________________
૯૭. બાલારામા
પાંડિત્ય, વીરત્વ અને ધર્મભાવનાથી શોભતી નગરી ઉજ્જૈનીની નજીક આવેલા એક નાનકડા ગામમાં બાલાશા નામનો ધર્મનિષ્ઠ જુવાન વસતો હતો. આ યુવાનની માતૃભક્તિ ઉદાહરણીય ગણાતી. તે ઘરકામમાં માતાને સાથ આપતો અને ધર્મયાત્રામાં એની સાથે જતો. એક વાર બાલાશા ઉજ્જૈની નગરીમાં ગયો. આ નગરીમાં મોટી-મોટી દુકાનો આવેલી હતી અને તેમાં અનેક ચીજ-વસ્તુઓ વેચાતી હતી. બાલાશાએ વિચાર્યું કે એની માતા જમીન પર સૂએ છે તે બરાબર નહિ, આથી એણે પલંગ ખરીદ્યો.
પલંગ લઈને બાલાશા ઘેર આવ્યો. એણે એની માતાને વાત કરી. બાલાશાની માતા પુત્રની માતૃભક્તિ જોઈને પ્રસન્ન થઈ ગઈ, પરંતુ સાથોસાથ ખડખડાટ હસી પડી. એણે બાલાશાને કહ્યું, “આપણું ઘર નાનું છે. એમાં આટલો મોટો પલંગ કઈ રીતે રહેશે ?’ માતાની વાત સાંભળીને બાલાશા પણ વિચારમાં પડ્યો. બાલાશાની માતાએ કહ્યું કે આ પલંગના ચારે પાયા ખોલી નાખ તો જ એ ઘરમાં જશે.
માતાની આજ્ઞા મુજબ બાલાશાએ પલંગ ખોલી નાખ્યો તો પલંગના ચારે પાયામાંથી હીરાનો ઢગલો થયો. બાલાશાને અણધારી રીતે કીમતી હીરાઓ મળ્યા. માતા અને પુત્રએ ધાર્યું હોત તો ભવ્ય મહેલ જેવું મકાન બનાવીને આનંદ-પ્રમોદથી રહી શક્યા હોત, પરંતુ અઢળક ધનથી જીવનમાં કશો ફેર ન પડ્યો. અગાઉની જેમ સાદાઈથી જ રહેવા લાગ્યાં. બાલાશાની માતાને શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરવાની અને તીર્થાધિરાજ આદિનાથ પ્રભુનાં દર્શન કરવાની ભાવના જાગી. પાવન ગિરિરાજનાં દર્શન, સ્પર્શન અને પૂજન કરીને સ્વજીવનને ધન્ય બનાવવાનો વિચાર જાગ્યો.
એવામાં બાલાશામાતાને જાણ થઈ કે સમરાશા છ’રી પાળતો સંઘ લઈને શ્રી શત્રુંજય તીર્થની યાત્રાએ જઈ રહ્યા છે. છ'રી પાળતા સંઘમાં જવું એ તો મહાભાગ્ય કહેવાય. માતાએ પુત્રને વાત કરી અને બાલાશા પોતાની માતાને લઈને સમરાશાના સંઘમાં શ્રી શત્રુંજય તીર્થમાં આવી પહોંચ્યો.
સવારે સૌથી પહેલાં બંનેએ નવરત્નોથી પ્રભુપૂજા કરી. બીજે દિવસે અઢાર રત્નોની બોલી બોલીને માતા અને પુત્ર ગિરિરાજ પરથી તળેટીમાં આવ્યાં. બીજી બાજુ સંધપતિ સમરાશા પહેલી પૂજાનો લાભ મેળવી શક્યા નહીં તેથી લાભ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એમણે ઉપવાસ કરવાનો નિયમ લીધો. બીજે દિવસે પણ આટલી મોટી બોલી થવાથી સમરાશાએ બીજા દિવસે પણ ઉપવાસ કર્યો. જ્યારે બાલાશા અને એની માતાએ જાણ્યું કે આવો સંઘ કાઢનારા સંઘવી સમરાશા પહેલી પૂજાનો લાભ લેવા માગે છે. ૐળી એ લાભ ન મળે ત્યાં સુધી એમણે ઉપવાસ કરવાનો નિયમ લીધો છે. સમરાશાના સંઘમાં આવનાર બાલાશા અને એમની માતા વિચારમાં પડ્યાં. એમણે જોયું કે સમરાશા જેવા ધર્મનિષ્ઠ સંઘવીની ભાવના સિદ્ધ થવી જોઈએ. પહેલી પૂજાનો લાભ એમને મળવો જોઈએ, આથી માતા અને પુત્ર બંને બીજે દિવસે સાંજે સમરાશાને મળવા ગયાં. ત્રીજે દિવસે પહેલી પૂજા કરવા માટે એમણે સમરાશાને છત્રીસ રત્નો આપ્યાં, એટલું જ નહીં પણ બાલાશાની માતાએ પોતાને હાથે સંઘવી સમરાશાને પારણું કરાવ્યું.
બાલાશા પાસે હજી અઢળક સમૃદ્ધિ હતી. એમણે શ્રી શત્રુંજય તીર્થ ૫૨ ભવ્ય એવી બાલાશાની ટૂંક બંધાવી. આ ટૂંકમાં શ્રી આદીશ્વર ભગવાનનું ભવ્ય જિનાલય બંધાવ્યું અને આ ટૂંક ‘બાલાભાઈની ટૂંક' કે ‘બાલાવસહી’ તરીકે ઓળખાઈ. આ બાલાશાની ટૂંકમાં આજે ૨૭૦ પાષાણબિંબ છે, ૪૫૮ ધાતુનાં બિંબ છે અને તેર જેટલી દેરીઓ છે. માતાના સંસ્કારો કેવા ઉદારહૃદયી પુત્રો શાસનને ભેટ આપે છે તે બાલાશામાતાના ચરિત્રમાંથી જોવા મળે છે.
ધર્મસ્નેહસૌજન્ય
સા. શ્રી પ્રવીણાશ્રીજીનાં શિષ્યા સા. શ્રી રયણયશાશ્રીના ઉપદેશથી
સ્વ. રતિલાલ જેઠાલાલ સલોતના શ્રેયાર્થે, હ. ધીરજબહેન પરિવાર, દાઠા, હાલ મુંબઈ શ્રી રમણિકલાલ જમનાદાસ દડિયા પરિવાર, હ. ડૉ. હર્ષદભાઈ, ઘાટકોપર - મુંબઈ
Jain Education International
FOPPE Vale & Personal Use Only
Www.allhbllutary org