________________
શાકમાં જે શાક સડેલું હોય છે એ શાક માણસ છોડી દે છે. કેરીમાં જે કેરી સડેલી હોય છે એ કેરી માણસ દુર રાખી દે છે. ફર્નિચરમાં જે ફર્નિચર બેકાર હોય છે એ ફર્નિચર માણસ એક બાજુ રાખી દે છે. અરે, રૂપિયાની નોટોમાં જે રૂપિયાની નોટ ખોટી હોય છે એને સ્વીકારવાની માણસ ના પાડી દે છે; પરંતુ પોતાની થતી પ્રશંસામાં કેટલાક શબ્દો ખોટા હોવાનું જાણવા છતાં એ શબ્દોને માણસ સ્વીકારી જ લે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
કચરામાં પડેલી સોની નોટ ઉઠાવી લેવામાં માણસને કોઈ જ જાતનો સંકોચ થતો નથી, ઉકરડે ઊગેલા ગુલાબના પુષ્પને હાથમાં લઈ લેવામાં માણસને કોઈ શરમ નડતી નથી, બગડી ચૂકેલ અનાજ વચ્ચે રહેલ સારા અનાજને ખરીદી લેતાં માણસને કોઈ જાતનો વાંધો આવતો નથી; પરંતુ પોતાની થઈ રહેલ ટીકામાં કે નિંદામાં કેટલીક વાતો સાચી હોવાનું જાણવા છતાં માણસ જ્યારે એનો સ્વીકાર કરવા તૈયાર થતો નથી ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
૬૫
દવા લેવાની સાથે કાશ્મનો ત્યાગ કરવો જ જોઈએ એ સ્વીકારવા માણસ તૈયાર છે, સાર્થકની દિશામાં આગળ વધવું હોય તો વ્યર્થની દિશામાં કદમ માંડવાના બંધ કરવા જ જોઈએ એનીય માણસને સમજ છે, પૈસા બનાવવા હોય તો ગુંડાઓ સાથે હરવા-ફરવાનું બંધ કરવું જ જોઈએ એની ય માણસ પાસે અક્કલ છે; પરંતુ આત્મદ્રવ્યને જો શુદ્ધ બનાવવું છે તો ધર્મસેવનની સાથે પાપત્યાગ પણ કરવો જ જોઈએ એ સમજ માણસ પાસે જ્યારે જોવા નથી મળતી ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.