાં વહુ પર છે. તો એ સાચું સામાયિક નથી. આ રીતે નહીં કરવાનું. એક બીજાં બહેન સામાયિક કરે ત્યારે કટાસણું વચ્ચે રાખી પોતાની બન્ને બાજુ ટેલીફોન રાખીને સામાયિક કરે. કદાચ ધંધાનો ફોન આવે અને અર્જન્ટ (urgent) કામ હોય તો ત્યાં બેઠાં-બેઠાં વાત કરી લેવાય, જેથી વારંવાર ઊઠવું ન પડે. હું મોબાઇલ (mobile) ફોનની વાત નથી કરતો. બે સ્થાયી ટેલીફોન (land line/fixed line) છે તેની વાત કરું છું. આ રીતે પણ સામાયિક નહીં કરવાનું. એક ઘરમાં સાસુ છે, વહુ છે, નણંદ છે. ત્રણેય જણાં સાથે સામાયિક કરવા બેસે. દરવાજાની ઘંટડી (doorbell) વાગે એટલે ત્રણેયનું ધ્યાને દરવાજા તરફ જાય. ટેલીફોનની ઘંટડી વાગે તો ત્રણેયનું ધ્યાન ટેલિફોન તરફ જાય. આપણે ઓફીસના સ્ટાફમાં ટેલીફોન ઓપરેટર કે વોચમેન હોય. તેમને જમવાનો સમય એવી રીતે ગોઠવેલો હોય કે જેથી વારાફરતી કોઈ પણ એક જણ તો જગ્યા પર હાજર હોય જ, જેથી કામ બગડે નહીં. એવી રીતે, એક જ ઘરની અંદર ત્રણેય જણાંએ ભેગા મળીને સામાયિક ન કરાય. ‘હું કરી લઉં પછી તમે કરો” એમ વારાફરતી બરાબર ગોઠવીને કરે તો કોઈનું સામાયિક ડહોળાય નહીં અને બધાનું બરાબર થાય.