________________
ગુરને જ નહીં, ગુરૂકુળવાસને પણ પરણે એ મુમુક્ષુ
સંસારક્ષેત્રમાં લગ્ન કરીને સાસરે જઈ રહેલ કન્યા માટે એમ કહેવાય છે કે કન્યા એકલા વરને જ નથી પરણતી, ઘરને પણ પરણે છે.
સંસારત્યાગ કરીને સંયમ માર્ગે જનાર મુમુક્ષુ માટે એમ કહી શકાય કે મુમુક્ષુ માત્ર ગુરુને જ નથી પરણતો, ગુરુકુલવાસને પણ પરણતો હોય છે..
આનો અર્થ ? આ જ કે આપણે માત્ર ગુરુદેવને જ નથી સાચવવાના, સહવર્તીખોને પણ સાચવવાના છે. ગુરુદેવની ભક્તિ કરતાં રહીને જ આપણે સંતુષ્ટનથી થઈ જવાનું, સહવર્તીઓની પણ આપણે ભક્તિ કરતા રહેવાનું છે. ગુરુદેવના દિલને જ આપણે દુભવવાનું નથી એમ નહીં પણ એક પણ મુનિ ભગવંતના દિલને આપણે દુભવવાનું નથી.
જવાબ આપો. આપણાં લગ્ન સંયમ સાથે જ થયા છે કે સંઘ સાથે પણ થયા છે ? ગુરુદેવ જ આપણા આરાધ્ય છે કે સહવર્તીઓ પણ?
એવી નાની જીતથી બચતા રહેજો... આ તો સંયમજીવન છે. આપણી છદ્મસ્થતા અન્યની છદ્મસ્થતા સાથે અવારનવાર ટકરાતી રહે એ ય અહીં સંભવિત છે તો આપણા આગ્રહો પર અન્યના આગ્રહો થોપાતાં રહે એ ય અહીં સંભવિત છે. આવા પ્રસંગોમાં આપણે અભિગમ કયો અપનાવવો ? આ રહ્યો એનો જવાબ. એવી નાની નાની જીતથી બચતા રહેવું કે જે અંતમાં મોટીહારમાં પરિણમી જતી હોય. ક્રોધ કરીને સામાને
દબાવી દેવામાં સફળતા તો મળી ગઈ પરંતુ એની સાથેના સંબંધમાં કડવાશ
ઊભી થઈ ગઈ એનું શું ? મનને આનંદિત કરી દેતા ગોચરીનાં દ્રવ્યો ઉપલબ્ધ તો થઈ ગયા પરંતુ આહારસંશાના અનાદિના સંસ્કારો પુષ્ટ થઈ ગયા એનું શું? શું કહું ? સંભૂતિ મુનિ નિયાણા દ્વારા ચક્રવર્તીના સ્ત્રી રત્નને પામી તો ગયા પરંતુ અંતે સાતમી નરકમાં રવાના થઈ ગયા છે એ યાદ તો છે ને?