________________
૨૦. શ્રી અભયદેવસૂરિ
જૈન આગમોમાંથી નવ આગમો પર સંસ્કૃત ટીકાઓ રચીને નવાંગી વૃત્તિકાર તરીકે પ્રસિદ્ધ શ્રી અભયદેવસૂરિજીએ અનેક ગ્રંથોની રચના કરી. એમણે ‘જ્ઞાતા ધર્મકથા’, ‘સ્થાનાંગ’, ‘સમવાયાંગ’, ‘ભગવતી’, ‘ઉપાસકદશા’, ‘અંતકૃદ્ દશા’, ‘પ્રશ્નવ્યાકરણ’જેવાં આગમનાં નવ અંગો પર ટીકા રચી. જૈન આગમસાહિત્યના ગૂઢાર્થને સમજવા માટે શ્રી અભયદેવસૂરિજીની ટીકાઓ ચાવીરૂપ છે. આ ટીકાઓ સંક્ષિપ્ત અને શબ્દાર્થપ્રધાન હોવાની સાથે એમાં અનેક વિષયોનું નિરૂપણ મળે છે. આ રીતે જિનઆગમોની શુદ્ધ પરંપરા ચિરકાળ સુધી અખંડ રહે, તે માટે ગ્રંથરચના કરનારા આચાર્યોમાં અભયદેવસૂરિજીનું નામ પ્રથમ પંક્તિમાં બિરાજે છે.
આચાર્યશ્રી અભયદેવસૂરિનો જન્મ વૈશ્ય પરિવારમાં વીરનિર્વાણ સં. ૧૫૪૨(વિ. સં. ૧૦૭૨)માં થયો. માલવદેશની વિખ્યાત ધારાનગરીમાં મહિધર શેઠ અને ધનદેવી માતાની કૂખે જન્મેલા આ બાળકનું નામ અભયકુમાર રાખવામાં આવ્યું. ધારાનગરીમાં એક વખત શ્રી જિનેશ્વરસૂરિ અને શ્રી બુદ્ધિસાગરસૂરિ પધાર્યા હતા, ત્યારે એમનું વ્યાખ્યાન સાંભળતાં અભયકુમારને વૈરાગ્યનો રંગ લાગ્યો. માતા-પિતાની આજ્ઞા લઈને એમણે શ્રી જિનેશ્વરસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી. નાની વયે જ એમણે આગમ સાહિત્યનો અભ્યાસ શરૂ કર્યો અને સમય જતાં તેઓ આચાર્ય પદથી અલંકૃત બન્યા.
એમ કહેવાય છે કે એક રાત્રે આચાર્ય અભયદેવસૂરિ ધ્યાનમાં લીન હતા, ત્યારે શાસનદેવી એમની સમક્ષ પ્રગટ થયાં. શાસનદેવીએ કહ્યું કે ‘આચારાંગ’ અને ‘સૂત્રકૃતાંગ' આગમોની ટીકાઓ સુરક્ષિત છે, પરંતુ અન્ય ટીકાઓ કાળના પ્રવાહમાં લુપ્ત થઈ ગઈ છે. એ ક્ષતિને દૂર કરવા માટે તમે શ્રીસંઘનું હિત સાધવા પ્રયત્નશીલ બનો.
આચાર્ય અભયદેવસૂરિએ આ મહાન કાર્ય સ્વીકાર્યું. નિરંતર આયંબિલ તપ કરીને ગ્રંથરચનાની શરૂઆત કરી. લાંબા પરિશ્રમ બાદ તેઓએ અંગ-આગમ પર ટીકાગ્રંથો રચ્યા. સતત આયંબિલ તપ હોવાથી અને રાતોની રાત જાગ્યા હોવાથી તેઓને કોઢ જેવો રોગ ઉત્પન્ન થયો. આને પરિણામે એમના વિરોધીઓએ એવી વાત ફેલાવી કે શાસ્ત્રોનું ખોટી રીતે અર્થઘટન કરવા માટે એટલે કે ઉત્સૂત્ર-પ્રરૂપણાને કારણે શાસનદેવીએ ઠંડરૂપે એમને આ રોગફળ આપ્યું છે.
