________________
પથિક અને પથ, બંને પ્રભુ જ
પ્રભુના સાધના જીવનને આંખ સામે રાખીએ તો આપણને પ્રભુમાં ‘પથિક'ના દર્શન થાય. જ્ઞાન, દર્શન અને ચારિત્રની એમની જ્વલંત સાધના જોતાં આંખોમાં આશ્ચર્યના અને અહોભાવનાં આંસુ આવી જાય. પરંતુ કેવળજ્ઞાન પામ્યા પછી તીર્થની સ્થાપના કરતાં પ્રભુને આપણે આંખ સામે લાવીએ તો આપણને એમાં ‘પથ’નાં દર્શન થાય. બસ, એમને આપણે પકડી રાખીએ, મંજિલે આપણે પહોંચીને જ રહીએ.
કેવું સદ્ભાગ્ય છે આપણું ? પથિક અને પથ,
બંનેનાં સ્વરૂપમાં આપણને પ્રભુ જ મળી
ગયા. હવે આપણે બીજે-ત્રીજે ક્યાંય ભટકવાની જરૂર ખરી?
મન : જેની પાસે આપણે સૌથી વધુ જઈએ છીએ...
આપણી પાસે સૌથી વધુ કોણ આવે છે ? સહવર્તી મિત્ર મુનિવરો ? ભક્ત શ્રાવકો ? ના. આપણે સૌથી વધુ નજીક કોની પાસે જઈએ છીએ ? પ્રભુ પાસે ? ગુરુદેવ પાસે? સહવર્તી મુનિવરો પાસે ? ના. એક ‘મન’ જ એવું છે કે જે આપણી પાસે સૌથી વધુ આવે છે અને જેની પાસે આપણે સૌથી વધુ જઈએ છીએ. જવાબ આપો. આ મન આપણે કેવું રાખ્યું
છે? સુ-મન ? કે પછી દુશ્મન ? સમાધિમસ્ત?
કે પછી સંક્લેશગ્રસ્ત ?