Book Title: Lala Amarnath Author(s): Kumarpal Desai Publisher: Balbharti Pustak Shreni View full book textPage 8
________________ લાલા અમરનાથ લાલા અમરનાથ વિવાદોનો વંટોળ જાગ્યો, સામસામા આરોપો થયા. ભારતીય ટીમના મેનેજર એમને પાછા લેવા સહેજે તૈયાર ન હતા. અમરનાથને એક સામાન્ય ભૂલ માટે સખત સજા કરવામાં આવી. એ જમાનાનું ભારતીય ક્રિકેટ રાજા કે યુવરાજના મનસ્વી તરંગો પર નાચતું હતું. ક્રિકેટની પૂરી જાણકારી વિના સુકાની બનેલા વિજયનગરના મહારાજા બૅટિંગ ઑર્ડર કે ગોલંદાજી આપવામાં મન ફાવે તેમ વર્તતા હતા. એક વાર અમરનાથને ચોથા ક્રમે મોકલવાની વાત નક્કી થઈ, પણ ચોથા ક્રમે અમરનાથને બદલે અમરસિંહને રમવા મેદાન પર મોકલ્યા ! અમરનાથે સુકાનીને પૂછ્યું, ‘મારે ક્યારે રમવા જવાનું છે ?” સુકાનીએ જવાબ આપ્યો કે, ‘તે વિશે એ કશું કહી શકે તેમ નથી.' અમરનાથને છેક સાતમા ક્રમે મોકલવામાં આવ્યા ! લાંબા સમય સુધી પેડ પહેરીને પેવેલિયનમાં બેસી રહેતાં કંટાળેલા અમરનાથ પેવેલિયનમાં પાછા આવ્યા ત્યારે એક ખૂણામાં બૅટ ફેંકીને પંજાબીમાં તેમના મિત્રને ગુસ્સાભર્યા અવાજે કંઈક કહ્યું : પણ એમણે કોઈનું નામ દીધું ન હતું. પ્રથમ કક્ષાના ક્રિકેટમાં ડ્રેસિંગરૂમમાં ઘણી વાર ખેલાડી મિજાજ ગુમાવતાં આવું બોલી બેસે છે, પરંતુ એ બાબતને આટલા બધા ગંભીર સ્વરૂપે લેવામાં આવતી નથી. આ આરોપ હેઠળ અમરનાથને ઇંગ્લેન્ડના પ્રવાસમાંથી ભારત પાછા મોકલવાનાં પગલાં પછી વર્તમાનપત્રોમાં કેટલાંય નિવેદનો થયાં, ચર્ચાઓ જાગી, મુંબઈની મુખ્ય અદાલતના ન્યાયમૂર્તિ સર જહોન બોઉમોન્ટની એક સભ્યની તપાસ સમિતિ રચવામાં આવી અને અમરનાથ પર થયેલા આરોપોમાં એમને નિર્દોષ ઠેરવવામાં આવ્યા. ૧૯૩૬ની ૨૭મી જુલાઈએ લૉર્ઝના મેદાન પર ભારતીય ટીમ પ્રથમ ટેસ્ટ માટે સજ્જ થઈ તે વેળાએ ભારતના એક સમર્થ ઑલરાઉન્ડર લાલા અમરનાથ એકલવાયા, નિરાશ ચિત્તે સ્વદેશ પાછા ફરી રહ્યા હતા. આ પછી તો નિમાયેલી કમિટીએ ઇંગ્લેન્ડના પ્રવાસ વખતે અમરનાથની બાબતમાં અધિકારીઓએ ‘સખતાઈ’ બતાવી તેમ જાહેર કર્યું. ૧૯૩૭માં ‘વિસડન'માં પણ આને ‘આકરું પગલું’ ગણવામાં આવ્યું. દસ વર્ષ પછી સર ડોનાલ્ડ બ્રેડમેન અને વોલ્ટર હંમંડે પોતાનાં પુસ્તકોમાં માત્ર સુકાની કે ક્રિકેટર તરીકે જ નહીં, પણ એક માનવી તરીકે અમરનાથની પ્રશંસા કરી. એક કૂટપ્રશ્ન એ છે કે અમરનાથ બૅટિંગ અને બૉલિંગમાં પોતાની પરાકાષ્ઠા દાખવી રહ્યા હતા. તેથી એ જો આ ટેસ્ટ શ્રેણીમાં ખેલ્યા હોત તો માત્ર ભારતના જ નહીં, પણ જગતના ઉત્કૃષ્ટ ક્રિકેટર સાબિત થઈ ચૂક્યા હોત !Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20