આચાર્ય અભયદેવસૂરિએ રાત્રિના સમયે શાસનરક્ષક ધરણેન્દ્રનું સ્મરણ કર્યું અને જાગૃત આચાર્યએ પ્રગટ થયેલા ધરણેન્દ્રને કહ્યું, “હે દેવરાજ ! મને મૃત્યુનો લેશમાત્ર ભય નથી, પરંતુ મારા રોગને કારણરૂપ બનાવીને નિંદાખોર લોકો દ્વારા ફેલાવવામાં આવતી સંઘની નિંદા મારાથી સહન થતી નથી. આથી મેં અનશન લઈને દેહત્યાગ કરવાનું વિચાર્યું છે.”
શાસનરક્ષક ધરણેન્દ્રએ તેઓ નિર્દોષ હોવાની ખાતરી આપીને જરૂરી માર્ગદર્શન આપ્યું. અભયદેવસૂરિ ધરણેન્દ્રના કહેવા મુજબ શ્રાવકસંઘની સાથે સ્થંભનગ્રામમાં સેઢી નદીના કિનારે આવ્યા. અહીં એક ગોવાળની ગાયનું દૂધ આપોઆપ જ એક જ સ્થળે વહેતું હતું. એ સ્થાનને આચાર્યશ્રીએ શોધી કાઢવું અને ‘જયતિહુઅણ' નામના બત્રીસ શ્લોકનું સ્તોત્ર રચ્યું. આ સ્તોત્રરચનાથી શ્રી સ્થંભન પાર્શ્વનાથની નીલરત્નમય પ્રાચીન પ્રતિમા ધરતીમાંથી પ્રગટ થઈ. શ્રીસંઘે વિધિપૂર્વક એનું સ્નાત્ર કર્યું અને એ સ્નાત્રજળ અભયદેવસૂરિજીના અંગ પર લગાવવામાં આવતાં જ એમનો રોગ નષ્ટ થઈ ગયો. આચાર્યશ્રી પુનઃ સ્વસ્થ બની ગયા. આજે પણ ખંભાતના જિનાલયમાં શ્રી સ્થંભન પાર્શ્વનાથની એ પ્રતિમા બિરાજમાન છે.
આ પછી આચાર્યશ્રીએ નવાંગી ટીકાની રચનાનું કાર્ય પૂર્ણ કર્યું. ગહન આગમગ્રંથોની સુગમ વ્યાખ્યાઓ અને સરળ સમજણ ઉપલબ્ધ થઈ. શ્રીસંઘ પર આચાર્યશ્રીએ મહાન ઉપકાર કર્યો. એવી કથા છે કે શાસનદેવે આચાર્ય અભયદેવસૂરિને એક દિવ્ય આભૂષણ આપ્યું હતું. એની પ્રાપ્ત કિંમતની ૨કમમાંથી આ નવાંગી ટીકાની પ્રતિલિપિઓ લખાવવાનું કામ કરવામાં આવ્યું. ટીકા સાહિત્યની આ પ્રતિલિપિઓ એ સમયના મુખ્ય મુખ્ય આચાર્યોને પહોંચાડવામાં આવી. ગુજરાતના કપડવંજ ગામમાં આચાર્યશ્રી કાળધર્મ પામ્યા. આજે પણ કપડવંજના તપગચ્છ ઉપાશ્રયમાં નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિની સમાધિ મોજૂદ છે.
ધર્મસ્નેહસૌજન્ય
પૂ. મુનિ શ્રી પ્રસન્નચંદ્ર વિ. મ. તથા શ્રી બાબુભાઈ ચીમનલાલ સંઘવીના શ્રેયાર્થે; મુનિ સંવેગચંદ્ર, નિર્વેદચંદ્ર વિ., સા. શ્રી યશસ્વિની, શ્રી ઉપશાંતશ્રીજીના ઉપદેશથી; જશવંતીબહેન બાબુભાઈ સંઘવી સહપરિવાર (સુરત).
હાલ મુંબઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainellbrary.org