________________
દશમા તીર્થંકર શ્રી શીતલનાથ સ્વામી
પૂર્વ ભવો ઃ પુષ્કરવર દ્વીપાર્ધમાં પૂર્વ વિદેહમાં વજ્ર નામની વિજયમાં સુસીમા નામે મનોહર નગરી છે. ત્યાં પદ્મોત્તર નામે રાજા છે. અનાસક્તિથી રાજ્યનું પાલન કરે છે. કાયમ વૈરાગ્યથી વાસિત રહે છે. એકદા અસ્તાઘ નામનાં આચાર્ય ભગવંતને પામીને રાજ્યત્યાગ કરી દીક્ષા લે છે. નિરતિચાર સંયમપાલન વડે અનેક સ્થાનકોની આરાધના કરી, રાજર્ષિ તીર્થંકર નામકર્મ બાંધે છે. અંતે અનશન કરી સમાધિમરણ મેળવી દશમા પ્રાણત દેવલોકમાં જાય છે. જન્મ : જંબુદ્રીપમાં ભદ્દીલપુર નગરમાં દૃઢરથ નામે રાજા છે, અને નંદા નામે રાણી છે. પ્રાણત કલ્પમાં ૨૦ સાગરોપમની સ્થિતિ સમાપ્ત થયે છતે, જેમ છીપમાં મોતી જન્મ પામે એમ વૈશાખ વદ-૬ (ચૈત્ર વદ-૬) પૂર્વાષાઢા નક્ષત્રમાં તીર્થંકરનાં જીવે માતાના ગર્ભનો આશ્રય લીધો. ચૌદ સ્વપ્નો જોયા...તથા ફળકથન થયું. દેવોએ ચ્યવન કલ્યાણક ઊજવ્યું. ત્રણ લોકમાં
અજવાળા થયા.
મહાવદ-૧૨ (પોષ વદ-૧૨) ના દિવસે પૂર્વાષાઢા નક્ષત્રમાં માતાએ શ્રીવત્સના લંછનવાળાં અને સુવર્ણવર્ણવાળાં પુત્રરત્નને જન્મ આપ્યો. ૫૬ દિકુમારીએ સૂતિકર્મ કર્યું. ૬૪ ઇન્દ્રએ જન્માભિષેક કર્યો. નગરીમાં સઘળે આનંદઆનંદ વર્તાઇ રહ્યો.
નામ સ્થાપન : શીતલ વચન અને શીતલ લેશ્યા (ઓરા)વાળા હોવાથી ભગવાન શીતલનાથ કહેવાયા, આ સામાન્ય કારણ. વિશેષથી ભગવાન ગર્ભમાં હતાં, ત્યારે પિતાને દાહજ્વર થયો હતો. શરીરમાં અગન જલતી હતી. પરંતુ જ્યાં માતાએ હાથથી શરીર પર સ્પર્શ કર્યો ત્યાં દાહજ્વર શાંત થઇ ગયો. આથી ભગવાનનું નામ શીતલનાથ પાડ્યું.
વિવાહ અને રાજ્ય : યોવનનાં ઊંબરે ઉભેલા ભગવાન ખૂબ મનોહર લાગતા હતા. ભોગાવલી કર્મોને ખપાવવા ભગવાને કુલીન કન્યાઓ સાથે વિવાહ કર્યા. જન્મથી પચીસ હજાર પૂર્વ પસાર થયાં પછી પિતાએ સોંપેલો રાજ્યભાર સ્વીકારી, તેનું ૫૦,૦૦૦ પૂર્વ સુધી સુપેરે વહન કર્યું. હવે પ્રભુ વૈરાગ્યમય થયા.
३८
જૈન તીર્થંકર ચરિત્ર