________________
માણસ પુષ્પની સુવાસને આંખના માધ્યમે પડકારવા નથી જતો. કેરીના સ્વાદને કાન દ્વારા અનુભવવા નથી જતો. સ્પર્શની અનુભૂતિ માટે નાકને કામે નથી લગાડતો. શબ્દશ્રવણ માટે જીભને આગળ નથી ધરતો પરંતુ ધર્મને અને સત્યને સમજવા કે અનુભવવા ડગલે ને પગલે જ્યારે તર્કને જ આગળ ધરતો રહે છે, પોતાની બુદ્ધિને જ કામે લગાડતો રહે છે ત્યારે એ જોઈને સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
હીટલરના અસ્તિત્વ અંગે માણસના મનમાં કોઈ જ શંકા નથી. ચંગીઝખાનની વિદ્યમાનતા અંગે પણ માણસનું મન કોઈ દ્વિઘામાં નથી. કંસ અને રાવણ થઈ ગયા જ હતા એ સ્વીકારી લેવામાં એને કોઈ જ હિચકિચાટ નથી. દુર્યોધનના હોવા અંગે પણ એને કોઈ વાંધો કે શંકા નથી પરંતુ ‘રામ'ની જ્યારે વાત આવે છે ત્યારે એનું મન પ્રશ્ન ઉઠાવવા લાગે છે કે ખરેખર રામ થઈ ગયા હશે ખરા?' માણસની આ મનોવૃત્તિ જોતાં સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
૭૪
પૈસાની ભીખ માગતા માણસને “ભિખારી’ કહેવા મન તૈયાર થઈ જાય છે. રોટલાની ભીખ માગતા માણસને ‘ભિખારી’ માની લેવામાં મન પળભરની વાર લગાડતું નથી. મતની ભીખ માગતા રાજનેતાઓને ય “ભિખારી’ માની લેવા મન એક વાર તો તૈયાર થઈ જાય જ છે; પરંતુ સામી વ્યક્તિના અભિપ્રાયોની સતત ભીખ માગતું રહેતું મન જ્યારે ખુદને ભિખારી માનવાનો ઈન્કાર કરી બેસે છે ત્યારે એ જોઈને સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
૭૫