________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત-૧
તેના બીજા ભાઈઓ ઈર્ષ્યાવશ શ્રેણિકને મારી ન નાંખે તેની ખાત્રી શું? પરંતુ શ્રેણિક બુદ્ધિમાન હોવા છતાં પિતાનો પ્રેમ નહિ મળવાથી મનોમન દુઃખી અને વ્યથિત થઈને તેણે ઘર છોડવાનો નિશ્ચય કર્યો. એક દિવસ તે પોતાની યોજના પ્રમાણે ચુપચાપ મહેલમાંથી નીકળીને અન્ય દેશમાં જવા માટે રવાના થયો.
૨૦૨
ચાલતાં ચાલતાં તે બેનાતટ નામના નગરમાં પહોંચ્યો અને કોઈ વ્યાપારીની દુકાને વિસામો લેવા બેઠો. તે વ્યાપારીને પોતાના દુર્ભાગ્યથી ધંધો દરેક પ્રકારે બંધ થઈ ગયો હતો પરંતુ શ્રેણિક એની દુકાને બેઠો કે તરત જ તેણે સંચિત કરેલો માલ બહુ ઊંચા ભાવથી વેચાઈ ગયો. વિદેશથી વ્યાપારીઓ રત્નો લાવ્યા હતા, તે તેને અલ્પ મૂલ્યમાં મળી ગયા. એવો અચિંત્ય લાભ મળવાથી વ્યાપારીએ વિચાર્યું– આજે મને જે લાભ મળ્યો છે તે આ પુણ્યવાન વ્યક્તિના ભાગ્યથી મળ્યો છે. એ મારી દુકાને આવીને બેઠો કે તરત જ મને લાભ મળી ગયો. કોઈ મહાન આત્મા લાગે છે. વળી તે કેટલો સુંદર અને તેજસ્વી દેખાય છે ?
આગલી રાત્રિએ શેઠને સ્વપ્ન આવ્યું હતું કે પોતાની પુત્રીના લગ્ન એક ‘રત્નાકર’ ની સાથે થઈ રહ્યા છે. તે જ દિવસે શ્રેણિક તેની દુકાન પર જઈને બેઠો અને દિવસભર શેઠને પુષ્કળ લાભ થયો તેથી શેઠને લાગ્યું કે આ જ 'રત્નાકર' હશે. મનોમન પ્રમુદિત થઈને વ્યાપારીએ શ્રેણિકને પૂછ્યું- આપ અહીં કોના ઘરમાં અતિથિ બનીને આવ્યા છો ?
શ્રેણિકે વિનમ્રભાવે મીઠી ભાષામાં કહ્યું– શ્રીમાન્ ! હું આપનો જ અતિથિ છું. એવો મીઠો અને આત્મીયતાપૂર્ણ ઉત્તર સાંભળીને શેઠનું હૃદય પ્રફુલ્લિત થઈ ગયું. તે બહુ જ પ્રેમથી શ્રેણિકને પોતાના ઘરે લઈ ગયો અને ઉત્તમોત્તમ વસ્ત્ર તેમજ ભોજન આદિથી તેનો સત્કાર કર્યો. તેણે પોતાના ઘરે જ રહેવાનું શ્રેણિકને કહ્યું. શ્રેણિકને તો ત્યાં જ રહેવાનું હતું એટલે તે આનંદપૂર્વક રહેવા લાગ્યો. શ્રેણિકના પુણ્યથી શેઠની સંપત્તિમાં દિન પ્રતિદિન વૃદ્ધિ થવા લાગી, તેથી શેઠની પ્રતિષ્ઠા વધી ગઈ. આ રીતે કેટલાક દિવસો વ્યતીત થઈ ગયા.
શેઠે ધીરે ધીરે વાતચીત કરીને પોતાની પુત્રી નંદાના લગ્ન શુભદિવસે અને શુભ મુહૂર્તો શ્રેણિકની સાથે કરી આપ્યા. શ્રેણિક સ્વસુરગૃહે પોતાની પત્નીની સાથે રહેવા લાગ્યા. થોડા સમય બાદ નંદાદેવી ગર્ભવતી બની અને યથાવિધિ ગર્ભનું પાલન પોષણ
કરવા લાગી.
બીજી બાજુ રાજકુમાર શ્રેણિક કહ્યા વગર ચાલ્યા ગયા હોવાથી રાજા પ્રસેનજિત બહુ ચિંતાગ્રસ્ત બની ગયા. તેણે ચારે દિશામાં શ્રેણિકની શોધ કરવા માટે માણસોને મોકલ્યા. થોડા દિવસ બાદ શોધ કરતાં કરતાં થોડાક માણસો બેનાતટ આવ્યા. ત્યાં પહોંચતા તેઓને શ્રેણિકની ખબર મળતાં તેઓ શ્રેણિક પાસે પહોંચી ગયા અને શ્રેણિકને પ્રાર્થના કરી કે મહારાજા આપના વિયોગથી બહુ જ દુ:ખી છે, કૃપા કરીને આપ શીઘ્ર રાજગૃહ પધારો. શ્રેણિકે રાજપુરુષોની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો અને રાજગૃહ જવા માટે નિશ્ચય કર્યો. પોતાની પત્ની નંદાને વાકેફ કરી, તેની સંમતિ લઈને પોતાનો વિસ્તૃત પરિચય લખીને આપ્યો, પછી તેમણે રાજગૃહ તરફ પ્રસ્થાન કર્યું. રાજગૃહ પહોંચતા પ્રસેનજિત રાજાએ શ્રેણિકને રાજ્યપદ આપ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org