________________
सूते सुमनसां कंचिदामोदं समतालता । यद्वशादाप्नुयुः सख्यसौरभं नित्यवैरिणः ॥९४॥
: અર્થ :
સમતાલતા સારા મનવાળાને કોઈ સુગંધ આપે છે, જે સુગંધના કારણે નિત્ય વૈર રાખનારા પ્રાણીઓ પણ મૈત્રીની સૌરભ પ્રાપ્ત કરે છે.
: વિવેચન :
તમે સારા મનવાળા જો છો, તો સમતા તમારા મનને એવી દિવ્ય સુગંધથી ભરી દેશે કે એ સુગંધના પ્રતાપે નિત્ય વૈરી એવાં પ્રાણીઓમાં પણ મૈત્રીભાવની સૌરભ ઉત્પન્ન થશે. અર્થાત્ વૈરભાવથી ભરેલા જીવો પણ તમારી પાસે આવતાં, મૈત્રીભાવ ધારણ ક૨શે. એમનો વૈરભાવ દૂર થઈ જશે.
પહેલી વાત કરી છે સારા મનની ! તમારું મન સારું છે ? જો મન સારું હશે તો, સ્વચ્છ હશે તો સમતા-લતાની સુગંધ એમાં ભરી શકાશે. સમતા-લતાની સુગંધ એમાં ટકશે ! તમે સુગંધમય બની જશો. તમારા અણુ-અણુમાં સમત્વની સુવાસ પ્રસરી જશે... પછી જે કોઈ તમારા સંપર્કમાં આવશે તેના ઉપર જાદુઈ અસર થશે ! એનામાં રહેલા વૈરવિરોધ નામશેષ બની જશે અને એ પણ મૈત્રીભાવથી છલકાઈ ઉઠશે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે -
दे परिमल समतालता, वचन - अगोचर सार, नित्य वैरी भी ज्यां वसे, लहत प्रेममहकार. જે પશુઓ અને જે મનુષ્યોના મનમાં હંમેશાં વૈરભાવ રહે છે, એવા જીવો પણ, સમત્વભાવથી ઓતપ્રોત બનેલા મહાત્માઓના પરિચયમાં આવતાં, વૈરભાવને ભૂલી જાય છે. તેમનામાં પણ મૈત્રીભાવ પ્રગટે છે. સામ્યભાવનો આ પ્રભાવ જાણીને, મુમુક્ષુ આત્માએ એ સામ્યભાવ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ.
શામ્યશતક
ॐ
૯૫