Book Title: Lala Amarnath Author(s): Kumarpal Desai Publisher: Balbharti Pustak Shreni View full book textPage 3
________________ મનોગત સારાં પુસ્તકોનો સંગાથ બાળકોને મળી રહે એ જોવાની એષણા માબાપ સમેત સૌને હોય એ સહજ છે. એવો સંગાથ રચીને બાલજગતમાં અમે એક શિક્ષણ અને સંસ્કારની પરબ માંડી છે. એ પરબ એટલે જ બાલભારતી પુસ્તકશ્રેણી. કલ્પનાલોકમાં વિહરવાનું બાળકિશોરોને સહજ આકર્ષણ રહે છે. આ કલ્પનાવિહારની સાથોસાથ તેજસ્વી જીવનની પ્રેરણા પણ મળે એવું વાચન જીવનઘડતર માટે એટલું જ જરૂરી છે. હજારો વર્ષોના આપણા રાષ્ટ્રીય ઇતિહાસનાં પાત્રોના જીવનપ્રસંગોમાં શિક્ષણ અને સંસ્કાર પૂરાં પાડે એવી અપાર વાતો પડેલી છે. ઊગતી અને ઊછરતી પેઢીને આવું પ્રેરણાદાયી સાહિત્ય સહજ, બાલભોગ્ય, રોચક શૈલીમાં મળી રહે એવા હેતુથી બાલભારતી ટ્રસ્ટે આ પુસ્તકશ્રેણી દ્વારા આપણા રાષ્ટ્રજીવનનાં તેજસ્વી ચરિત્રોને બાળકો સમક્ષ મૂક્યાં છે. આપણા રાષ્ટ્રજીવનમાં ઝળહળી રહેલાં શૂરવીરો અને મુત્સદ્દીઓ, સંતો અને સાધુઓ, વીરાંગનાઓ અને વીર પુત્રો, વિજેતાઓ અને ક્રાંતિકારીઓ, કલાકારો, લેખકો, વિજ્ઞાનીઓ અને રમતવીરોને પુસ્તકશ્રેણીમાં સમાવી લેવાનો અમારો પ્રયાસ છે. ઊજળા ભવિષ્યનું સપનું આંખોમાં સજાવી ઉચ્ચ કલ્પનાશીલતા, વિજયી તેજસ્વિતા અને પ્રેરણાનો પુંજ બાળકોને પ્રાપ્ત થાય એવી અમારી મનોકામના છે. પુસ્તકશ્રેણીની માગ વર્ષોવર્ષ વધતી જ રહી છે એ બાલભારતી ટ્રસ્ટ માટે હર્ષજનક છે. અત્યાર સુધી પ્રસિદ્ધ કરાયેલી ૫૪ પુસ્તિકાઓને ભારે આવકાર સાંપડ્યો છે. એની પાંચેક લાખ નકલો ખપી ગઈ છે. શાળાઓ, પુસ્તકાલયો અને પરિવારોમાં એને ઉમંગપૂર્વક વધાવી લેવામાં આવી છે. બાળ-કિશોરનાં જીવન વિવિધ જીવનમૂલ્યોથી સભર બની રહે અને સ્વસ્થ બાળમન થકી સ્વસ્થ સમાજઘડતરમાં આપણે સૌ સહભાગી બનીએ એવી કામના છે. દૂરદર્શન, કૅસેટો, કૉમિક્સ અને પરીકથાઓની ધૂમ વચ્ચે હવે સાહિત્યનો સંગ અને રંગ ભાગ્યે જ જામતો હોય છે. પરીક્ષાલક્ષી અને ચીલાચાલુ વાચન ઘડીક બાજુએ મૂકી બાલભારતી પુસ્તકશ્રેણીની પુસ્તિકાઓનો સંગાથ બાળકોને કરાવી આપો. બાળકો માટે તે ચોક્કસપણે ઉત્તમ ભેટ બની રહેશે એની અમને શ્રદ્ધા છે. – સંપાદકPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20