________________
કેરીના વૃક્ષ પાસેથી જમરૂખની અપેક્ષા નહીં રાખતો માણસ, નદી પાસેથી દૂધની અપેક્ષા નહીં રાખતો માણસ, કાપડની દુકાનમાં ઘરેણાંની અપેક્ષા નહીં રાખતો માણસ, વાસણ બજારમાં ઘઉં-ચોખાની અપેક્ષા નહીં રાખતો માણસ અને ગાય પાસેથી દહીં મળી જવાની અપેક્ષા નહીં રાખતો માણસ જ્યારે એક જ વ્યક્તિમાં નમ્રતા-સરળતા-પરોપકાર-તપ-ત્યાગ વગેરે તમામ ગુણોની અપેક્ષા રાખે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
૩૪
વાતાવરણમાં વાવાઝોડું ફૂંકાયું હોય છે અને એના કારણે ધૂળની ડમરીઓ ચડી હોય છે ત્યારે ડાહ્યો માણસ પોતાના ઘરને ધૂળથી વ્યાપ્ત થતું બચાવી લેવા વાવાઝોડાને ગાળ દેવા નથી લાગતો પણ પોતાના ઘરનાં બારી-બારણાં જ બંધ કરી દઈને ઘરમાં થતાં ધૂળ પ્રવેશને અટકાવી દે છે. ચારે ય બાજુ ફેલાયેલ વિલાસના વાયરાની અસરથી મુક્ત રહેવા જાત પર નિયંત્રણો મૂકી દેવાને બદલે માણસ જ્યારે વિલાસી વાયરાને જ ગાળો દેતો ફરે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
માણસ બદામ ખાય અને છતાં એનાં મોઢા પર ચમક ન આવે એ બનતું હોય છે તો ય એમાં કાંઈ નવાઈ નથી લાગતી. ભિખારી કરોડપતિ બની જાય અને છતાં એની રહેણી-કરણીમાં કોઈ ફરક જોવા નથી મળતો તો એમાંય મનમાં કોઈ આશ્ચર્યનો ભાવ પેદા નથી થતો; પરંતુ વરસોથી જેના જીવનમાં ધર્મારાધનાઓ પુષ્કળ પ્રમાણમાં ચાલુ છે એના સ્વભાવમાં કે વ્યવહારમાં કોઈ સમ્યક્ પરિવર્તન જોવા જ્યારે નથી મળતું ત્યારે તો સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
-