Book Title: Passportni Pankhe Part 2
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 254
________________ યોસેમિટી ૨૩૦ એક ટેકરા પર એક વૃક્ષ બતાવી એણે કહ્યું, ‘‘આ વૃક્ષને અમે ટેલિસ્કોપ વૃક્ષ કહીએ છીએ, કારણ કે એનું નીચેનું બાકોરું ઠેઠ વૃક્ષની ટોચ સુધી જાય છે, તમે નીચે થડમાં વચ્ચે ઊભા રહી ઊંચી નજર કરો તો થડમાંથી તમને ઉપર આકાશ દેખાશે. તમારામાંથી કોઈને જોવું હોય તો તે જોઈ શકો છો.’’ એ જોવા માટે ઘણા તૈયાર થઈ ગયા, પણ ભોમિયાએ કહ્યું, ‘‘એટલું ધ્યાન રાખજો કે બરાબર એ જ વખતે કોઈક પક્ષી.ઉપરથી ચરકશે તો સીધું તમારા મોઢા પર પડશે. અહીં કેટલીક વાર એવી ઘટના બને છે.'' આ સાંભળતાં જ ઘણાખરા આગળ વધ્યા નહિ. અમે કેટલાક પ્રવાસીઓ ટેલિસ્કોપ સિકોયામાંથી આકારાદર્શન કરી આવ્યા. એક નિરાળો અનુભવ થયો. ભોમિયાએ કહ્યું કે ‘‘આ જંગલમાં કોઈ કોઈ વૃક્ષનાં થડ એટલાં બધાં જાડાં છે કે વર્ષો પહેલાં કોઈકોઈમાં માણસો વચ્ચેથી પસાર થઈ શકે એવાં મોટાં બાકોરાં કરાયાં હતાં. વોશબર્ન નામના બે ભાઈઓએ ગઈ સદીમાં આ વિસ્તારમાં ‘વાવોના' નામની હોટેલ ખરીદી હતી અને પ્રવાસીઓને આકર્ષવા માટે એક મોટા રાક્ષસી કદના વૃક્ષમાં મોટરકાર પસાર થઇ શકે એટલો મોટો બુગદ્દો બનાવ્યો હતો. એ બુગદામાંથી પસાર થતી મોટરકારમાં પોતાનો ફોટો પડાવવા ઘણા પ્રવાસીઓ આવતા. ફોટોગ્રાફરો, ચિત્રકારો, પર્વતારોહકો, શિકારીઓ, સહેલાણીઓ એમ ઘણા પ્રવાસીઓ આવવા લાગતાં યોસેમિટી વિસ્તાર આધુનિક થવા લાગ્યો. પણ જેમ્સ મૂરની ચળવળ પછી આવી ઘણી પ્રવૃત્તિઓ બંધ પડી છે.’’ વળી ભોમિયાએ કહ્યું કે ‘‘પશુપક્ષીઓના શિકાર પર પણ પ્રતિબંધ આવ્યો એટલે એમની વસ્તી ઘટતી અટકી. આ જંગલમાં હવે અઢીસોથી વધુ જંગલી મોટાં કાળાં રીંછ છે.’’ ‘“પણ આપણને તો ક્યાંય દેખાતાં નથી.'' ‘‘દિવસે તો તેઓ સંતાઈને રહે છે. પણ રાતના પોતાના ખોરાક માટે નીકળે છે. માણસ માટેનો ખોરાક તેમને એટલો બધો ભાવે છે કે તે મેળવવા તેઓ ભારે તોફાન મચાવે છે, આક્રમક બની જાય છે. અહીં ફરવા આવનારા પ્રવાસીઓ પાસે કે જંગલમાં તંબૂ તાણીને રહેનારા સાહસિકો પાસે ખાવાનું તો હોય જ, એ મેળવવા રાતને વખતે રીંછો હુમલા કરે છે. ગાડીઓના કાચ તોડીને ખાઈ જાય છે. સત્તાવાળાઓ તરફથી ઠેર ઠેર પોસ્ટર લગાડેલાં હોવા છતાં રોજેરોજ નવા નવા પ્રવાસીઓ આવતા હોવાથી ઘણાંની સરતચૂક થઈ જાય છે. તમારા માન્યામાં નહિ આવે પણ એ હકીકત છે કે દર વર્ષે સરેરાશ ચારસોથી વધુ ગાડીના કાચ રીંછ દ્વારા અડધી રાતે તૂટે છે.'' ભોમિયાનો કાર્યક્રમ પૂરો થયો. એણે અમને જંગલ, વૃક્ષો, પક્ષીઓ વગેરે વિશે ઘણી માહિતી આપી. સૈકાઓ જૂનાં, જાડા રાતા થડવાળાં અતિશય ઊંચાં વૃક્ષોના વનમાં વિહરવાનો અનુભવ કોઈક જુદી જ લાગણી જન્માવી ગયો હતો. સમય થયો હતો એટલે અમે અમારી ગાડીમાં મારિપોસા પાછા આવી પહોંચ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282