________________
એમાં પણ પ્રબંધકોશ – પ્રબંધપંચશતી જેવા પ્રબંધગ્રંથો, કુમારપાળ ચરિત્ર - સુકૃતસંકીર્તન મહાકાવ્ય – વિજયદેવમહાભ્ય જેવા ચારિત્રગ્રંથો, હીરરાસ - વિજયસિંહપાટોત્સવકાવ્ય – સાધ્વી ધર્મલક્ષ્મીભાસ જેવા ગુર્જર ગ્રંથો કેટલીય ઐતિહાસિક સામગ્રીઓથી ભરપૂર છે.
અહીં એક વાત જણાવવાનું મન થાય કે લેખક શ્રી પાર્શ્વ અંચલગચ્છીય લેખ-સંગ્રહમાં જણાવે છે કે- ‘xxxગ્રંથકારો પોતાની હયાતિમાં કે પહેલા બનેલી (અર્થાતુ પોતે જોયેલી કે સાંભળેલી) ઘટનાઓમાં પણ અતિશયોક્તિ કે અલંકારિક હકીકતો પોતાના ધર્માનુરાગ, વ્યક્તિગત પક્ષપાત કે પૂર્વગ્રહ આદિને વશ થઈ ઉમેરી દે છેxxx.”
અલ્પસ્થળમાં જોયેલી કે અસંગત લાગતી કેટલીક બાબતોથી આવું વિધાન થાય. પણ આ બાબત એટલે અંશે શું આવા ગ્રંથોમાં વ્યાપ્ત છે ? કે જેથી આ રીતે રજુ કરવી પડી તે વિચારવું જોઈએ. વળી આ ગ્રંથો તો ઈતિહાસની સાથે-સાથે સંસ્કૃતિ-ભાષા-આચાર-ઉપદેશ વગેરે અનેક વિધાના પૂરક છે.
એમાં ય કેટલાય ગ્રંથો તો કાળની થપાટમાં લુપ્તપ્રાયઃ થઈ ગયા છે.
(૨) લેખવારસો :- શિલાલેખ, તામ્રપત્રશાસનો, સિક્કા, પ્રતિમા વગેરે અનેક રૂપે પ્રાપ્ત વારસો. તે તે કાળ – જનસમુદાય - તેના રીતરિવાજ-કાર્યપ્રણાલિ તેમજ તેમની સંસ્કૃતિનું પ્રતિબિંબિત સ્વરૂપ. એવા ઐતિહાસિક સાધનો કોઈપણ જાતના વિવાદ વિના સર્વે વિદ્વાનો પ્રમાણિક માને છે.
અહીં લેખક શ્રી પાર્થે જણાવ્યું છે કે ‘xxxકિંવદંતી કે અતિશયોક્તિ તેમાં બહુ જ અલ્પ જોવા મળે છે. કૃત્રિમતાનો સંભવ તેમાં કલ્પી શકાતો નથી. આથી જ પુરાતત્ત્વજ્ઞો તેના ઉપર જેટલો વિશ્વાસ રાખે છે તેટલો બીજા ઉપર રાખતા નથીxxx' વળી નષ્ટ થયેલ કે અપ્રાપ્ય હસ્તપ્રતોની તૂટતી કડિઓનો ઈતિહાસ પણ આ સાધનો પૂરી પાડે છે. અહીં પ્રસંગથી લેખવારસાના સાધનોની સામાન્ય સમજણ જોઇશું.