Book Title: Passportni Pankhe Part 2
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 274
________________ એજિયન સમુદ્રના ટાપુઓમાં એક પ્રવાસીના હાથ પકડીને ઊભા રહે અને ફોટોગ્રાફર ફોટો પાડી લે. સમગ્ર વાતાવરણ એટલું આવકારભર્યું હતું કે આપણને અજાણયું ન લાગે. બે માળ અને ઉપર ડેકવાળી સુદીર્ઘ, સુંદર, સુશોભિત, સુસજ્જ અને સુવિધાયુક્ત સ્ટીમરમાં યથેચ્છ ફરી શકીએ. પાંચસોથી અધિક પ્રવાસીઓમાં દુનિયાના ઘણા દેશોના નાગરિકો હતા, એટલે માઈક ઉપર જાહેરાત ઇંગ્લિશ, ફેન્ચ અને ગ્રીક ભાષામાં થતી હતી. માઈકની વ્યવસ્થા એટલી સરસ હતી કે ગમે ત્યાં હોઈએ, બધું જ સ્પષ્ટ સંભળાય. સમય થયો એટલે સ્ટીમર ઊપડી. મરિના ફિલસવૉસનો કિનારો છોડી ઉત્તરોત્તર વધતી જતી ગતિએ સ્ટીમર સારોનિક અખાતના જળ પર આગળ વધવા લાગી. પ્રવાસીઓને માઈક ઉપર પ્રવાસની રૂપરેખા સમજાવવામાં આવી અને વ્યવસ્થાની માહિતી અપાઈ. એજિયન સમુદ્રના ટાપુઓ વિશે બોલતાં ગાઈડ યુવતીએ કહ્યું કે, ગ્રીસ અને તુર્કસ્તાન વચ્ચેનો વિશાળ સમુદ્ર તે એજિયન સમુદ્ર. હાલ ગ્રીસમાં મુખ્ય ધર્મ તે ખ્રિસ્તી ધર્મ છે અને તુર્કસ્તાનમાં ઈસ્લામ ધર્મ. ગ્રીસની ગણના યુરોપમાં થાય છે અને તુર્કસ્તાનની એશિયામાં. પરંતુ ખ્રિસ્તી ધર્મ અને ઈસ્લામ ધર્મનો ઉદય નહોતો થયો તે પૂર્વે યુરોપની એક પ્રાચીન વિકસિત સંસ્કૃતિ તે ગ્રીક સંસ્કૃતિ છે. સાડા ત્રણ હજારથી ચાર હજાર વર્ષ પહેલાંની આ વાત છે. આ સાંસ્કૃતિક વિકાસમાં એજિયન સમુદ્રના ટાપુઓનો ઘણો મોટો ફાળો રહેલો છે. એટલે જ ઈતિહાસકારો એજિયન દ્વીપસમૂહને યુરોપીય સંસ્કૃતિની જનની' તરીકે ઓળખાવે છે.' વળી કહ્યું, ‘એજિયન સમુદ્રમાં કિથનોસ (KITHNOS – કિથનાસ, Osનો આસ ઉચ્ચાર પણ થાય છે), સિરોસ, નાકસોસ, સામોસ, મિલોસ, એન્ડ્રોસ, ટિલોસ, થેરા, ડેલોસ, સિફનોસ વગેરે સો કરતાં વધુ ટાપુઓ આવેલા છે. દક્ષિણે કેટે (અથવા ક્રિટ કે ક્રિટી) નામના વિશાળ ટાપુ સુધી એજિયન સમુદ્રની હદ ગણાય છે. દરેક ટાપુનો પોતાનો ઈતિહાસ છે. દરેકની પોતાની કેટલીક લાક્ષણિકતા છે. આ બધા ટાપુઓમાંથી આજે આપણે માત્ર હાઈડ્રા, પોરોસ અને એજિના એ ત્રણ ટાપુઓની જ મુલાકાત લઈશું. બીજા કેટલાક વિશે થોડીક માહિતી આપીશ.' અમારી સ્ટીમરે હવે એકસરખી ગતિ ધારણ કરી લીધી હતી. કિનારો દેખાતો બંધ થયો હતો. ચારેબાજુ સમુદ્રનાં નીલરંગી પાણી પરથી વહેતો શીતળ વાયુ પ્રસન્નતા પ્રેરતો હતો. સમુદ્રના તરંગો ચિત્તમાં આહલાદના તરંગો જન્માવતા હતા. ગાઈડે બીજી ભાષામાં બોલવાનું ચાલુ કર્યું એટલે એ ઘણાને માટે વિરામરૂપ હતું. અમે કેબિનમાંથી બહાર નીકળી ડેક પર ગયાં. તડકો ચાલુ થઈ ગયો હતો એટલે કેટલાંક પ્રવાસીઓએ સ્ટીમર કંપનીએ ભેટ આપેલી છાજલીવાળી સફેદ ટોપી પહેરી લીધી હતી. સ્ટીમરે કાપેલાં પાણી બેય બાજુ હડસેલાતાં જઈ અનુક્રમે શમી જતાં હતાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282